રાજકોટ : 24 કલાકમાં 15 કેસ, 3ના મોત, પોઝિટિવ કેસની સંખ્યા 8200 ને પાર, 602 દર્દી સારવાર હેઠળ.

0
6

રાજકોટ સહિત સોરાષ્ટ્રમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં 15 કેસ નોંધાયા છે અને 24 કલાકમાં કોરોનાથી 3 દર્દીના મોત નીપજ્યા છે. રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને 70 નીચે આવી ગઈ છે. પહેલા કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 100થી 125 સુધી પહોંચી ગઈ હતી. રાજકોટમાં કુલ કેસની સંખ્યા 8200ને પાર કરી 8211 થઈ છે. રાજકોટમાં હાલ 602 દર્દી સારવાર હેઠળ છે.

એક માસ પહેલા દરરોજ 7000 કોરોના ટેસ્ટ, અત્યારે માત્ર 3200 આસપાસ

રાજકોટ શહેરમાં ફરી એક વખતે કોરોના ટેસ્ટની સંખ્યામાં ઘટાડો કર્યો છે. જો કે હાલ પહેલા કરતા સ્થિતિ સારી હોવાથી કોરોનાના કેસ ઓછા આવી રહ્યા છે. મહાનગરપાલિકાના આંકડા મુજબ દરરોજ 60થી 70 વચ્ચે કોરોનાના કેસ આવે છે. 15 સપ્ટેમ્બરે રાજકોટમાં 7229 જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે માત્ર 94 લોકો પોઝિટિવ આવ્યા હતા. 23 ઓક્ટોબરે મનપાએ 3232 કોરોના ટેસ્ટ કર્યા અને તેમાંથી 69 લોકો પોઝિટિવ આવ્યા હોવાનું જાહેર કરાયું છે. રાજકોટ શહેરમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યા મનપાએ અડધી કરી નાખી છે, પરંતુ બીજી તરફ પોઝિટિવિટીની ટકાવારી વધી છે. 15 સપ્ટેમ્બરે પોઝિટિવ રેટ 1.30 ટકા હતો જે હવે 2.13 ટકા થયો છે.

ટેસ્ટમાં ઘટાડો કર્યો નથી, હવે સામેથી આવે તેના જ ટેસ્ટ થાય છે

રાજકોટમાં જ્યારે કોરોનાના કેસમાં વધારો થયો હતો તેવા સમયે રાજકોટ મહાનગરપાલિકાની ટીમે ઘરે ઘરે જઇ સરવે સહિતની કામગીરી કરી છે. આ દરમિયાન કોરોનાના સામાન્ય લક્ષણ દેખાય તો પણ તેમનો ટેસ્ટ કરવામાં આવતો હતો. જો કોઇ વ્યક્તિ કોરોના ટેસ્ટ કરવા ઇનકાર કરે તો તેમને સમજાવીને પણ આપણે તેના ટેસ્ટ કર્યા છે. જેના કારણે એક સમયે રાજકોટમાં 7000થી વધુ કોરોના ટેસ્ટ થતા હતા, પરંતુ હવે સર્વેલન્સની સઘન કામગીરીના પગલે કેસમાં ઘટાડો થયો છે અને સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થવા તરફ જઇ રહી છે. પરિણામે રાજકોટ મહાનગરપાલિકાએ જે શહેરીજનો કોરોના ટેસ્ટ કરવા સામેથી આવે છે તેમના જ ટેસ્ટ કરે છે. પરિણામે ટેસ્ટની સંખ્યા ઘટી છે. મનપાએ ટેસ્ટિંગમાં ઘટાડો કર્યો નથી. રાજકોટમાં 11 જાહેર સ્થળ પર ટેસ્ટિંગ માટે બૂથ પણ ખોલવામાં આવ્યા છે જ્યાં જઇ લોકો સ્વેચ્છાએ ટેસ્ટ કરાવી શકે છે. – ઉદિત અગ્રવાલ, મ્યુનિ. કમિશનર