કોરોના વડોદરા LIVE – વધુ 43 પોઝિટિવ સાથે કુલ કેસનો આંક 1738 ઉપર પહોંચ્યો, આજે 2 દર્દીના મોત, વધુ 21 દર્દી ડિસ્ચાર્જ થતાં 1126 દર્દી રિકવર થયા

0
0
નોડલ અધિકારી ડો. શીતલ મિસ્ત્રીએ PPE કીટમાં કોવિડ વોર્ડની મુલાકાત લીધી
  • વડોદરામાં છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 192 સેમ્પલમાંથી 43 પોઝિટિવ અને 149 નેગેટિવ આવ્યા

સીએન 24,ગુજરાત

વડોદરા. વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 43 દર્દીઓ નોંધાયા છે. આ સાથે પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1738 ઉપર પહોંચી ગઇ છે. અને વડોદરામાં આજે વધુ 21 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા અત્યાર સુધીમાં કુલ 1126 દર્દી સાજા થયા છે. વડોદરામાં હાલ 562 દર્દી સારવાર હેઠળ છે, જે પૈકી 91 દર્દી ઓક્સિજન ઉપર અને 52 દર્દી વેન્ટીલેટર ઉપર છે.

વડોદરા શહેર-જિલ્લાના આ વિસ્તારોમાં આજે કોરોનાના કેસ નોંધાયા
વડોદરા શહેરમાં આજે નવાપુરા, વાડી, યાકુતપુરા, હાથીખાના, પાણીગેટ, વીઇઆઇપી રોડ, ફતેપુરા, વારસીયા રિંગ રોડ, ગેંડીગેટ, હરણી, ગોરવા, રાજમહેલ રોડ, કારેલીબાગ, વાઘોડિયા રોડ અને ગોત્રી  વિસ્તારમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા ગ્રામ્યના પાદરા, ભાદરવા અને વાંકાનેરમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

વડોદરામાં કોરોનાથી આજે વધુ 2 દર્દીના મોત
વડોદરા શહેરમાં કોરોના વાઈરસની સારવાર દરમિયાન આજે વધુ 2 દર્દીના મોત થયા છે. વડોદરાના વાડી ભાટવાડા વિસ્તારના કુંભારવાડાના ચંદ્રકાન્ત ડાહ્યાભાઇ પ્રજાપતિનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં 45 વર્ષીય રૂક્શાના સાજીદ પઠાણ નામની મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે.

ભરૂચ જિલ્લામાં કોરોનાના વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા
ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 9 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં જંબુસરમાં 8 પોઝિટિવ કેસ અને અંકલેશ્વરના જૂના દિવા ગામમાં એક મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભરૂચ જીલ્લામા કોરોના વાઈરસના કેસની સંખ્યા 114 ઉપર પહોંચી ગઇ છે, જેને પગલે આરોગ્ય વિભાગની ચિંતામાં સતત વધારો થઇ રહ્યો છે.

નોડલ અધિકારીએ કોવિડ વોર્ડની મુલાકાત લીધી
વડોદરાના OSD વિનોદ રાવની સલાહથી ગોત્રી હોસ્પિટલની એક્ઝિક્યુટિવ કમિટીમાં નિર્ણય લેવાયો છે કે, કોવિડ-19 હોસ્પિટલના જુદા-જુદા વિભાગના તબીબોને કોવિડ વોર્ડ અને આઈસીયુમાં વહીવટી રાઉન્ડ લેશે. નોડલ અધિકારી ડો. શીતલ મિસ્ત્રીએ આજે ​​જાતે જ રાઉન્ડ શરૂઆત કરી હતી. તેમણે PPE કીટમાં કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી અને 3 કલાક ગાળ્યા હતા અને દર્દીઓ સાથે વાતચીત કરી હતી અને તેમનો પ્રતિસાદ લીધો હતો. જેમાં દર્દીઓએ સારો પ્રતિસાદ આપ્યો હતો.

વડોદરામાં 40 હોસ્પિટલમાં 1600 પથારીની સુવિધા ઉપલબ્ધ
વડોદરા શહેર અને જિલ્લાની 8 સરકારી અને 32 ખાનગી મળીને કુલ 40 હોસ્પિટલોમાં 1600 બેડની સગવડને અધિસૂચિત કરવામાં આવી છે, જેમાં પ્રવર્તમાન અને નવા ઉમેરવામાં આવેલા બેડનો સમાવેશ થાય છે. આમ, હવે કોરોનાના દર્દીઓની સારવાર માટે 32 ખાનગી દવાખાનાઓમાં ચુકવણી આધારિત 725 અને 8 સરકારી દવાખાનાઓમાં વિનામૂલ્યે 875 પથારીની સુવિધા સાથે કુલ 1600 પથારીની સુવિધા સુલભ બની છે. આ ઉપરાંત પહેલી જુલાઈ સુધીમાં વધુ 1000 બેડની સુવિધા ઉમેરીને અધિસુચિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here