રાજકોટમાં 60 કેસ-9ના મોત, ભાવનગરમાં 26, પોરબંદરમાં 19, જામનગરમાં 14, અમરેલીમાં 9 અને ગીર સોમનાથમાં 8 કેસ

0
3

રાજકોટ. સૌરાષ્ટ્રમાં છેલ્લા 15 દિવસથી પોઝિટિવ આંકની સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.રાજકોટમાં ગઈકાલ મંગળવારના સાંજના 5 વાગ્યાથી આજે સાંજના 5 વાગ્યા સુધીમાં નવા 60 કેસ નોંધાયા છે. આથી રાજકોટ શહેરનો પોઝિટિવ આંક 1499 થયો છે. રાજકોટમાં 9 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે. જેમાં રાજકોટના 7, જેતપુર અને લોધીકાના 1-1 વ્યક્તિનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2200ને પાર થઈ ગઈ છે. જામનગરમાં આજે વધુ 14 કેસ નોંધાયા છે. અમરેલીમાં આજે વધુ 9 કેસ નોંધાયા છે. તેમજ ઉપલેટમાં પણ આજે વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં 26, પોરબંદરમાં 19 અને ગીર સોમનાથમાં 8 કેસ નોંધાયા છે.

જામનગરમાં નવા 10 કેસ નોંધાયા
જામનગરમાં આજે બુધવારે વધુ 10 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં અશોક લીંબાભાઇ પટેલ (ઉં.વ.55), રેશ્મા પટેલ (ઉં.વ.40) ઝરીનાબેન હાલાણી (ઉં.વ. 24), પરેશ જેન્તીભાઇ પોપટ (ઉં.વ.52), હર્ષિદા ધનસુખભાઇ કનખરા (ઉં.વ.47), હરેશ દયાળદાસ ભોલાણી (ઉં.વ.44), ધારાબેન હિતેશભાઇ કણજારીયા (ઉં.વ.15), કુસુમબેન તુલસીદાસ વજાણી (ઉં.વ. 65) અને ગોપીબેન અનિલભાઇ ગોકાણી (ઉં.વ.26)નો સમાવેશ થાય છે.

મંગળવારે 120 લોકોને ડિસ્ચાર્જ અપાયો
રાજકોટમાં કેસોની ભરમાર વચ્ચે પ્રથમ વખત મંગળવારે એક સાથે 120 લોકોને એક જ દિવસમાં ડિસ્ચાર્જ કરાયા હોય તેવું બન્યું છે. જે રીતે કેસો વધ્યા છે તે રીતે ડિસ્ચાર્જની સંખ્યા પણ વધી શકે છે તેવી આશા બંધાઈ છે. બીજી તરફ 337 દર્દી હોમ આઈસોલેશનમાં રહીને કોરોના સામે જંગ લડી રહ્યા છે. મંગળવારે કુલ 120ને ડિસ્ચાર્જ કરાયા છે જેમાં 6 અન્ય જિલ્લાના અને 114 રાજકોટના છે. હજુ સુધી રાજકોટમાં એક જ દિવસનો કોરોના પોઝિટિવનો આંક 100ને વટ્યો નથી પણ પ્રથમ વખત 100 કરતા વધુ લોકોને ડિસ્ચાર્જ કરાયા છે. રાજકોટમાં મંગળવારે 88 પોઝિટિવ આવ્યા છે. જેમાંથી શહેરના 61, અને ગ્રામ્ય વિસ્તારના 27 છે. જેથી રાજકોટ જિલ્લામાં કુલ પોઝિટિવનો આંક 2180 થયો છે.

રાજકોટ જિલ્લામાં રોજના 450 ટેસ્ટ કરાઈ છેઃ જિલ્લા વિકાસ અધિકારી
રાજકોટ જિલ્લામાં કોરોના કેસ વધતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી સહિતના તાલુકાઓમાં કેસ વધી રહ્યા છે અત્યાર સુધીમાં 700 કેસ થયા છે. જેમાંથી 200 કેસ એક્ટિવ છે. મુખ્યમંત્રીના આદેશ બાદ ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પહેલા 200 કરવામાં આવતા હતા અને હવે 450 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર રાજકોટ જિલ્લામાં ચા વેચનારા લોકોને ઉકાળો બનાવવાની તાલીમ આપવામાં આવી છે.

સિનર્જી હોસ્પિટલ દ્વારા પેટ્રીયા સ્યુટ્સ ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી સિનર્જી હોસ્પિટલ દ્વારા પેટ્રીયા સ્યુટ્સ ખાતે કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરવામાં આવશે. જ્યાં દર્દીઓને તમામ પ્રકારની સુવિધા આપવામાં આવશે. ક્રિટિકલ કેરના નિષ્ણાંતે જણાવ્યું હતું કે તમામ સુવિધાઓ ઓછા દરે દર્દીઓને આપવામાં આવશે.