કોરોના : અમદાવાદ : બોડકદેવ-ચાંદલોડિયામાં 452 કેસ, AMC છુપાવવા માગતી હતી પણ એક અધિકારીએ ભાંડો ફોડી નાખ્યો

0
8

મે મહિના પછી પહેલીવાર અને તે પણ માત્ર બે જ વોર્ડ બોડકદેવ અને ચાંદલોડિયામાં કોરોનાના 452 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. બુધવારે બોડકદેવમાં અંદાજે 12 હજાર ટેસ્ટ કરાયા હતા જેમાં 190 પોઝિટિવ મળ્યા હતા. જ્યારે ગુરુવારે ચાંદલોડિયામાં પણ આટલા જ ટેસ્ટ કરાયા જેમાં 262 પોઝિટિવ મળી આવ્યા હતા. છેલ્લા કેટલાય મહિનાથી મ્યુનિ. કોરોનાના સાચા આંકડા છુપાવે છે. આ સિલસિલો હજુ પણ ચાલુ જ છે ત્યારે એક અધિકારીએ આ ભાંડો ફોડી નાખ્યો હતો. કમિશનર અને ઉચ્ચ અધિકારીએ આ અધિકારીને તતડાવ્યા હતા. સત્તાવાર યાદીમાં કોરોનાના કેસ માત્ર 148 અને બુધવારે 149 મળી બે દિવસમાં 297 કેસ જાહેર કર્યા હતા.

સંખ્યાબંધ વોર્ડમાં 3 હજારથી 10 હજાર સુધી રોજના ટેસ્ટ કરવા માટેનો ટાર્ગેટ પણ નક્કી કરવામાં આવ્યો છે. જો કે, મ્યુનિ.ના એક પણ અધિકારી આ મામલે સત્તાવાર રીતે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો અને આટલા કેસ નહીં હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચાર જ દિવસમાં ચાંદલોડિયામાં 14 જેટલા વિસ્તારો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકી દેવામાં આવ્યા છે.

બીજી તરફ એસવીપી, શારદાબહેન અને એલજી હોસ્પિટલમાં પણ 60 ડોક્ટરો પોઝિટિવ મળ્યા હતા. જેમાં એસવીપીના 22, એલજીના 30 અને શારદાબેન હોસ્પિટલના 8 ડોક્ટરનો સમાવેશ થાય છે.

બંને વોર્ડમાં થયેલા ટેસ્ટ-કેસ

બોડકદેવ વોર્ડમાં બોડકદેવ તેમજ આંબલીનો સમાવેશ થાય છે. બંનેના અર્બન હેલ્થ સેન્ટરમાં 12 હજાર ટેસ્ટ થયા હતા. એ જ ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયા અને ઓગણજનો સમાવેશ થાય છે.

વિસ્તાર બોડકદેવ આંબલી ઓગણજ ચાંદલોડિયા
ટેસ્ટ 7282 4947 7158 4983
પોઝિટિવ 107 83 150 112

 

104ની સેવામાં વિલંબની ફરિયાદ

અમદાવાદ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 2000 પર પહોંચ્યો છે ગુરુવારે જિલ્લામાં 19 કેસ નોંધાયા હતા. જ્યારે મૃત્યુદર 58 છે. ગુરુવારે જિલ્લાના બાવળા 1, દસ્ક્રોઇ 1, દેત્રોજ 1, ધંધુકા 5, ધોળકા 4, માંડલ 2, સાણંદ 4, અને વિરમગામમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા હતા.

ભાજપના કોર્પોરેટર હેમાબેન આચાર્યએ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ કરી હતી કે, દર્દીઓને 104ની સેવા 24 કલાક સુધી મળતી નથી. આવા મારી પાસે પાંચ કિસ્સા છે. 104 નહીં આવતાં ડેપ્યુટી હેલ્થ ઓફિસરને પણ ફરિયાદ કરી તો 8 કલાકે સેવા મળી હતી. જવાબમાં ડેપ્યુટી કમિશનરે કહ્યું કે, કોઈપણ નાગરિકને ફરિયાદ હોય તો મને ફોન કરી શકે છે.

જોધપુરના રહીશે 2 દિવસ રાહ જોઈ

જોધપુરના મુકેશ દેસાઇએ સવારે 8 વાગે 104ને ફોન કર્યો હતો. સાંજે આ બાબતે તેમના પરિવારે કોર્પોરેટરનો સંપર્ક કર્યો. કોર્પોરેટરે ફોન કરવા છતાં 104 આવી ન હતી. બાદમાં કોર્પોરેટરે ડીવાયએચઓને ફરિયાદ કરી હતી. ડીવાયએચઓએ બીજા દિવસે સવારે 104 આવી જશે તેવી ખાતરી આપી છતાં સવારે વાન આવી ન હતી.

જોધપુરમાં કતાર એરની ઓફિસને 1 લાખ દંડ

જોધપુરમાં આવેલી કતાર એરલાઇન્સની ઓફિસમાં માસ્ક પહેર્યા વગર કામ કરતાં કર્મચારીઓને કારણે ઓફિસને મ્યુનિ.એ 1 લાખનો દંડ ફટકાર્યો છે. મ્યુનિ.એ તપાસ કરતાં કર્મચારીઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો.

રેલવે સ્ટેશને 1579 ટેસ્ટ, 28 પેસેન્જર પોઝિટિવ

કાલુપુર રેલવે સ્ટેશને મ્યુનિ.એ ધરેલી ઝુબેશ હેઠળ 1579 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 28 પેસેન્જરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. રાજધાની એક્સપ્રેસમાં 766 પેસેન્જરોની તપાસ કરતાં 20 જ્યારે મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેનમાં 405 પેસેન્જરમાંથી 5 ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં 408 પેસેન્જરમાંથી 3 પોઝિટિવ મળી આવ્યા હતા. આમાંથી કેટલાકને હોસ્પિટલમાં તો કેટલાકને ક્વોરન્ટાઈન સેન્ટરમાં મોકલાયા છે.

આ 24 વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટમાં મુકાયા

 • તરલીકા ફ્લેટ, દાણીલીમડા
 • મનમોતી ફ્લેટ, ખોખરા
 • એ બ્લોક, ઓમકાર રેસીડન્સી, ઘોડાસર
 • જય અંબીકા સોસા. ઘોડાસર
 • બુરહાની સોસા. વટવા
 • વાનીયાવાડ, સરસપુર
 • ભગવતીકૃપા સોસા., ઇન્ડિયાકોલોની
 • એ બ્લોક, કલાસાગર એપાર્ટ, જોધપુર
 • ડી-2, બ્લોક, કાવ્યા એપાર્ટ, જોધપુર
 • માલીવાડાની પોળ, શાહપુર
 • નિલકંઠ પાર્ક-1, શાહીબાગ
 • શુભલક્ષ્મીનગર, ચાંદખેડા
 • ભગવતી પાર્ક સોસા., ભાઇપુરા
 • ભારતીયનગર, ગોમતીપુર
 • ક્રિશ એક્ષોટીકા, નિકોલ
 • બિનોરી-3, કંન્સ્ટ્રકશન સાઇટ,બોડકદેવ
 • 2,3 માળ એ બ્લોક, વિનસ એપાર્ટ, બોડકદેવ
 • અનીક એપાર્ટ, બોડકદેવ
 • 2,3 માળ એ બ્લોક, વિનસ એપાર્ટ, બોડકદેવ
 • ગ્રાઉન્ડ ફ્લોર, જાનકી એપાર્ટ, બોડકદેવ
 • સહજાનંદ ઓઆસીસ, બોડકદેવ
 • ધનજીકાકા નગર, ચાંદલોડીયા
 • સાયોના-3, ચાંદલોડીયા
 • ઘર નં. 5 થી 10 વિનાયક પાર્ક, ચાંદલોડીયા
 • ગોર વાસ, ચાંદલોડીયા

કર્ણાવતી ક્લબમાં ત્રણ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

અમદાવાદની કર્ણાવતી ક્લબમાં કામ કરતા ત્રણ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના સંપર્કમાં આવેલા છથી સાત લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા જ અમદાવાદમાં ક્લબો શરૂ થઈ છે જેની વચ્ચે કર્ણાવતી કલબમાં ત્રણ કર્મચારીઓ પોઝિટિવ આવતા અન્ય કર્મચારીઓમાં પણ ટેસ્ટ કરાવાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here