Tuesday, September 21, 2021
Home5 વર્ષમાં 68% વધી રાહુલ ગાંધીની સંપત્તિ, દિલ્હીમાં જ છે ખેતીની જમીન
Array

5 વર્ષમાં 68% વધી રાહુલ ગાંધીની સંપત્તિ, દિલ્હીમાં જ છે ખેતીની જમીન

નવી દિલ્હી : કેરળની વાયનાડ લોકસભા સીટથી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. રાહુલ ગાંધી એ ઉમેદવારી ફોર્મની સાથે તેમની સંપત્તિ અને જવાબદારીઓની માહિતી આપી છે. રાહુલ ગાંધી તરફથી આપવા માં આવેલી એફિડેવિટ પ્રમાણે છેલ્લાં 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 68 ટકાનો વધારો થયો છે. રાહુલ ગાંધી પર રૂ. 72 લાખનું દેવુ છે. એટલું જ નહીં રાહુલ ગાંધી પાસે તેમની પોતાની કાર પણ નથી. રાહુલ ગાંધી તરફથી રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો પ્રમાણે તેમની પાસે દિલ્હીમાં ખેતીની પૈતૃક જમીન છે.

રાહુલ ગાંધી પર 72 લાખનું દેવુ

તાજેતરમાં જ દેશની વીઆઈપી સીટોમાં સામેલ થયેલી વાયનાડ લોકસભાસીટ પર સમગ્ર દુનિયાની નજર છે. ગુરુવારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભવ્ય રોડ શો કરીને આ સીટ પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. રાહુલ ગાંધી દ્વારા રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોંગ્રેસ અધ્યક્ષની સંપત્તિ રૂ. 15.88 કરોડ કરતા વધારે છે. 2014ની ચૂંટણીમાં તેમની કુલ સંપત્તિ 9.4 કરોડ જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પાસે 5 કરોડ 80 લાખ 58 હજાર 799 રૂપિયાની અસ્થાઈ સંપત્તિ છે. જ્યારે 10 કરોડ 8 લાખ 18 હજાર 284 રૂપિયાની સ્થાઈ સંપત્તિ છે. આમ, તેમની કુલ સંપત્તિ રૂ. 15 કરોડ 88 લાખ 77 હજાર 83 રૂપિયા છે.

રાહુલે ગણાવ્યો આવકનો સ્ત્રોત

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, નાણાકીય વર્ષ 2017-18માં તેમની કુલ આવક 1 કરોડ 11 લાખ 85 હજાર 570 રૂપિયા હતી. રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે તેમની આવકનો સ્ત્રોત સાંસદનું વેતન, રોયલ્ટીની આવક, ભાડાની આવક, બોન્ડમાંથી મળેલું વ્યાજ, ડિવિડન્ટ અને મ્યુચલ ફંડથી થતી આવક છે. એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે, ગુરુગ્રામમાં રાહુલ ગાંધી પાસે બે ઓફિસ છે.

રાહુલ ગાંધીએ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમ.ફિલ કર્યું છે

કોંગ્રેસ અધ્યક્ષે એફિડેવિટમાં તેમના શિક્ષણ વિશેની માહિતી પણ આપી છે. તેમણે જણાવ્યું છે કે, વર્ષ 1995માં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનીટી કોલેજમાંથી એમ.ફિલનો અભ્યાસ કર્યો છે.

રાહુલ ગાંધીની પાસે કાર નથી: એફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુલ ગાંધી પાસે કાર નથી અને એસપીજી સુરક્ષા મળી હોવાના કારણે તેમને એસપીજી વાહનોમાં જ ફરવું પડે છે.

દિલ્હીમાં ખેતીની જમીન

કોંગ્રેસ અધ્યક્ષ પાસે માત્ર રૂ. 40,000 કેશ છે. અલગ અલગ બેન્કમાં તેમના રૂ. 17.93 લાખ જમા છે. રાહુલે રૂ. 5.19 કરોડ રૂપિયાના વિવિધ કંપનીઓના બોન્ડ, ડિબેન્ચર અને શેરમાં રોકાણ કરેલા છે. રાહુલ પાસે થોડુ સોનુ પણ છે. દસ્તાવેજો પ્રમાણે તેમની પાસે 333.3 ગ્રામ તોલા સોનું છે. દિલ્હીના સુલતાનપુર ગામમાં તેમની પાસે પૈતૃક ખેતીની જમીન પણ છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, તેમની વિરુદ્ધ 5 કેસ ચાલી રહ્યા છે. એફિડેવિટ પ્રમાણે રાહુલ ગાંધી વિરુદ્ધ બે કેસ મહારાષ્ટ્રમાં પેન્ડિંગ છે અને એક-એક કેસ ઝારખંડ, આસામ અને નવી દિલ્હીમાં પેન્ડિંગ છે. નોંધનીય છે કે, લોકસભા સીટ માટે વાયનાડમાં 23 એપ્રિલે મતદાન છે. વાયનાડ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ ઉત્તર પ્રદેશની અમેઠીથી પણ લોકસભા ચૂંટણી લડી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments