આજે સ્થાપના દિન : 56 વર્ષનું થયું ગાંધીનગર, અહીં વસે છે-ધબકે છે આખું ગુજરાત

0
5

ગાંધીનગર. કર્મચારી નગર તરીકે ઓળખ પામેલા ગાંધીનગરમાં આખા રાજ્યનું શાસન ચલાવતી સરકાર બેઠી છે અને સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે રાજ્યના મોટા ભાગના જિલ્લા-તાલુકાઓમાંથી આવેલા લોકોએ ગાંધીનગરને જ કર્મભૂમિ બનાવી. રાજ્યનું પાટનગર ગાંધીનગર આજે 2 ઑગસ્ટે 56 વર્ષનું થયું. કોર્પોરેશનની હદના વિસ્તરણને કારણે અડધી સદી વટાવી ચૂકેલા આ નગરનો વ્યાપ વધ્યો છે.

ગાંધીનગરમાં પહેલાં શું બન્યું

પ્રથમ ઈંટ : 2-8-1965 જીઈબી થર્મલ પાવર સ્ટેશનના ગેસ્ટ હાઉસમાં શહેરની પ્રથમ ઈંટ મુકાઈ હતી.

મંદિર : સે-22 પંચદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 2-6-1972એ વૈશાખ સુદ પાંચમે થઈ હતી.

સરકારી હૉસ્પિટલ : સે-21ની માર્કેટ પાસે બ્લોક નં-1 છ ટાઇપમાં હૉસ્પિટલ ચાલતી હતી.

જાહેર પ્રતિમા : વિધાનસભા સામે આવેલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા.

સચિવાલય ઇમારત : 1-5-1970એ પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાના નામથી પરથી બનાવવામાં આવેલી બિલ્ડિંગમાં સચિવાયલનું સ્થળાંતર થયું હતું.

વિધાનસભા ઇમારત : સે-17માં હાલની લાઇબ્રેરીમાં વિધાનસભા કાર્યરત થઈ હતી.

બગીચો : સેક્ટર-28નો બાલોદ્યાન પ્રથમ બગીચો.

  • સે-16માં 15-6-1970એ પ્રથમ સરકારી માધ્યમિક શાળા શરૂ થઈ.
  • માઉન્ટ કાર્મેલ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, ખાનગી પ્રાથમિક-માધ્યમિક શાળા, 15-6-1970થી શરૂ થઈ હતી.
  • સે-16માં પ્રથમ સરકારી આર્ટ્સ અને કોમર્સ કૉલેજ 15-6-1970માં શરૂ થઈ હતી.
  • હિતેન્દ્ર દેસાઈ શહેરમાં વસવાટ કરનારા પ્રથમ મુખ્યમંત્રી હતા.
  • બૈતુલમાલ સમિતિ દ્વારા 1970માં સે-29ની મદીના મસ્જિદ અને સે-21ની જુમ્મા મસ્જિદ રજિસ્ટર કરાવાઈ હતી.
  • સે-8માં કૅથોલિક ચર્ચ 12-4-1992માં શરૂ કરવામાં આવ્યું હતું.
  • સે-30માં સંત નિરંકારી ગુરુદ્વારા 17-2-1994થી શરૂ થયું હતું.
  • 1965 પછી શહેરનું વિધિવત્ નિર્માણ શરૂ કરી સે-29ની શરૂઆત કરાઈ.
  • પેથાપુરમાં જીઈબી કૉલોનીની પાછળ પોલીસ સ્ટાફ માટે સૌપ્રથમ ક્વાર્રટ બન્યાં હતાં.

ગાંધીનગરના અનેક પ્રશ્નો માટે લડતો આવ્યો છું

હું મૂળ રાજકોટનો છૂં, 70ના દશકમાં અહીં આવ્યો ત્યાર પછી આ જ મારૂ વતન બની ગયું છે. જો સિટીના 12 અંડરબ્રીજ ખોલાય તો એકમાંથી બીજા સેક્ટરમાં અવરજવર સરળ બની જશે. ગાંધીનગર માટે જે 7 ગામના લોકોએ તેમની જમીન આપી છે, તેમના અનેક પ્રશ્નો ઉપરાંત અન્ય કેટલાક જનલક્ષી પ્રશ્નો માટે હું લડતો આવ્યો છુ. – અરુણ બૂચ, પ્રમુખ, ગાંધીનગર શહેર વસાહત મહામંડળ

વસાવેલા નગરમાં રહીએ છીએ એવું બોલવું યોગ્ય નથી

હું બીલીમોરાની છું અને માતા પતિ વિસનગરના છે, અમે 90ના દશકમાં અહીં આવ્યા હતા. શરૂઆતમાં થોડી તકલીફો પડી રસ્તા યાદ રહેતાં ન હતા. પણ હવે આ સિટી અમારું વતન જ બની ગયું છે. વસાવેેલા નગરમાં રહીએ છીએ, એવું બોલવું યોગ્ય નથી આટલા વર્ષો જ્યાં રહ્યાં હોય તે વતન જ બની ગયું કહેવાય.’ – મમતા રાવલ, પ્રમુખ, લાયન્સ ક્લબ ઓફ ગાંધીનગર ફેમિના

ધમધમતા સિટી વચ્ચે કુદરતી સૌદર્ય અહીં જ મળશે

હું મૂળ પાટણનો વતની છૂં, 2007માં મારો પરિવાર અહીં આવ્યો હતો. મને અને પરિવારને આ સિટી પોતાનું લાગ્યું, અહીંનું વાતાવરણ, ગ્રીનરી અને પક્ષીઓનું વૈવિધ્ય કોઈનું પણ મનમોહી લે તેવું છેે. ધમધમતા સિટી વચ્ચે કુદરતી સૌદર્યનું વૈવિધ્ય અહીં જ મળશે. આ શહેરે અમને નામના, સફળતા ઘણુ બધુ આપ્યું છે. – પ્રદીપ સોલંકી, બ્રાંચ મેનેજર, બરોડા ગુજરાત ગ્રામિણ બેંક, સે-7

અહીં એકવાર રહે તેને બીજે ક્યાંય ન ફાવે

હું મૂળ નડીયાદનો છું, 1985થી ગાંધીનગરમાં પરિવાર સાથે રહું છું. એકવાર અહીં જે રહે તેને બીજે ક્યાંય ફાવે નહીં તે ચોક્કસ છે. સિટીએ ઘણું આપ્યું છે એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી જૂનિયર ઓફિસર તરીકે નિવૃત થયા બાદ પણ હું ગાંધીનગર બ્રહ્મભટ્ટ સમાજના પ્રમુખ તરીકે કામો કરી રહ્યો છું.- દિલીપસિંહ જે. બ્રહ્મભટ્ટ, પ્રમુખ, ગાંધીનગર બ્રહ્મભટ્ટ સમાજ