ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીયોને સ્વીકારવાનો 5 રાજ્યોનો ઈનકાર

0
16

રાજ્યમાં વ્યવસાયિક કારણોસર નિવાસ કરતા અન્ય રાજ્યોના નાગરિકોને તેમના વતન મોકલવા માટે ગુજરાત સરકાર તૈયાર છે,પણ હજુ 5 રાજ્ય તેમના નાગરિકોને સ્વીકારવા તૈયાર ન હોવાનું સત્તાવાર સૂત્રોનું કહેવું છે. સૂત્રોના કહ્યા પ્રમાણે, 5 રાજ્યો હજુ તેમનું સ્થાનિક વ્યવસ્થાતંત્ર ગોઠવી શક્યા ન હોવાથી તેમણે ગુજરાતને કોઇ મુવમેન્ટ ન કરાવવા કહ્યું છે.

રાજ્ય સરકારને દિલ્હી, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશ તેમના નાગરિકોને હમણા ન મોકલવાનું કહ્યું છે. આ ત્રણેય રાજ્યોએ ગુજરાત સરકારને એવો પ્રત્યુત્તર આપ્યો છે કે, કયા સ્ટેટના નાગરિકોને કયારે પ્રવેશ આપવો તે શિડ્યૂલ નક્કી થઇ જાય પછી સરકારને જાણ કરશે. બિહાર અને પશ્વિમ બંગાળે ગુજરાતમાંથી હમણા તેમના પ્રદેશના નાગરિકોને મોકલવા નહીં તેમ જણાવ્યું હતું.

પરપ્રાંતીયો જતા રહેશે તો ઉદ્યોગોની ગાડી પાટા પર ચઢતાં 6 મહિના થશે: દુર્ગેશ બુચ

રાજ્યના તમામ ઉદ્યોગોમાં લેબરકામમાં 60 ટકા કર્મચારીઓ પરપ્રાંતીય છે. આ તબક્કે જો આ તમામ લોકોને પરત વતન મોકલવામાં આવે અને તેમને પરત આવવામાં જે અંદાજિત સમય લાગે તેને ધ્યાને લેતા ગુજરાતના ઉદ્યોગોની ગાડી પાટે ચઢતાં 4થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે, તેમ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દુર્ગેશ બુચે જણાવ્યું છે. ગુજરાતમાં તેની સૌથી ખરાબ અસર પડશે અને અર્થતંત્ર પર પણ ગંભીર અસર પડી શકવાનો ખતરો છે.

4.67 લાખ જેટલા કામદાર પાછા ફર્યા

રાજ્યમાં 4.67 લાખથી વધુ કામદારો ફરીથી કામ પર પાછા ફર્યા હોવાનું શ્રમ અને રોજગાર વિભાગે જણાવ્યું છે. શ્રમ વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રાએ જણાવ્યું કે, 30 એપ્રિલની સ્થિતિએ 4.67 લાખથી વધુ કામદારો ધરાવતી 12,768 ફેક્ટરીઓએ ફરીથી કામગીરી શરૂ કરી દીધી છે. આ ફેક્ટરીઓ આવશ્યક તથા બિનઆવશ્યક ચીજો સાથે સંકળાયેલી છે. ધ ડિરેક્ટોરોટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ ગૃહ વિભાગે સૂચવેલાં સલામતીનાં ધોરણો તથા સાવચેતીઓનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે કે કેમ તે પણ સુનિશ્ચિત કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here