- પોરબંદરની ગૌશાળામાં 500 ગાયોની સારસંભાળ લેવાઈ રહી છે : દાતાઓને ઘાસચારા માટે સહયોગ આપવા થઈ અપીલ
- પોરબંદર શહેરના ઝુંડાળા વિસ્તારમાં આવેલ પોરાઈ ગૌશાળા ખાતે 500 જેટલી ગાયોની સારસંભાળ લેવામાં આવી રહી છે
પોરબંદરઃ મુળ કચ્છના અને છેલ્લા 4 દાયકાથી પોરબંદરમાં સ્થાયી થયેલા રોહિતસિંહ ગંભીરસિંહ જાડેજાએ પોલિટેક્નિક કોલેજમાં મિકેનિકલ એન્જીનિયરીંગમાં ડીપ્લોમા કર્યાં બાદ જ્યાં પિતા નોકરી કરતા હતા ત્યાં પોરબંદરની ખાનગી કંપનીમાં તેમણે થર્મલ પાવર પ્લાન્ટ વિભાગમાં એન્જીનિયર તરીકે નોકરી શરૂ કરી હતી. પરંતુ થોડા જ સમયમાં 35 વર્ષની ઉંમરે 50,000ના પગારની હેડ એન્જીનીયરની નોકરી છોડી ગૌમાતાની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ગૌશાળાના જતન અને સંરક્ષણ માટે તેમણે લગ્ન પણ નથી કર્યા અને 2005માં માતાનું અવસાન થયા બાદ પિતા ગંભીરસિંહ તેમની પુત્રીના સાસરે ભાવનગર ખાતે સ્થાયી થયા છે.
2 બહેનો વચ્ચેના માત્ર 1 જ ભાઈ એવા રોહિતસિંહ છેલ્લાં 10 વર્ષથી મહારાણા મીલની ચાલીમાં આવેલ પોરાઈ ગૌશાળામાં દિવસ-રાત ગાય માતાની સેવા કરી રહ્યા છે. આ ગૌશાળામાં હાલ 500 જેટલી ગાયો છે. ઘાસચારાની તંગીને કારણે ગાયોનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. જેથી દાતાઓને ઘાસચારા માટે સહયોગ આપવા ગૌશાળાના સંચાલકો દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી. રોહિતસિંહ 10 વર્ષથી મહારાણા મિલની ચાલીમાં આવેલ પોરાઈ ગૌશાળામાં ગાયોની સેવા કરી રહ્યા છે.