46 વર્ષ જૂનું શિવ મંદિર ફરીથી બાંધી આપવાની સ્થાનિકોને આપેલી ખાતરીમાંથી મેયર ફરી ગયાં

0
37

અમદાવાદ: પાલડીમાં 46 વર્ષ જૂના મહાદેવનું મંદિર તોડી પાડવાની ઘટનાનો વિવાદ બીજા દિવસે યથાવત રહ્યો. સ્થાનિકોને મંદિર તોડવા પાછળ આંતરિક રાજકારણની શંકા છે. રાજકીય આગેવાનો મંદિર તોડવામાં રાજકારણ નથી તેવું ખોંખારીને કહેતા નથી. મેયર મંદિર ફરી બનાવી આપવાની સ્થાનિકોને આપેલી ખાતરીમાંથી 24 કલાકમાં ફરી ગયા છે.

કાયદામાં રહી મંદિરનું પુન:નિર્માણ થઈ શકે પણ મ્યુનિ. ન બનાવી આપે: મેયર

મંદિર તોડવા સૂચના આપી કોણે?

ધારાસભ્ય રાકેશ શાહે સવાલ કર્યો હતો કે, મંદિર તોડવા સૂચના આપી કોણે? જ્યારે મ્યુનિ. ભાજપના નેતા અમિત શાહે કહ્યું, મને કશી ખબર નથી, મેયરને પૂછો. સ્થાનિકોએ શુક્રવારે ધરણા કરી મેયર બીજલ પટેલને આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય રાકેશ શાહ અને મ્યુનિ.માં ભાજપના નેતા અમિત શાહ પણ સ્થાનિકોના સમર્થનમાં આવ્યા. સ્થાનિક આગેવાન રોહીત શાહે જણાવ્યું કે, મેયરે ભલે મંદિર બનાવો મ્યુનિ. કાર્યવાહી નહીં કરે તેવું આશ્વાસન આપ્યું પણ લેખિતમાં ન આપે ત્યાં સુધી મંદિર નહીં બનાવીએ. હિન્દુ જાગરણ મંચના જનકસિંહે કહ્યું, મંદિર તોડવાની ફરીયાદ કોણે કરી અને મંજૂરી કોણે આપી તે જાહેર કરાય.

મંદિર સામે ફરિયાદ મળી હતી

પાલડીમાં આવેલા શિવ મંદિર સામે સ્થાનિક ફરિયાદ હતી. ત્યાં અગાઉ ડેરી હતી, બે દિવસથી સ્લેેબ ભરીને ધાબું ભરી રહ્યાં હતા. જો કે, મંદિર વર્ષોથી હતું કોઇને નડતરરૂપ ન હતું. લોકોએ મંદિર મુદ્દે રજૂઆત કરી ત્યારે ધાર્મિક લાગણીઓ જોતા મેં ફરી મંદિરનું પુન:નિર્માણ કરી દો તેવું કહ્યું છે. સાથે કાયદામાં રહીને નિર્માણ કરવા કહ્યું છે. પણ મ્યુનિ. કે મેયર તો મંદિર ન જ બનાવી આપે. – બિજલ પટેલ, મેયર

ફરિયાદ મળતાં એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી

ડીવાય એમસી આર્જવ શાહે કહ્યું, મને હોબાળો થયો ત્યારે ખબર પડી. ફરિયાદને આધારે એસ્ટેટ વિભાગે કાર્યવાહી કરી હતી. બીજી તરફ એસ્ટેટ વિભાગના અધિકારી જાદવે કહ્યું હતું કે, હું મંદિર તોડવા નહોતો ગયો, મને કંઇ ખબર નથી. અધિકારીઓ જ આ મુદ્દે વધુ સ્પષ્ટતા કરી શકે તેમ છે.

વાતાવરણ ડહોળવા પ્રયાસ થઈ રહ્યા છે

હું લોકોના સમર્થનમાં છું. હું ખુદ પૂછું છું કે,  ફરિયાદ કોણે કરી ? મંદિર ફુટપાથથી અંદર હતુ. આમા રાજકારણ છે તેવું ન કહી શકુ પરંતુ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો છે. – રાકેશ શાહ, ધારાસભ્ય

ચોક્કસપણે મંદિર તૂટવું જોઈતું ન હતું

ડંકે કી ચોટ પર કહું છું કે, મંદિર ના તૂટવું જોઇએ. મંદિર તોડવા પાછળ રાજકારણ છે કે શું? એ ખબર નથી. વહિવટી પાંખ ઘણા નિર્ણયોની જાણ નથી કરતી. – અમિત શાહ, નેતા, મ્યુનિ. ભાજપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here