જેલમાં રહી ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા ગોંડલના કુખ્યાત ‘નિખિલ’ ગેંગ સામે વધુ 6 ગુના નોંધાયા

0
12

ગોંડલની સબ જેલને મહેલ સમજીને જેલમાંથી જ ગેંગ ઓપરેટ કરી ગુનાખોરીનું નેટવર્ક ચલાવતા ગોંડલના કુખ્યાત શખ્સ નિખિલ દોંગા સામે વધુ 6 ગુનાઓ નોંધાયા છે. પોલીસે નિખિલ ગેંગની ગુનાખોરીની કમર ભાંગવા ગુજસીટોકના ગુનાનો મામલો દાખલ કરવામાં આવ્યો. જો કે નિખિલ દોંગાની ધરપકડ બાદ તેની તપાસ દરમિયાન કરાયેલી પુછપરછમાં વધુ વિગતો સામે આવતા વધુ 6 ગુના ઉમેરવામાં આવ્યાં છે. નિખિલ ગેંગે ગોંડલ જેલમાં મિટિંગ કરીને 1 કરોડ વેપારી પાસેથી વસૂલ્યા હોવાની વિગતો સામે આવી છે.

જેલમાં હોવા છતાં નિખિલ અને તેની ગેંગ લોકો પર ત્રાસ ગુજારતી હતી, આ ગેંગની સામે ફરિયાદ કરતા પણ લોકો ડરતા હતા, પરંતુ રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંઘ અને જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ નિખિલ ઉર્ફે નિકુંજ રમેશ દોંગા અને તેની ગેંગના અન્ય 11 શખ્સ સામે ગુજસીટોક સામે ગુનો નોંધી ગેંગના સભ્યોને રિમાન્ડ પર લીધા હતા. ગુજસીટોક હેઠળ નિખિલ દોંગા સહિતનાઓ સામે ગુનો નોંધ્યા બાદ જિલ્લા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને નિખિલની ગેંગે આચરેલા ગુનાઓના ભેદ ઉકેલી એકપછી એક ગુના નોંધી આ ગેંગની કમ્મર તોડી નાખી હતી. ગત તા.13ના ગુજસીટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ માત્ર 10 દિવસમાં નિખિલ સહિતનાઓ સામે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં વધુ છ ગુના નોંધવામાં આવ્યા છે.

ગોંડલની નિખિલ દોંગા ગેંગ સામે ગુનો નોંધાયા બાદ કડક કાર્યવાહી સાથે તપાસ તેજ કરવામાં આવી હતી. ગુજસીટોક હેઠળ ગુનો નોંધાય બાદ નિખિલ દોંગાની ગોંડલમાં આવેલ યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની ઓફિસમાંથી હથિયાર મળી આવ્યાં હતા. જ્યારે અન્ય એક સાગરિતના ઘરેથી જૂની ચલણી નોટ મળી આવી હતી.

પોલીસે સર્ચ કરી એક પિસ્તોલ, એક રિવોલ્વર અને 17 કારતૂસ જપ્ત કર્યા હતા, આ ઉપરાંત નિખિલના સાગરીતના કબજામાંથી રદ થયેલી રૂ.500 અને 1000ના દરની નોટનો જથ્થો મળી આવતા એ અંગે પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોંડલમાં રહેતા એક રહીશને નિખિલના ઇશારે તેના સાગરીતે તમંચો બતાવી મકાન ખાલી કરી દેવાની ધમકી આપી હતી, તેમજ ગુંદાળા ચોકડી પાસે રહેતા એક વેપારીના ભાઇએ રૂ.1 કરોડના ઉધારમાં મોબાઇલ ખરીદી તે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. રૂ.1 કરોડ વસૂલવા માટે નિખિલ દોંગાએ હવાલો લીધો હતો અને વેપારીને જેલમાં બોલાવી રૂ.1 કરોડ આપવા અથવા તેની માલિકીની ખેતીની જમીનના સાટાખત કરી દેવાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત સુરતમાં ઓફિસ ધરાવતા નિરવ અકબરીએ દિવાળીના તહેવાર પર સોશિયલ મીડિયામાં મેસેજ વાઇરલ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, ‘આ ધનતેરસે ધન નહીં, હથિયારની ખરીદી કરો અને નિખિલભાઈના સમર્થનમાં રસ્તા પર ઉતરો’. સમગ્ર મામલાની તપાસ ચલાવી રહેલા જેતપુર એએસપી સાગર બાગમાર તથા ગોંડલ ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ દશ દિવસમાં નિખિલ દોંગા અને તેની ગેંગ સામે છ ગુના ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યા હતા.

ગેંગ લીડર નિખીલ દોંગા સહિત ત્રણ આરોપી 20 દિવસના રિમાન્ડ પર

ગોંડલ સબજેલમાં રહીને બહાર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમને અંજામ આપનાર કુખ્યાત નિખિલ દોંગા સામે અપહરણ, લૂંટ, હત્યાની કોશીશ સહિત 28 જેટલા ગંભીર ગુન્હા આચરવા બદલ રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન હેઠળ એએસપી સાગર બાગમાર સિ!તની ટીમ ગોંડલ સીટી પોલીસમાં ગુજસીકોટ હેઠળ ફરિયાદ નોંધ્યા બાદ આજે 28 દિવસના પોલીસ રિમાન્ડની માગણી સાથે રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 20 દિવસના રિમાન્ડ મંજુર કયાવાનો હુકમ કર્યો છે.

નિખીલે 2003માં શાપરમાં પોલીસ ચોપડે ચઢી ગુનાખોરીમાં ડગ માંડયા હતા. કોઈ રાજકીય કે અન્ય માથાભારે ઈસમોની ઓથ મળી ગઈ હોય એ રીતે બાદમાં ગુનાઓ આચરવામાં પાછું વળીને ન જોયુ, નિખિલ સામે હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી સહિતના ૧૪થી વધુ ગુનાઓ નોંધાયા છે. ૨૦૧૩માં હત્યા ગુનામાં જેલમાં છે. જેલ મુક્ત થવા વારંવાર કોઈને કોઈ બહાનાઓ હેઠળ પેરોલ મેળવી લેતો હતો. અત્યાર સુધીમાં માતા, પિતાની બીમારીના બ્હાના હેઠળ એક વખત તો પોતાની જીવીત માતાને મૃત જાહેર કરીને અત્યાર સુધીમાં ૧૯ વખત પેરોલ મુક્ત થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here