મહેસાણા : અનાજ કૌભાંડ : ઊંઝા સરકારી પુરવઠા ગોડાઉનમાંથી 488 મણ જથ્થો વધુ મળતાં ખળભળાટ

0
4

મહેસાણા. ઊંઝા પોલીસે કહોડાની ફ્લોર મિલમાંથી ગરીબોને મળવાપાત્ર સરકારી ઘઉંનો મોટો જથ્થો ઝડપ્યા બાદ અનાજના બારોબારિયા મામલે કલેકટર રચિત કમિટી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ઊંઝાના સરકારી પુરવઠા ગોડાઉનમાંથી ઘઉં, ચોખા સહિત કુલ 9766 કિલો જથ્થો વધ મળી આવતાં ટીમ ચોંકી ઊઠી હતી. 488 મણ જેટલો મોટો જથ્થો વધ મળતાં અહીંથી મોટાપાયે બારોબારિયું થતું હોવાનું મનાય છે.

ત્યારે આ ચેઇનમાં કોણ કોણ સામેલ છે, ક્યારથી ચાલતું હતું કૌભાંડ વગેરેના મૂળ સુધી પહોંચવા સસ્તા અનાજની પાંચ દુકાનોના 50થી વધુ ગ્રાહકોનાં નિવેદન લેવાયાં છે. ઊંઝા સરકારી અનાજ કૌભાંડ મામલે મહેસાણા પ્રાંત અધિકારી વિમલ પટેલની અધ્યક્ષતામાં રચિત કમિટીના સદસ્ય મામલતદાર, પુરવઠા અધિકારી સહિતની ટીમ દ્વારા તાજેતરમાં ઊંઝાના સરકારી ગોડાઉનમાં જથ્થાની તપાસ કરાતાં વધ-ઘટ જણાઇહતી. ટીમે 50થી વધુ ગ્રાહકોના નિવેદન લીધાં હતાં. ઉલ્લેખનિય છે કે,આ પહેલાં પણ જિ.સરકારી પુરવઠા ગોડાઉનથી જથ્થાના બારોબારિયાની આશંકાઓ વ્યક્ત થતી રહી છે. ત્યારે જિલ્લા પુરવઠા વિભાગની લાલિયાવાડીના કારણે જરૂરમંદોને મળવાપાત્ર જથ્થો ખાનગી એકમોમાં પગ કરી જતો હોવાનું ચર્ચાય છે.

કઇ દુકાનમાંથી કેટલા જથ્થાની વધ-ઘટ જણાઇ

  1. કહોડા ગામમાં રેશનિંગ દુકાનદાર પટેલ દિપીકાબેન ભાવેશકુમારની દુકાનમાંથી ઘઉં 1629 કિલો,ચોખા 789 કિલો,મીઠું 120 કિલો ઘટ, ખાંડ 139 કિલો અને ચણા 72 કિલો વધ મળ્યા.
  2. રાજપુત વિજાજી ગોપાલજીની દુકાનમાં ઘઉં 1183 કિલો, ચોખા 1162 કિલો, મીઠું 96 કિલો અને ખાંડ 59 કિલોની ઘટ, જ્યારે ચણા 5 કિલો વધ મળ્યા.
  3. પટેલ દિનેશકુમાર રામજીભાઇની દુકાનમાં ઘઉં 70 કિલો અને મીઠું 62 કિલોની ઘટ, જ્યારે ચોખા 2012 કિલો અને ખાંડ 3 કિલોની વઘ મળ્યા.
  4. ઊંઝામાં સુરેશભાઇ માધવલાલ પટેલની દુકાનમાં ચોખા 67 કિલો અને ખાંડ 28 કિલો ઘટ, જ્યારે ઘઉં 218 કિલો, મીઠું 190 કિલો અને ચણાદાળ 261 કિલોની વધ મળી.
  5. ઐઠોર ગામમાં સેન દિનેશકુમાર શિવરામભાઇની દુકાનમાં ઘઉં 1617 કિલો, મીઠું 44 કિલો અને ખાંડ 26 કિલોની ઘટ, જ્યારે ચોખા 670 કિલો અને ચણાદાળ 14 કિલોની વધ મળી.