વડોદરા : સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના વધુ 5 કેદી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર

0
5

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા પાકા કામના 5 કેદી વચગાળાના જામીન મેળવ્યા બાદ ફરાર થઇ ગયા છે. આ મામલે જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 5 દિવસ પહેલા જ વડોદરા સેન્ટ્રલ જેલના જેલરે 7 કેદી ફરાર થઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

રાજ્યની 29 જેલમાંથી 2 હજાર કેદીઓને પેરોલ પર છોડવામાં આવ્યા હતા
કોરોનાના વાઈરસની મહામારીને પગલે ગુજરાતની 29 જેલના કુલ 17 હજાર જેટલા કેદીમાંથી અંદાજે 2 હજાર જેટલા કેદીઓને 60 દિવસની પેરોલ પર છોડવામાં આવ્યા હતા. રાજ્યની જેલોમાં ક્ષમતા કરતા વધુ કેદીઓ હોવાથી રોગચાળાની રોકથામ માટે સરકારે નક્કી કરેલા નિયમો અંતર્ગત કેદીઓને પેરોલ રજા પૂર્ણ થયા પછી જેલમાં આવવાનું હતું. જોકે તેઓ સમય મર્યાદામાં હાજર ન થતાં જેલર એન.પી. રાઠોડે રાવપુરા પોલીસ મથકે 5 કેદી વિરૂદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

છોટાઉદેપુર, દાહોદ સહિતના કેદીઓ વિવિધ ગુનાઓમાં સજા કાપી રહ્યા હતા
સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો સિયારામ કુશવાહા (રહે, બોડેલી, છોટાઉદેપુર) વિરૂદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં બિન ઈરાદાપૂર્વક હત્યાનો ગુનો નોંધાયો હતો. તથા વિજયસિંહ રાજપૂત(રહે, ડેડિયાપાડા, નર્મદા) વિરૂદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. અશોકકુમાર વસાવા (રહે, ઝઘડિયા, ભરૂચ) વિરૂદ્ધ ઝઘડિયા પોલીસ મથકે બળાત્કારનો ગુનો નોંધાયો હતો. સદ્દામભાઈ ગાન્ડા(રહે, ઝાલોદ, દાહોદ) વિરૂદ્ધ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો છે. કરસનભાઈ નાયક(રહે, ફેરકુવા, બોડેલી, છોટાઉદેપુર) વિરૂદ્ધ છોટાઉદેપુર પોલીસ મથકે બળાત્કાર અને અપહરણનો ગુનો નોંધાયો હતો.