કોરોના અપડેટ ગુજરાત : કોરોનાના વિસ્ફોટ પર બેઠેલું અમદાવાદ, એક જ રાતમાં 50 નવા કેસ, રાજ્યમાં કુલ 241 પોઝિટિવ કેસ

0
9
  • કોટ વિસ્તારને કોર્ડન કરી સઘન ટેસ્ટિંગ કરાતા કેસનો વાસ્તવિક આંકડો હવે બહાર આવી રહ્યો છે
  • હજીપણ સંખ્યાબંધ પોઝિટિવ કેસ નોંધાવાની આશંકા
  • ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવતા કેસો વધી રહ્યાં છે: જયંતિ રવિ
  • ચિંતાજનક રીતે વધી રહ્યાં છે લોકલ ટ્રાન્સમિશનના કેસો,  241 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ
  • હવે બાળકોમાં પણ જોવા મળી રહ્યાં છે કોરોનાના પોઝિટિવના લક્ષણો

ગાંધીનગર. રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.

સુરતમાં સુલતાનીયા જિમખાના વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પુરૂષનો મોડી રાત્રે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓને કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા સંક્રમણ લાગ્યું છે. 68 વર્ષીય વ્યક્તિને કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા ન હતાં. પરંતુ કોરોના પોઝિટિવ એહસાન પઠાણનું મોત થતા કોમ્યુનિટી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં વૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો છે. લક્ષણ ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ હોવાનો ગુજરાતમાં આ પહેલો કિસ્સો છે. જ્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાગ્રસ્ત વૃદ્ધની બે વર્ષની પૌત્રીનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. દરમિયાન ઇન્દોરથી પરિવાર સાથે દાહોદ આવેલી 9 વર્ષની બાળકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે.

ગુજરાતમાં કુલ 241 પોઝિટિવ કેસ, 17ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 133 06 08
સુરત 25 04 05
વડોદરા 18 02 06
ભાવનગર 18 02 01
ગાંધીનગર 13 00 02
રાજકોટ 11 00 04
પાટણ 05 01 00
પોરબંદર 03 00 00
ગીર-સોમનાથ 02 00 00
કચ્છ 02 00 00
મહેસાણા 02 00 00
છોટાઉદેપુર 02 00 00
આણંદ 02 00 00
મોરબી 01 00 00
પંચમહાલ 01 01 00
જામનગર 01 01 00
સાબરકાંઠા 01 00 00
દાહોદ 01 00 00
કુલ આંકડો 241 17 26

 

કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા

નિઝામુદ્દીનની તબલીઘ જમાતની મરકઝમાં ગયેલા 127 લોકોની ઓળખ થઇ ગઇ છે. મરકઝમાંથી પરત ફરેલા લોકોએ આરોગ્ય વિભાગનો સંપર્ક કરવો જોઇએ. અમદાવાદમાં પણ બીજા મરકઝમાં આવેલા લોકો હોઇ શકે છે. એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. નિઝામુદ્દીનની તપાસ દરમિયાન સુરવલી ગ્રુપ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. રાજ્યમાં પોલીસ લોકડાઉનના પાલન માટે કટિબદ્ધ છે. લોકડાઉનમાં કેટલાક લોકોનો સહકાર મળી રહ્યો છે, પરંતુ હજી ઘણા લોકો છે જે નિયમ પાળતા નથી. અમદાવાદમાં કેટલાક વિસ્તારો સીલ કરાયા છે. કેટલાક વિસ્તારોમાં ફરજીયાત થર્મલ સ્ક્રિનિંગ કરાયું છે, કોરોનાના કારણે રાજ્યમાં કેટલાક વિસ્તારો ક્લસ્ટર ક્વૉરન્ટીન કરાયા, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સોસાયટીના હોદ્દેદારો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરવામાં આવી છે. દુકાનો પણ આવતા લોકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે તેમ રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ બુધવારે જણાવ્યું છે.

APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં અનાજ અપાશે

રાજ્ય સરકારે ગુજરાતના 66 લાખ ગરીબ પરિવારોને મફતમાં અનાજ વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને આ પરિવારોને અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે APL-1 કાર્ડ ધારકોને પણ મફતમાં એપ્રિલ મહિના માટેનું અનાજ આપવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે બુધવારે જણાવ્યું છે. તેમણે જણાવ્યું છેકે, APL-1 કાર્ડ ધારકોને 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ આપવામાં આવશે. આ વિતરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here