સુરત કોલ સેન્ટર કેસ : યુવાનોને ફસાવી મહિને 5થી 7 લાખ પડાવી લેતા, માત્ર મેસેજ કરવાનો પગાર 40થી 50 હજાર

0
5

સુરતઃ હિંદી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ્સ’ની સ્ટાઇલમાં સુરતમાં ધમધમતા કોલ સેન્ટરનો અનેક યુવાનો ભોગ બન્યા હોવાની શક્યતાઓને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે આ કોલ સેન્ટર ચલાવીને મહિને લોકો પાસેથી 5થી 7 લાખ રૂપિયા પડાવી લેતા હતા. જ્યારે ઉત્તરપ્રદેશના એક યુવકને માત્ર મેસેજ કરવાનો પગાર રૂપિયા 40થી 50 હજાર આપતા હતા.

હોટેલમાં મીટિંગ બુકિંગના નામે લાખોની રકમ પડાવી

સુરતમાં ધમધમતા કોલ સેન્ટરને કારણે અમરોલીના યુવકે 5.72 લાખ ગુમાવવા પડ્યા છે. રત્નકલાકારે લાખોની રકમ પોતાના મિત્રો પાસેથી રૂપિયા ઉછીના લઈને ચીટર ટોળકીને આપી હતી. શરૂઆતમાં એક મેસેજ રત્નકલાકાર પર આવ્યો તે નંબરના આધારે કોલ કર્યો તો સામેથી એક વ્યક્તિએ યુવતી સાથે ફ્રેન્ડશીપની વાતો કરીને રજિસ્ટ્રેશન-મેમ્બરશીપ તેમજ હોટેલમાં મીટિંગ બુકિંગના નામે લાખોની રકમ પડાવી હતી. ભોગ બનેલા યુવક સાથે પહેલા રાધિકા મહેતા નામથી એક યુવતીએ વાત કરી હતી. રાધિકા મહેતાએ જાણે પોતાનો પ્રેમી હોય તેવી રીતે રત્નકલાકારને તેમની મીઠી-મીઠી અનેવાતો કરીને જાળમાં ફસાવ્યો હતો. યુવકોને લાલચ બતાવીને ફસાવવાનું કામ કરતી હતી.

યુવતીએ કહ્યું હતું કે, રૂપિયા જમા કરાવીશ તો જ હું તારી પાસે આવી શકું

યુવતીએ ફોન પર ઈમોનશલ બ્લેકમેલિંગ કરીને રત્નકલાકાર યુવકને કહ્યું હતું કે, ‘મારે તમારી સાથે જ મીટિંગ કરવી છે. તમને જ મળવું છે, બીજા કોઈને મળવું નથી.’ એટલું જ નહીં, યુવતી એવું પણ કહેતી હતી કે, ‘તું અત્યારે રૂપિયા ભરી દે બાદમાં તને બધા રૂપિયા રિટર્ન મળી જશે અને રૂપિયા જમા કરાવીશ તો જ હું તારી પાસે આવી શકું.’ આવી રીતે ઠગ ટોળકી રત્નકલાકાર પાસેથી રૂપિયા ખંખેરતા રહ્યા હતા.

અત્યાધુનિક સુવિધાવાળી ઓફિસ બનાવી હતી

વેસુમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની પાછળ યુનિયન હાઇટ્સમાં 11મા માળે ગેરકાયદે ધમધમતું કોલ સેન્ટર જાણે કોર્પોરેટર સેક્ટરની ઓફિસ હોય અત્યાધુનિક સુવિધાવાળી ઓફિસનું મહિનાનું ભાડું જ 1.30 લાખ આપતા હતા. પોલીસે રેઇડ પાડી ત્યારે 25ના સ્ટાફમાંથી 3થી 4 જણા ગેરહાજર હતા. જેઓ ફરાર છે. દસમું ભણેલો કેલ્વીન ઉર્ફે ભાવેશ પરસોત્તમ જોધાણી (26)(રહે. આનંદધારા રો હાઉસ, મોટા વરાછા) અને સાતમું ધોરણ ભણેલો હિતેશ વશરામ કાકડિયા(28)(રહે. ઓપેરા હાઉસ, મોટા વરાછા) આ કોલ સેન્ટર ચલાવીને મહિને લોકો પાસેથી 5થી 7 લાખ રૂપિયા પડાવી લેતા હતા.

કમ્પ્યુટર અને લેપટોપમાંથી રહસ્યો બહાર આવશે

મોબાઇલમાં જે મેસેજ આવતા હતા તે મેસેજ માટે હિતેશ અને કેલ્વીને યુપીના એક યુવકને રાખ્યો હતો. જેને મહિને 40થી 50 હજાર રૂપિયા પગાર આપતા હતા. ઠગ ટોળકીને યુપીનો યુવક સાથે અમદાવાદમાં મુલાકાત થઈ હતી. નાણાં જમા કરાવવાનું કહેતા હતા એ પણ બોગસ છે. વધુમાં પોલીસે જણાવ્યું કે એફએસએલના અધિકારીઓને સાથે રાખી કમ્પ્યુટર અને લેપટોપ ખોલવામાં આવશે ત્યાર બાદ વધુ રહસ્યો બહાર આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here