રાજકોટ : 24 કલાકમાં 5ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7572 પર પહોંચી, 819 દર્દી સારવાર હેઠળ

0
3

રાજકોટમાં 24 કલાકમાં 5 લોકોના કોરોનાથી મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 7572 પર પહોંચી છે. જેમાંથી 819 લોકો રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ગુરૂવારે રાજકોટમાં 96 લોકો કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. બીજી તરફ માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ ઘટાડો થઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી 100ની નીચે આંક આવી રહ્યો છે. તેવી જ રીતે જિલ્લામાં પણ 50ની નીચે આંક આવી રહ્યો છે. હવે આ કુલ આંક 100ની નીચે લાવવા માટે તંત્રે કમર કસી છે અને તે માટે શક્ય તેટલા લોકોનું સ્ક્રીનિંગ કરીને ચેપ ફેલાતો અટકાવવા પ્રયાસ થઈ રહ્યો છે. આ ઉપરાંત લોકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કમાં જરા પણ બેદરકારી રાખે તો ફરીથી કેસની સંખ્યા ન વધે તેની સતત બીક તંત્રને થઈ રહી છે.

ગુરૂવારે 1755 બેડ ખાલી રહ્યાં હોવાનું તંત્રના ચોપડે નોંધાયું

સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડની સંખ્યા સતત ખાલી થઈ રહી છે. ગુરૂવારે 1755 બેડ ખાલી રહ્યાં હોવાનું તંત્રના ચોપડે નોંધાયું છે. ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં હવે બેડની ઉપલબ્ધિ માટે પણ ફોન કોલની સંખ્યા સાવ નહીંવત થઈ છે. ગુરુવારે માત્ર એક જ ફોન આવ્યો હતો.

રાજકોટમાં પ્રથમ કેસ 19 માર્ચે નોંધાયો હતો

રાજકોટ શહેરમાં 15 ઓક્ટોબરની સ્થિતિએ કુલ કેસ 7572 થયા છે. પ્રથમ કેસ 19 માર્ચે નોંધાયો હતો અને ત્યારથી કેસની સંખ્યા સતત વધી રહી છે. એમાં પણ સપ્ટેમ્બર માસમાં ખૂબ જ વધારો આવ્યો છે. જેની પ્રતીતિ કુલ કેસમાં જ થઈ જાય છે. 19 માર્ચથી શરૂ કરીને છેક 6 સપ્ટેમ્બર એટલે કે 169 દિવસમાં રાજકોટ શહેરમાં 3766 કુલ કેસ નોંધાયા હતા. તેટલા જ બીજા 3700 કેસ માત્ર 39 દિવસમાં નોંધાતા શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક જ મહિનામાં બમણી થઈ ગઈ હતી.