કોરોના દુનિયામાં 6 કરોડ પાર : 54 દેશમાં બીજી લહેર : સપ્ટેમ્બર સુધી દરરોજ 3 લાખ કેસ હતા અને હવે દરરોજ 6 લાખથી વધુ દર્દી.

0
5

દુનિયાભરમાં કોરોના દર્દીઓનો આંકડો બુધવારે 6 કરોડ પાર થઈ ગયો છે. મૃતકોની સંખ્યા પણ 14 લાખથી વધુ થઈ ચૂકી છે. આ બધાની વચ્ચે કોરોનાની ગતિ ફરી એકવાર વધી ગઈ છે. સપ્ટેમ્બર સુધી દુનિયાભરમાં દરરોજ સરેરાશ 3 લાખ દર્દી વધી રહ્યા હતા. હવે દરરોજ 6 લાખથી વધુ દર્દી આવી રહ્યા છે.

અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા સહિત 54 દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે. સૌથી વધુ અસર ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયન દેશમાં જોવા મળી રહી છે. ભારતમાં પણ બીજી લહેરનાં એંધાણ દેખાવા લાગ્યાં છે. ગત સપ્તાહે 3 દિવસ એવા હતા, જ્યારે ભારતમાં સાજા થનારા કરતાં વધુ નવા દર્દી આવ્યા હતા, એટલે કે આ 3 દિવસમાં એક્ટિવ કેસની સંખ્યામાં વધારો થયો છે. આ પહેલાં સતત 41 દિવસ એક્ટિવ કેસ ઘટી રહ્યા હતા.

દુનિયાભરમાં આવી રીતે ફેલાયો કોરોના

17 નવેમ્બર 2019ના રોજ ચીનના વુહાન શહેરમાં 55 વર્ષની વ્યક્તિમાં સંક્રમણની પહેલા પુષ્ટિ થઈ હતી. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે એનો દાવો કર્યો હતો.

17 નવેમ્બરથી 31 ડિસેમ્બર 2019 સુધી ચીનમાં ઓછામાં ઓછા 566 લોકો કોરોનાના સકંજામાં આવી ચૂક્યા હતા.
2020ની શરૂઆતમાં દુનિયાના ઘણા અન્ય દેશોમાં પણ સંક્રમણ ફેલાતું ગયું.

23 જાન્યુઆરીએ ચીને વુહાન શહેરને પૂરી રીતે બંધ કરી દીધું. અહીં રહેતા લોકોને પણ આઈસોલેટ કરી દેવાયા છે. 21 જાન્યુઆરીએ અમેરિકા, 24 જાન્યુઆરીએ ફ્રાન્સ, 30 જાન્યુઆરીએ ભારત અને 31 જાન્યુઆરીએ ઈટાલીમાં પહેલો કેસ કન્ફર્મ થયો હતો. 30 જાન્યુઆરીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન, એટલે કે WHOએ કોરોના વાઈરસને ગ્લોબલ પબ્લિક હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી દીધી. જર્મની, વિયેતનામ, યુએસ, જાપાને એવા દર્દીઓની પુષ્ટિ કરી, જે પોતે ચીન નહોતા ગયા, પણ ચીનના વુહાન શહેરથી આવતા લોકોના સંપર્કમાં આવ્યા હતા. 11 માર્ચે WHOએ કોરોનાને મહામારી જાહેર કરી દીધી.

માત્ર 18 દિવસમાં એક કરોડ દર્દી નોંધાયા

17 નવેમ્બર 2017ના રોજ ચીનના વુહાનમાં પહેલો કેસ નોંધાયા પછી 223 દિવસ પછી એટલે કે 27 જૂને આ સંખ્યા એક કરોડ થઈ ગઈ. ત્યાર પછી સંક્રમણે એવી ગતિ પકડી લીધી કે લગભગ 43 દિવસમાં જ આ આંકડો 1 કરોડથી વધીને 2 કરોડ થઈ ગયો, જેના બીજા 38 દિવસમાં સંક્રમિતોની સંખ્યા 2થી 3 કરોડ અને પછી 32 દિવસમાં 3થી 4 કરોડ થઈ ગઈ. 4થી 5 કરોડ કેસ થવામાં 21 દિવસ લાગ્યા. સાથે જ 5થી 6 કરોડ કેસ લગભગ 18 દિવસમાં જ આવી ગયા છે. જો સંક્રમિતોની વધવાની ગતિ આવી જ રહેશે તો ડિસેમ્બર સુધી દુનિયાભરમાં 8 કરોડથી વધુ લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યા હશે.

કોરોનાની બીજી લહેર કેટલી ભયાનક?

કેસઃ WHOએ 17 નવેમ્બરે વીકલી રિપોર્ટ રજૂ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 9થી 15 નવેમ્બર વચ્ચે દુનિયાભરમાં 40 લાખથી વધુ દર્દી વધ્યા. ગત સપ્તાહની તુલનામાં તે 22% વધુ છે.

મોતઃ આ દરમિયાન 60 હજાર મોત થયાં, જે ગત સપ્તાહથી 11% વધુ છે. જીવ ગુમાવનાર આ 60 હજાર લોકોમાં 81% દર્દી યુરોપ અને અમેરિકાથી છે.

વોર્નિંગઃ WHOએ કહ્યું, શિયાળામાં જે રીતે કેસ વધી રહ્યા છે એનાથી લાગી રહ્યું છે કે મધ્યપૂર્વ દેશોમાં કોરોનાનું સંક્રમણ એના જોખમી સ્તરે જશે. આ પહેલી લહેરથી પણ વધુ નુકસાનકારક હશે.

આ 54 દેશમાં બીજી લહેર

બીજી લહેરવાળા 54 દેશમાં યુરોપના 25 દેશ છે, જેમાં પોલેન્ડ, રશિયા, ઈટાલી, યુક્રેન, જર્મની, યુકે, સ્પેન જેવા દેશ સામેલ છે

એશિયાના 11 દેશ છે, જેમાં ઈરાન, તુર્કી, જોર્ડન, ઈન્ડોનેશિયા, જ્યોર્જિયા જેવા દેશ સામેલ છે. ભારતમાં હાલ બીજી લહેર નથી આવી, પણ એશિયામાં સૌથી વધુ કેસ અહીં જ નોંધાઈ રહ્યા છે. નોર્થ અમેરિકાના 7 દેશ છે, જેમાં US, મેક્સિકો, કેનેડા સામેલ છે. આફ્રિકાના 6 દેશ છે, જેમાં મોરક્કો, સાઉથ આફ્રિકા સામેલ છે. સાઉથ અમેરિકાના 5 દેશ છે, જેમાં બ્રાઝિલ, કોલમ્બિયા, આર્જેન્ટીના સામેલ છે.

જ્યાં બીજી લહેર આવી ત્યાં સ્થિતિ પહેલી લહેર કરતાં ખરાબ છે

અમેરિકામાં કોરોનાની પહેલી લહેરની પીક 24 જુલાઈએ હતી. ત્યારે એક દિવસમાં 79 હજાર 440 નવા કેસ નોંધાયા હતા. આ વખતે 20 નવેમ્બરે એક દિવસમાં જ 2 લાખ 40 હજારથી વધુ લોકો સંક્રમિત નોંધાયા હતા.

બ્રાઝિલમાં પહેલી લહેરના પીકમાં 70 હજાર 896 કેસ એક દિવસમાં નોંધાયા હતા. ત્યાર પછી દરરોજ મળતો આ આંકડો ઘટીને લગભગ 8 હજારે પહોંચી ગયો હતો. હવે તેમાં ફરીથી વધારો થયો છે. હવે દરરોજ 30થી 40 હજાર નવા દર્દી નોંધાઈ રહ્યા છે. રશિયામાં પહેલી લહેરના પીકમાં સૌથી વધુ 11 હજાર દર્દી નોંધાયા હતા. હવે બીજી લહેરમાં એક દિવસની અંદર 25 હજારથી વધુ લોકો સંક્રમિત નોંધાઈ રહ્યા છે. ફ્રાન્સમાં પહેલી લહેરના પીકમાં સૌથી વધુ 5 હજાર દર્દી નોંધાયા હતા. હવે બીજી લહેરમાં એક દિવસની અંદર 88 હજારથી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે.

વેક્સિન તો આવતા વર્ષે જ મળશે

દુનિયાભરમાં 100થી વધુ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, જેમાં 5 મુખ્ય વેક્સિન છે. આ વેક્સિનના નિર્માતાઓએ દાવો કર્યો છે કે ટ્રાયલનાં પરિણામ પણ સારાં આવ્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે ભારત માટે સૌથી શ્રેષ્ઠ વેક્સિન ઓક્સફોર્ડ/ એસ્ટ્રાજેનેકા વેક્સિન(કોવિશીલ્ડ) સાબિત થઈ શકે છે. બે દિવસ પહેલાં જ ઓક્સફોર્ડે દાવો કર્યો છે કે આ વેક્સિન ટ્રાયલમાં 90% અસરકારક સાબિત થઈ છે.

ભારત સરકાર સાથે મળીને વેક્સિન પ્રોડક્શન પર કામ કરતી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહ સુધી આ વેક્સિનના 10 કરોડ ડોઝ તૈયાર થઈ જશે. સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને પણ આગામી વર્ષ એટલે કે 2021ના પહેલા ત્રણ મહિનામાં વેક્સિન આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here