કોરોનાની અસર : ભારતમાં પહેલીવાર થનાર અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ અનિશ્ચિતકાળ સુધી સ્થગિત, અમદાવાદ સહિત 5 જગ્યાએ મેચો રમાવવાની હતી

0
6

સ્પોર્ટ્સ ડેસ્ક. ભારતમાં પહેલીવાર થનાર અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ કોરોના વાઈરસના કારણે અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટની નવી તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે. આ જાણકારી ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશને શનિવારે આપી હતી. આ ટૂર્નામેન્ટ 2થી 21 નવેમ્બર દરમિયાન દેશમાં કોલકાતા, ગુવાહાટી, ભુવનેશ્વર, અમદાવાદ અને નવી મુંબઈમાં રમાવવાની હતી.

કોરોના વાઈરસના કારણે શનિવાર સુધીમાં 59 હજાર લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા 10 લાખ 98 હજાર છે. જ્યારે ભારતમાં 3 હજાર 100થી વધુ લોકો સંક્રમિત થઈ ગયા છે. તેમાંથી 94 લોકોના મોત થયા છે.

કોરોનાના ખતરાના કારણે આ નિર્ણય લીધો: ફિફા

અંડર-17 વર્લ્ડ કપમાં વિશ્વની 16 ટીમો ભાગ લેવાની હતી. યજમાન હોવાના કારણે ભારતને ક્વોલિફાય કરવાની જરૂર નહોતી પડી. ટીમને સીધી એન્ટ્રી મળી હતી. ભારતમાં થનાર આ ટૂર્નામેન્ટની જાહેરાત આ વર્ષે ફેબ્રુઆરીમાં થઈ હતી. વર્લ્ડ કપની ફાઇનલ નવી મુંબઇમાં થવાની હતી. ફિફાએ કહ્યું કે, આ નિર્ણય કોરોનાના વધતા ખતરાના કારણે લેવામાં આવ્યો છે. અમારા માટે રમત કરતા લોકોનું જીવન વધુ મહત્ત્વનું છે.

અંડર-20 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ પણ સ્થગિત

ફિફાની ગવર્નિંગ બોડીએ આ વર્ષે થનાર અંડર-20 મહિલા વર્લ્ડ કપ પણ સ્થગિત કરી દીધો છે. આ ટૂર્નામેન્ટ પનામા/કોસ્ટારિકામાં ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન રમાવવાની હતી. હાલમાં કોરોનાના કારણે દુનિયાની તમામ સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ રદ્દ અથવા સ્થગિત કરવામાં આવી છે. તેમાં ટોક્યો ઓલિમ્પિક, ઇન્ડિયન પ્રીમિયર લીગ અને ટેનિસ ગ્રાન્ડસ્લેમનો પણ સમાવેશ થાય છે. ઓલિમ્પિક આવતા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં થશે, જ્યારે IPLને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here