પાર્ટી પ્લોટ ધારકોને 50 ટકા નુકસાની:રાજકોટમાં અમુક લોકોએ રાતના લગ્ન દિવસે રાખ્યા, કેટલાકે લગ્ન કેન્સલ કરી દોઢ બે લાખની ડિપોઝિટ જતી કરી

0
11

  • અમે ડિપોઝીટ પરત નથી આપતા, 9 વાગ્યા પહેલા સમગ્ર લગ્ન કરી જમણવાર કરાવી દેવાની પણ તૈયારી રાખી છે છતાં કેટલાક લોકો ના પાડે છે:પાર્ટી પ્લોટ મલિક઼
  • આગામી 20 દિવસમાં માત્ર ચાર પાર્ટી પ્લોટમાં જ 40 જેટલા બુકિંગ કેન્સલ થયા છે
  • રાજકોટમાં નાના મોટા 100થી વધુ પાર્ટી પ્લોટ છે

રાજકોટમાં એક તરફ કોરોનાનો આતંક ફેલાયો છે અને બીજી તરફ લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. ત્યારે સરકારે રાત્રિ કર્ફ્યૂ જાહેર કરી રાત્રી લગ્ન પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે રાજકોટના પાર્ટી પ્લોટના માલિકો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે આયોજકો લગ્નનું બુકિંગ કેન્સલ કરાવી રહ્યાં છે. જેથી 50 ટકાનો ફટકો પડ્યો છે. અમે 9 વાગ્યા પહેલા જમણવાર કરી આપવા તૈયાર છીએ પણ આયોજકો તૈયાર થતા નથી. જેથી પાર્ટી પ્લોટના માલિકોને મોટું નુકસાન થઈ રહ્યું છે. કેટલાક લોકોએ રાતના લગ્ન કેન્સલ કરી દિવસના રાખ્યા છે. જ્યારે અમુક લોકોએ લગ્ન કેન્સલ કરી દોઢ-બે લાખની ડિપોઝિટ જતી કરી છે.

લગ્નનું બુકિંગ કેન્સલ થતાં પાર્ટી પ્લોટ ધારકોને મોટું નુકસાન
પાર્ટી પ્લોટના માલિક મીત પટેલે  વાતચીતમાં જણાવ્યું હતું કે 50 ટકા ઉપર ફટકો પડ્યો છે. કારણ કે મોટાભાગનું બુકિંગ થઈ ગયું હતું. રાતના લગ્ન હોય તે લોકોને દિવસના લગ્ન કરવા માટે પણ વ્યવસ્થા કરવા માટે પણ કહીએ છીએ પણ તેવો તૈયાર નથી થતાં. કારણ કે લગ્ન માટે હવે 200 લોકોને નહીં પણ 50 લોકોને લઈ જવા માટેની પરમિશન આપી છે. વધુમાં જણાવ્યું હતું કે 4 પાર્ટી પ્લોટના થઈ આગામી 20 દિવસમાં 40 જેટલા લગ્નો કેન્સલ કર્યા છે. અમે પાર્ટીને કહીએ છીએ કે 9 વાગ્યા પહેલા અમે જમણવાર પતાવી આપીશું તો પણ લગ્નના આયોજકો કહે છે કે અમારે કોઈ મહેમાન આવે નહીં.

મીત પટેલ- પાર્ટી પ્લોટના માલિક
મીત પટેલ- પાર્ટી પ્લોટના માલિક

અમે ડિપોઝિટ પરત આપતા નથી- મીત પટેલ
મીત પટેલે વધુમાં જણાવ્યું હતું કે રાજકોટમાં લગભગ 150 જેટલા પાર્ટી પ્લોટ આવેલા છે. ડિપોઝિટ અમે પરત આપતા નથી. કારણ કે અમે 9 વાગ્યા પહેલા લગ્નનું ફંક્શન પુરૂ કરી આપવા માટે તૈયાર છીએ પણ સામેવાળી પાર્ટી ના પાડે છે અને તેઓ તૈયાર થતા નથી. જેથી અમે ડિપોઝિટ પરત આપતા નથી. કોઈ પણ પાર્ટી લગ્ન બુક કરાવીને કેન્સલ કરે તો 2 લાખનું નુકસાન થાય છે.

લોકોએ મહેમાન અને મેનુ ટુંકાવી નાખ્યું છે
ગુજરાત કેટરિંગ એસોસિએશનના પ્રમુખ ચંદ્રેશભાઈ સંઘવીના જણાવ્યા અનુસાર સૌથી વધુ ઓર્ડર કેન્સલ ડિસેમ્બર માસમાં થયા છે. લોકોએ મહેમાન અને મેનુ ટુંકાવી નાખ્યું છે. 100 જેટલા ઓર્ડર પાછા ઠેલવામાં આવ્યા છે. રાજકોટ મંડપ કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ પટેલ જણાવે છે કે, જેમને લગ્ન માટે મંડપ, ડેકોરેશન માટે બુકિંગ કરાવ્યું હતું તે બધાના ફોન શુક્રવાર રાત્રિથી જ શરૂ થઈ ગયા છે. ફોન કરીને સૌ કોઇ પહેલા એવું જ પૂછે છે કે, જે સમયની મર્યાદા આવી ગઈ છે એમાં કેવી રીતે લગ્ન પ્રસંગ પાર પાડી શકાશે? અંદાજિત મંડપ સર્વિસ સેક્ટરમાં રૂ. 25 કરોડથી વધુ રકમનું નુકસાન થયું છે. મનોજભાઈ રાણપરાએ જણાવ્યું હતું કે, બધું પેમેન્ટ કરી દીધા પછી મારી દીકરીના લગ્નનો આખો કાર્યક્રમ બદલવો પડ્યો. હવે બેન્કવેટ હોલમાં લગ્ન યોજીશું.

પાર્ટી પ્લોટ બુક કરાવનારા આર્ય સમાજમાં લગ્ન કરશે
નવેમ્બર અને ડિસેમ્બર માસમાં રાજકોટમાં અંદાજિત 4 હજારથી વધુ લગ્ન હતા.જે પૈકી રાજકોટમાં 1500થી વધુ કેટરિંગ, મંડપ,પાર્ટી પ્લોટ, બેન્કવેટ હોલ, ડેકોરેશનના ઓર્ડર રદ થયા છે. આ ઉપરાંત જેમણે ત્રણ મહિના પહેલા પાર્ટી પ્લોટનું બુકિંગ કરાવ્યું હતું એમને બુકિંગ રદ કરાવીને આર્ય સમાજમાં કે ઘરમેળે લગ્ન કરવાનું પસંદ કરી લીધું છે. જેના લગ્ન લખાઈ ગયા છે તેને લગ્ન રદ કરવાને બદલે દિવસના કે સાંજે 6 સુધીમાં લગ્ન પ્રસંગ પૂરા કરી લેવાના મૂડમાં છે. જ્યારે કેટલાકે રાત્રિનું જમણવાર રદ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here