કોરોના ઇફેક્ટ : ગુજરાતના 50000 ઔદ્યોગિક એકમો નાણાંભીડના કારણે બંધ થઇ જશે!

0
6

કોરોના વાયરસમાં જેટલા મૃત્યુ થયા નથી તેનાથી અનેક ગણા બેરોજગારીથી આગામી સમયમાં ભૂખમરાના કારણે થશે તેવું ઉદ્યોગકારોનું કહેવું છે. ગુજરાતમાં સરેરાશ 4.5 લાખથી વધુ નાના-મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તમામ એકમો કોરોના મહામારીના કારણે નાણાંકીય કટોકટીનો સામનો કરી રહ્યાં છે. મહામારીમાં ગુજરાતમાં સરેરાશ 10 ટકા એટલે કે 50000 જેટલા ઔદ્યોગિક એકમો બંધ થઇ જશે તેવી સ્થિતી સર્જાઇ છે. ઉદ્યોગોને મોટો બોજો એ પડ્યો કે બે માસ કામદારોને સાચવ્યા પરંતુ ઉદ્યોગને આંશિક મંજૂરી મળી ત્યારે સરકાર દ્વારા પરપ્રાંતિય કામદારોને વતન મંજૂરીથી નાસ્યા આ ઉપરાંત મોટા ભાગના યુનિટોને ઉત્પાદન ખર્ચ સરેરાશ 22 ટકા વધ્યો જેનો માર નાના યુનિટો સહન કરી શકે તેમ નથી. આગામી સમયમાં મોટા ભાગના સેક્ટરમાં બેરોજગારીનું પ્રમાણ વધી જશે. બોર્ડર લાઇન (ઓક્સીઝન પર ચાલતી) ઇન્ડસ્ટ્રીઝને એક વર્ષ સુધી રિકવર થવું મુશ્કેલ છે. ત્રણ માસ સુધી કામ ચાલુ થાય તેવા સંકેતો નહિંવત્ છે. ગુજરાતના ઉદ્યોગોને અંદાજે 50000 હજાર કરોડથી વધુનું નુકસાન થશે, સૌથી વધુ અસર મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પડી છે. અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરમાં રોજગારી ઘટવાની શરૂઆત થઇ ચૂકી છે.

દેશભરમાં સરેરાશ 60 દિવસના લોકડાઉનમાં ઔદ્યોગિક એકમોને આંશિક છુટ છેલ્લા 15 દિવસથી મળી છે પરંતું કામદારો ન મળવા, આકરા નિયમો, ટ્રાન્સપોર્ટેશન ઠપ હોવાથી કાચા માલની ઉણપ જેવા અનેક પરિબળોના કારણે 15-20 ટકા એકમો ચાલુ થયા છે જેમાં પણ ઉત્પાદન કામગીરી 15-20 ટકા જ થઇ રહી છે. અર્થતંત્રને બેઠુ કરવા માટે સરકારે અલગ-અલગ રીતે સરેરાશ પાંચ લાખ કરોડથી વધુના રાહત પેકેજની જાહેરાત કરી છે પરંતુ તેનાથી એમએસએમઇ સેક્ટરને કોઇ જ લાભ નથી. પાયાના સેક્ટર એવા ટેક્સટાઇલ-ગારમેન્ટ, રિઅલ એસ્ટેટ, આયાત-નિકાસ, એફએમસીજી, એમએસએમઈ, કેમિકલ્સ, ટૂરિઝમ, હોટલ તથા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, તથા એગ્રી સેક્ટર માટે ગુજરાત સરકાર દ્વારા રાહતો નહિં પૂરી પાડવામાં આવે તો ગુજરાત મેન્યુફેક્ચરિંગ હબનું બિરૂદ ગુમાવી દેશે. દેશના ગ્રોથ એન્જિન અને ઇન્ડસ્ટ્રીયલ હબ ગણાતા ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષથી મરવાના વાંકે ચાલી રહેલા એકમો સામે મોટી આફત કોરોના મહામારી આવી પડતા 10 ટકાથી વધુ એસએમઇ એકમો પડી ભાંગશે. રાજ્યની જીડીપીમાં 44 ટકાથી વધુ હિસ્સો ધરાવતા સ્મોલ મિડિયમ એન્ટરપ્રાઇસિસ (એસએમઇ) ધરાવે છે.

5 લાખથી વધુ પરપ્રાંતિય કામદારોએ વતનની વાટ પડકી 

કોરોના મહામારીમાં ફસાયેલા પરપ્રાંતિય કામદારોને સરકારની છૂટ મળતાની સાથે જ વતનની વાટ પકડી છે. ગુજરાતમાં પરપ્રાંતિય જેમકે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાનના કામદારો કામ કરે છે જેમાંથી સરેરાશ 5 લાખથી વધુ કામદારોએ વતનની વાટ પકડી છે. લોકડાઉન જાહેર થયું ત્યારે અનેક કામદારો પગપાળા જતા રહ્યાં હતા જે નાણાભીડથી હવે પરત આવવા ઇચ્છે છે. લોકડાઉન બાદ બે માસ સુધી ઔદ્યોગિક એકમોને કામદારોની અછતનો સામનો કરવો પડશે.

ઔદ્યોગિક એકમો દ્વારા  સરકાર પાસે મુખ્ય રાહતોની માગ

 • નાણાંભીડ દૂર કરવા વર્કિંગ કેપિટલમાં 20%નો વધારો, વ્યાજમાં 3-4 ટકા સબસિડી મળે
 • GSTની થતી આવકમાંથી 25 ટકા ઉદ્યોગોને એક વર્ષ વગર વ્યાજે વાપરવા આપે
 • એપ્રિલથી જુલાઇ તમામ બેન્કો લોનનું વ્યાજ માફ કરે,મૂળ મૂડીના હપ્તા પાછળ થી વસુલવા માગ
 • ઉદ્યોગો બંધ થતા અટકાવવા GIDC બે વર્ષ સુધી તમામ પ્રકારના દંડ અને વ્યાજ માફ કરે

ઔદ્યોગિક એકમોને 22 ટકા ઉત્પાદન ખર્ચ વધ્યો
ઔદ્યોગિક એકમોને આંશિક રાહત આપવામાં આવી છે પરંતુ  કામદાર લાવવા-મુકવાનો ખર્ચ, એક શિફ્ટમાં કામ ચાલુ છે ત્યારે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, નાણાંકિય કટોકટી અને ઉત્પાદન ખર્ચ વધતા એકમો ચાલે છે તે પણ બંધ કરવાનું વિચારી રહ્યાં છે. ઉદ્યોગોને રાહતના બદલે ખર્ચ 20-22 ટકા વધતા મુશ્કેલી વધી છે.- અજીત શાહ, સેક્રેટરી-એફઆઇએ.

નાણાભીડથી 50 ટકા એકમો પગાર ચૂકવવામાં પાછા પડ્યા

માર્ચ મહિનાથી અમલી બનેલા લોકડાઉનમાં માર્ચ મહિનાનો પગાર કર્મચારીઓને મળ્યો પરંતુ એપ્રિલમાં નાણાંભીડના કારણે મોટા ભાગની કંપનીઓએ પગાર ચૂકવવામાં હાથ અધ્ધર કરી દીધા છે. જ્યારે અમુક કંપનીઓએ અડધો તથા 10 ટકા કંપનીએ સંપૂર્ણ પગાર આપ્યો છે.– ભાવેશ ઉપાધ્યાય, ફાઉન્ડર-એન્ટરપ્રાઇઝિંગ ઇન્ડિયન

દોઢ લાખ કરોડથી વધુનું ગુજરાતને નુકસાન

2018-19ના રાજ્યનું કુલ ઘરેલુ આવક આશરે  15 લાખ કરોડ હતી. 13 ટકા ના વૃદ્ધિ પ્રમાણે ગણીએ તો અંદાજિત આવક રૂ.17 લાખ કરોડ હતી. ગણતરી કરીએ તો ગુજરાત દર મહિને લગભગ 1.41 લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન કરે છે.  મેં અંત સુધી માં નુકશાન લગભગ 1.50 લાખ કરોડ થી વધુ હશે.– હિમાની બક્ષી ,આસીસ્ટન્ટ પ્રોફેસર-અમદાવાદ યુનિ.

રિઅલ એસ્ટેટમાં છ માસ સુધી નવી ડિમાન્ડ નહિં આવે
સરકાર વ્યાજદર સતત ઘટાડી રહી હોય પરંતુ બેરોજગારીનો ભય, સેલેરી કટ, આર્થિક સંક્રમણથી નવી ડિમાન્ડ છ માસ સુધી આવે તેમ નથી. હાલની મંદી કામચલાઉ છે. ડેવલપર્સને લોન ભારણ, સાઇડ ખર્ચાથી પ્રોજેક્ટ કોસ્ટ સરેરાશ 3-5 ટકા ઉંચી આવશે. લાંબાગાળે 50-70 લાખના બજેટની ડિમાન્ડ વધશે.- નિતિષ અગ્રવાલ, નેક્સરાઇઝ ગ્રુપ.

હાઇલાઇટ્સ

 • 5 લાખ નાના-મોટા એમએસએમઇ યુનિટો ગુજરાતમાં કાર્યરત
 • 75 લાખથી વધુ લેબર કામદારોની સંખ્યા માત્ર ગુજરાતમાં
 • 40% ગુજરાતના કુલ લેબર કામદારમાં પરપ્રાંતિયનો
 • 30% થી વધુ પરપ્રાંતિય લેબર કામદારોએ વતનની વાટ પકડી
 • 10% જ લોકડાઉન વચ્ચે યુનિટો ચાલુ, જેમાં પણ કામગીરી ધીમી
 • 1.50 લાખ કરોડની નુકસાની કોરોના ઇફેક્ટથી ગુજરાતને પડશે
 • 44% ગુજરાતના જીડીપી ગ્રોથમાં ઓદ્યોગિક એકમો દ્વારા યોગદાન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here