વિધાનસભા સત્રમાં 6 બેઠકોમાં 43.35 કલાકની કામગીરી, 20 કાયદા અને સુધારા વિધેયક પસાર કરાયા

0
5

21મી સપ્ટેમ્બરથી શરૂ થયેલું ચૌદમી ગુજરાત વિધાનસભાનુ ચોમાસું સત્ર ગઈકાલે પુરું થયું હતું. આ પાંચ દિવસીય સત્રની છ બેઠકો ગૃહની કામગીરી મહ્દ અંશે મોડી રાત સુધી ચાલી હતી. તમામ વિધેયકોની ચર્ચામાં ગૃહે 32 કલાક અને સમગ્ર સત્ર દરમિયાન 43 કલાક અને 35 મિનિટની કામગીરી કરવામાં આવી હતી. સત્રમાં ગુંડાધારો, ભૂમાફિયાધારો, અસામાજિક તત્વોને નાથવા પાસા કાયદામાં સુધારો, ગણોતધારો, એપીએમસી એક્ટ, મહેસુલી સુધારાઓ, મત્સ્ય ઉદ્યોગ કાયદામાં સુધારો સહિત 20 જેટલા વિધેયકો મંજૂર કરી કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત સત્ર દરમિયાન ધારાસભ્યો દ્વારા ટૂંકી મુદ્દતના નવ પ્રશ્નો અને તાકીદની જાહેર બાબતો સંદર્ભે 116ની બે નોટીસ ઉપર પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પહેલીવાર ધારાસભ્યોને ગૃહની ગેલેરીમાં સ્થાન ફાળવાયું

મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતુ કે, આ વખતનું આ સત્ર સંપૂર્ણ શાંતિમય રહ્યું છે. વિપક્ષ દ્વારા પણ પૂરતો સહયોગ મળ્યો છે અને બધા જ ધારાસભ્યોએ ખૂબ જ સરસ રીતે પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા. કોરોનાના આ કપરાકાળમાં વિધાનસભા સચિવાલય દ્વારા ધારાસભ્યો અને અધિકારીઓનું સોશિયલ ડિસ્ટસન્સિંગ જળવાય તેની ખાસ કાળજી પણ લેવામાં આવી હતી. એ જ રીતે તમામ ધારાસભ્યો, સરકારી અધિકારીઓ , વિધાનસભા સચિવાલયનો તમામ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ અને મીડિયાના મિત્રોના કોરોનાના ટેસ્ટની કામગીરી કરીને નેગેટિવ રિપોર્ટ હોય તેઓને જ પ્રવેશ અપાયો હતો. કોરોના મહામારીના કારણે ધારાસભ્યોને ગૃહની ગેલેરીઓમાં પ્રથમ વખત સ્થાન ફાળવવામાં આવ્યું હતું.

ચોમાસું સત્રમાં શું ખાસ રહ્યું

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અતિવૃષ્ટિ ગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને સહાય કરવા નિયમ 44 હેઠળ રૂ.3700 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું
  • સમગ્ર સત્ર દરમિયાન છ બેઠકોમાં 43 કલાક અને 35 મિનિટની કામગીરી : ભારતના ભૂતપૂર્વ સ્વ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી સહિત વિધાનમંડળના નવ દિવંગત પૂર્વ સભ્યોને શોકાંજલી અપાઈ
  • આ સત્રમાં ગુંડાધારો, ભૂમાફિયાધારો, અસામાજિક તત્વોને નાથવા પાસા કાયદામાં સુધારો, ગણોતધારો, એપીએમસી એક્ટ, મહેસુલી સુધારાઓ, મત્સ્ય ઉદ્યોગ કાયદામાં સુધારો સહિત 20 જેટલા વિધેયકો મંજૂર કરી કાયદાનું સ્વરૂપ અપાયું
  • ટૂંકી મુદતના નવ પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો સંદર્ભે 116ની બે નોટીસ પર ચર્ચા વિચારણા કરાઈ
  • કોરોનાના કપરાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સની કામગીરીને પ્રોત્સાહિત કરવા અને બિરદાવવા માટે સરકારી સંકલ્પ રજૂ
  • શ્રેષ્ઠ જનપ્રતિનિધિઓની કામગીરીને સન્માનિત કરવા માટે માન.અધ્યક્ષનો નવતર અભિગમ : વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ધારાસભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરાયા
  • વર્ષ 2019માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવાની અને વર્ષ 2020માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની પસંદગી
  • રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું વધુને વધુ સર્જન થાય અને ઉદ્યોગગૃહોને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં અમલી નવી ઔદ્યોગિક નીતિ સંદર્ભે છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરાયો

કોરોનાના કારણે નિધન પામેલાને પ્રથમ દિવસે શ્રદ્ધાંજલિ અપાઈ

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે સત્રની પ્રથમ બેઠકમાં ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. પ્રણવ મૂખર્જી, કોરોનાને કારણે અવસાન પામેલા કોરોના વોરિયર્સ તથા પ્રજાજનો અને નવ જેટલા દિવંગત ધારાસભ્યોને શોકાંજલી આપતો પ્રસ્તાવ ગૃહના નેતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્ધારા લવાયો જેમાં વિપક્ષના નેતા સહિતના ધારાસભ્યોએ ભાગ લઈ શ્રદ્ધાંજલી અર્પી હતી.

બીજા દિવસે પાસા એક્ટમાં સુધારા વિધેયક પસાર કરાયું

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, સત્રના બીજા દિવસે રાજ્ય સરકાર દ્ધારા રાજ્યના નાગરિકોને રંજાડતા અસામાજિક તત્વોને નાથવા માટે અને તેઓને કડકમાં કડક સજા થાય તે હેતુસર ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતનું પાસા અંગેનું સુધારા વિધેયક રજૂ કરીને પસાર કરવામાં આવ્યું હતુ. આ પાસાના કાયદામાં સુધારો કરી કાયદાની જોગવાઈઓ વધુ કડક બનાવી તેમાં વ્યાજખોરી, સાયબર ક્રાઈમ, જાતીય સતામણી, જુગારના અડ્ડા ચલાવવા જેવી બાબતોનો સમાવેશ કરી અટકાયતની જોગવાઈ લાગુ કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રમિકોના કલ્યાણને વરેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે શ્રમિકોનું હિત અને ઉદ્યોગગૃહોને સવલતો સહિત ઉદ્યોગકારો અને શ્રમિકો વચ્ચે સુમેળ સધાય અને રાજ્યની વિકાસયાત્રા અવિરતપણે ચાલુ રહે જેના થકી રાજ્યમાં ઘરાઆંગણે વ્યાપક રોજગારીનું સર્જન થાય તે આશયથી ચાર જેટલા શ્રમ કાયદામાં સુધારાઓ કરવામાં આવ્યા.

ત્રીજા દિવસે ગુજરાતમાં ગુંડા એક્ટ પસાર કરાયું

મંત્રી જાડેજાએ કહ્યું કે, સત્રના ત્રીજા દિવસે રાજ્યમાં અસમાજિક પ્રવૃત્તિઓ કરતા તત્વોને નાથવા માટે પ્રબળ રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિ થકી આવા તત્વો નેસ્તનાબૂદ થાય અને નાગરિકોને વધુ સલામતીનો અહેસાસ થાય તે આશયથી ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અંગેનું વિધેયક પસાર કરીને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું હતુ. ગુજરાત ગુંડા અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવાને લગતા વિધેયકથી રાજ્યની શાંતિ, સલામતી છીન્ન ભિન્ન કરવાના બદ ઈરાદા ધરાવતા ગુંડા તત્વોને નેસ્ત નાબૂદ કરવાના રાજ્ય સરકારના મક્કમ નિર્ધાર સાથે લાવવામાં આવેલ આ વિધેયકથી અસામાજિક તત્વો ખંડણી ઉધરાવનારા, કેફી ડ્રગ્સનો વ્યાપાર કરનારા તેમજ દેહવિક્રયની પ્રવૃત્તિ જેવી સમાજ વિરુદ્ધની પ્રવૃત્તિઓ પર નોંધપાત્ર અંકુશ આવશે. આ કાયદા હેઠળ ગુનેગારને સાતથી દસ વર્ષની સજાની જોગવાઈ, ખાસ અદાલતોની રચના તેમજ કેસ ચલાવવા ખાસ પબ્લિક પ્રોસીક્યુટરની નિમણૂક જેવી મહત્વની જોગવાઈઓ પણ કરવામાં આવી છે.

ચોથા દિવસે જમીન પચાવી પાડનાર સામે વિધેયક પસાર

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, સત્રના ચોથા દિવસે રાજ્યના ગરીબ પરિવારો સહિત નાના સીમંત ખેડૂતોને સહાયરૂપ થવા માટે અને ભૂમાફિયાઓને રાજ્યમાંથી નેસ્ત નાબૂદ કરવાના આશયથી તથા સરકારી જમીન, વ્યક્તિગત માલિકીની જમીનો, ખેડૂત જાહેર ટ્રસ્ટો તથા સ્થાનિક સત્તામંડળોની માલિકીની જમીનો પર ધાકધમકીથી, છેતરપિંડીથી કબ્જો જમાવી બેઠેલા તત્વોને નેસ્તનાબૂદ કરવા માટે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ મૂકતું મહત્વનું વિધેયક ગૃહમાં પસાર કરીને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ કાયદા થકી ભૂમાફિયાઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. આ કાયદામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારને દસ વર્ષથી ઓછી નહિ અને ચૌદ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ પણ કરાઈ છે. આ ઉપરાંત આ જ દિવસે રાજ્યના નાગરિકોને સસ્તો અને ઝડપી ન્યાય ઘરાઅંગણે જ મળી રહે અને કોર્ટમાં રહેલી પેન્ડન્સી ઓછી થાય તે આશયથી સ્મોલ કોઝ કોર્ટ કાયદામાં સુધારો કરતો કાયદો ગૃહમાં પસાર કરાયો છે. આ કાયદામાં કોર્ટ ફી ની નાણાકીય હકુમતમાં વધારો કરી રૂપિયા પચીસ લાખની કરાઈ છે.

પાંચમા દિવસે મત્સ્ય ઉદ્યોગ સુધારા વિધેયક પસાર કર્યુ

મંત્રી જાડેજાએ ઉમેર્યું કે,સત્રના પાંચમાં અને છેલ્લા દિવસે મત્સ્ય ઉદ્યોગ કાયદામાં સુધારો કરતુ વિધેયક પસાર કરાયું. આ સુધારાને કારણે ગુજરાતના સોળસો કિલોમીટર દરિયાકિનારાની સુરક્ષા વધુ સઘન બનશે. તેમજ અન્ય રાજ્યોના માછીમારો માછીમારી માટે ગુજરાતની દરિયાઈ સીમામાં પ્રવેશતા અટકશે. જેના થકી ગુજરાતના માછીમારોને રોજગારીની વધુ તકો પ્રાપ્ત થશે. આ ઉપરાંત આ જ દિવસે ખેડૂતોના હિતોનું રક્ષણ થાય અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવા માટે તથા એપીએમસીઓ માં ઈ – પ્લેટફોર્મ પૂરુ પાડવાના આશ્યથી હવે રાજ્યના વેપારીઓ કે ખેડૂતો દેશના કોઈપણ એપીએમસી પર પોતાનો ખેત ઉત્પાદિત માલ ખરીદી કે વેચી શકે તે આશયથી ગુજરાત ખેત ઉત્પન્ન બજાર સમિતી સુધારા વિધેયક ને કાયદાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.