પર્સનલ ફાઈનાન્સ : 31 જુલાઈ સુધીમાં પતાવી લો ફોર્મ 15G/15H સબમિટ કરવા સહિતનાં 5 મહત્ત્વપૂર્ણ કામ, અન્યથા નુકસાનનો સામનો કરવો પડશે

0
3

કોરોનાના કારણે દેશમાં લાગુ લોકડાઉનના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા સરકારે અનેક ફાઈનાન્શિયલ કામગીરીની અંતિમ તારીખમાં ફેરફાર કર્યો હતો. આ કામગીરીની છેલ્લી તારીખ 31 જુલાઈ સુધી લંબાવાઈ હતી. આવી સ્થિતિમાં જો તમે હજી સુધી આ કામ નથી કર્યાં તો તેને 31 જુલાઈ પહેલા પતાવી લેવાં, નહીં તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને આ કામો વિશે જણાવી રહ્યા છીએ.

ટેક્સમાં રાહત મેળવવા માટે રોકાણ
નાણાંકીય વર્ષ 2019-20 માટે ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી હતી, જેને લંબાવીને 30 નવેમ્બર કરી દેવામાં આવી હતી. તે ઉપરાંત ટેક્સ બચાવવા માટે ઈન્કમ ટેક્સની કલમ 80C, 80D, 80E અંતર્ગત રોકાણ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી. જો તમે હજી સુધી ક્યાંય પણ ટેક્સ બચત માટે રોકાણ ન કર્યું હોય, તો વહેલી તકે કરો.

PPF અને SSYમાં મિનિમમ અમાઉન્ટ
સરકારે PPF અને સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)ના ખાતા ધારકોને રાહત આપી છે. સરકારે આ બંને અકાઉન્ટ હોલ્ડર્સને લોકડાઉનના કારણે છૂટ આપી હતી. જેમાં જણાવ્યા પ્રમાણે, જે લોકો પૈસા જમા કરાવી શકતા નથી તેઓએ 31 જુલાઇ સુધીમાં જમા કરાવી દે. સરકારે લોકડાઉન દરમિયાન 10 વર્ષની ઉંમર પૂર્ણ કરનારી બાળકીઓને પણ સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલવાની મંજૂરી આપી છે. એટલે કે 25 માર્ચથી 30 જૂન દરમિયાન 10 વર્ષની ઉંમર પૂર્ણ કરનારી બાળકીઓ પણ 31 જુલાઈ સુધી આ યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકે છે.

ફોર્મ 15G/15H જમા કરવું
ઈન્કમ ટેક્સ પર TDS કપાતથી બચવા માટે ફોર્મ 15G/15H ભરવામાં આવે છે. કોરોનાવાઈરસ લોકડાઉનના કારણે સરકારે તેની તારીખ લંબાવીને 31 જુલાઈ 2020 કરી દીધી છે. ફોર્મ 15G અથવા ફોર્મ 15H સ્વ-ઘોષણાવાળાં ફોર્મ છે. તેમાં તમારે જણાવવું પડે છે કે તમારી આવક ટેક્સની મર્યાદાની બહાર છે. જે આ ફોર્મ ભરે છે તેને ટેક્સમાંથી રાહત મળે છે. તેથી વહેલી તકે આ ફોર્મ તમારી બેંકમાં જવા કરાવી દો.

ફોર્મ 16
ફોર્મ 16 ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે જરૂર પડે છે. આ ફોર્મને સામાન્ય રીતે કંપનીઓ 15 મે સુધી આપે છે. પરંતુ આ વખતે લોકડાઉનના કારણે સરકારે 15 જૂનથી 31 જુલાઈ સુધી આપવા માટે કહ્યું છે.

2018-19નું ITR
નાણાંકીય વર્ષ 2018-19 માટે આવકવેરા રિટર્ન 30 નવેમ્બર સુધી ફાઈલ કરી શકો છો. તે ઉપરાંત રિવાઈઝ્ડ ITR પણ 31 જુલાઈ સુધી ફાઈલ કરી શકો છો. તેને ફાઈલ કરવાની અંતિમ તારીખ 30 જૂન હતી. આવી સ્થિતિમાં તમે હજી સુધી રિવાઈઝ્ડ ITR ફાઈલ ન કર્યું હોય, તો જલ્દીથી ફાઈલ કરી દેવું.