રાજકોટ માં 61 કેસ અને 10ના મોત, ભાવનગરમાં 38, ગોંડલમાં 18 અને જામનગરમાં 7 કેસ નોંધાયા

0
5

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવનો આંક સતત વધી રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં ગઈકાલે સાંજના 5 વાગ્યાથી આજે મંગળવારે સાંજના 5 વાગ્યા સુધીમાં 61 કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી આજે 38 પોઝિટિવ કેસ આવ્યા અને 36 દર્દીઓ રોગમુક્ત થતાં ડિસ્ચાર્જ કરાયા છે.રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 1400ને પાર થઈ 1439 થઈ છે. રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં 2093 કેસ પોઝિટિવ નોંધાયા છે. મહત્વનું છે કે સોમવારે રાજકોટ શહેરમાં નવા 70 કેસ નોંધાયા હતા. હાલ રાજકોટમાં કુલ 925 દર્દીઓ સારવાર હેઠળ છે. જામનગરમાં આજે વધુ સાત અને જસદણમાં એક કેસ નોંધાયો છે. ગોંડલમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં વધુ 18 કેસ નોંધાયા છે.

ગોંડલમાં 18 કેસ નોંધાયા

ગોંડલમાં કોરોના બ્લાસ્ટ થયો હોય તેમ આજે એક દિવસમાં વધુ 18 કેસ નોંધાયા છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં અત્યાર સુધીનો આંકડો 200ને પાર થઈ ગયો છે. ગોંડલ શહેર તેમજ ગ્રામ્યમાં વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. ગોંડલ શહેરમાં નારાયણ નગર, ભોજરાજપરા, સ્ટેશન પ્લોટ, આશાપુરા સોસાયટી, ખોડિયારનગર સહિતના અલગ અલગ વિસ્તારમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. ગ્રામ્યમાં વસાવડ ગામમાં કોરોનાનો 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા લોકોને કવોરન્ટીન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

​​​​​​રાજકોટ જિલ્લામાં રોજના 450 ટેસ્ટ કરાઈ છેઃ જિલ્લા વિકાસ અધિકારી

રાજકોટ જિલ્લામાં કોરોના કેસ વધતા જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ગોંડલ, ધોરાજી સહિતના તાલુકાઓમાં કેસ વધી રહ્યા છે અત્યાર સુધીમાં 700 કેસ થયા છે. જેમાંથી 200 કેસ એક્ટિવ છે. મુખ્યમંત્રીના આદેશ બાદ ટેસ્ટ વધારવામાં આવ્યા છે. પહેલા 200 કરવામાં આવતા હતા અને હવે 450 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. વેપારીઓ અને ફેરિયાઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં પ્રથમવાર રાજકોટ જિલ્લામાં ચા વેચનારા લોકોને ઉકાળો બનાવવાની તાલીમ આપવામાં આવી છે.

રાજકોટ કોંગ્રેસે પોલીસ કમિશનરને રજૂઆત કરી

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના નામની યાદી જાહેર ન કરાતા કોંગ્રેસ આજે રાજકોટ શહેર પોલીસ કમિશનર પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કોંગ્રેસે એક અઠવાડિયા સુધી ધરણાંની મંજૂરી પોલીસ પાસે માગી હતી પરંતુ પોલીસે મંજૂરી ન આપતા કોંગ્રેસના કોર્પોરેટરો પોલીસ કમિશનર પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ મીડિયા સાતે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ચોક્કસતી આવતીકાલીત ધરણાં કરીશું.

રાજકોટ મનપા કમિશનરે સમીક્ષા બેઠક યોજી

શહેરમાં કોરોના સંક્રમણ રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા અને ખાસ વોર્ડ પ્રભારી અને આરોગ્ય શાખાના તમામ સ્ટાફ દ્વારા અવિરત કામગીરી થઈ રહી છે. જેના ભાગરૂપે આજે મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી, કોન્ફરન્સ હોલમાં સવારે 8 વાગ્યે તમામ વોર્ડના વોર્ડ પ્રભારી, આરોગ્ય અધિકારી લલિત વાંજા, નાયબ આરોગ્ય અધિકારીઓ ડો. પંકજ રાઠોડ, ડો. ચુનારા, ડો. હાર્દિક મહેતા અને RCHO ડો. ભૂમિ કમાણી તેમજ શહેરના તમામ હેલ્થ સેન્ટરોના મેડિકલ ઓફિસરો સાથે બેઠક યોજી મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે વોર્ડ વાઈઝ તેમજ હેલ્થ સેન્ટર વાઈઝ થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.

રાજકોટમાં કોરોનાથી મોત
ક્રમ નામ ઉં.વ. સ્થળ
1 બાનુબેન ઈશાભાઈ ભાડુલા 60 રાજકોટ
2 રશ્મિકાંત બારભાયા 65 રાજકોટ
3 છેલાભાઈ વજુભાઈ પરમાર 61 રાજકોટ
4 અશોકભાઈ નાનજીભાઈ સારીયા 31 રાજકોટ
5 રાહિમાબેન ગનીભાઈ પરમાર 65 પડધરી
6 દિલીપભાઈ ચંદ્રકાંતભાઈ દવે 60 સુરેન્દ્રનગર
7 શૈલેષભાઈ જાદવભાઈ 38 ટંકારા
8 હમીદાબેન કાસમભાઈ હાડા 60 ગોંડલ
9 વિજયાબેન જેન્તીભાઈ કામરિયા 49 પડધરી
10 કાથડભાઈ ધાંધલ 60 થાનગઢ

 

પોઝિટિવ કેસોના નામ જાહેર કરવા મુદ્દે કાલે સાગઠિયા ઉપવાસ કરશે

પોઝિટિવ આવેલા દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ થતાં વિરોધપક્ષના નેતાએ નામ જાહેર કરવા માંગ કરી છે. ત્યારે ઉપવાસ આંદોલન કરવા માટે આજે વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ પોલીસ મંજુરી માંગી હતી. પરંતુ પોલીસે મંજુરી આપી નથી. તેમ છતાં આવતીકાલે વશરામ સાગઠિયા ઉપવાસ આંદોલન કરશે.

રાજકોટમાં 925 દર્દી સારવાર હેઠળ

રાજકોટ શહેર અને ગ્રામ્યના કુલ કેસ 2093 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. રાજકોટ શહેરમાં જે નવા કેસ આવી રહ્યા છે ફક્ત તે વિસ્તારોના નામ જ જાહેર કરવામાં આવતા હતા જો કે બે દિવસથી તે પણ બંધ કરી દેવાયું છે. સોમવારે શહેરી વિસ્તારમાંથી 70 કેસ આવ્યા પણ ક્યા વિસ્તારમાંથી આવ્યા તે જાહેર કરાયું નથી. બીજી તરફ રાજકોટમાં હાલ 925 દર્દી સારવાર હેઠળ છે જેમાંથી મોટાભાગના લોકો હોમ આઈસોલેશનમાં છે, જ્યારે બાકીના કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલમાં છે. અન્ય જિલ્લાના દર્દીઓ સહિત 498 હોસ્પિટલાઈઝ છે જેમાંથી 45ની હાલત ગંભીર હોવાથી વેન્ટિલેટર પર મુકાયા છે. રાજકોટ જિલ્લાના 1037 ફેરિયાનું સ્ક્રિનિંગ કરાયું હતું જેમાંથી 76 શંકાસ્પદ જણાતાં તેમના રેપિડ ટેસ્ટ કરાતા એક પોઝિટિવ કેસ આવ્યો હતો.

અલગ અલગ વિસ્તારમાં ફેરિયાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

કોરોનાનો સંક્રમણ અટકાવવા મનપાએ શાકભાજી વેચતા લોકો માટે રૈયાધાર વિસ્તારમાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. આ દરમિયાન કુલ 152 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે અમુક ફેરિયાઓમાં કોરોનાના લક્ષણો જણાતા 36 લોકોના ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી એક પણ કેસ પોઝિટિવ મળેલ નથી.આ સાથે જ તમામ ફેરિયાઓને હેલ્થ કાર્ડ ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે જ્યુબિલી શાક માર્કેટ ખાતેના કેમ્પમાં કુલ 286 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું .જ્યારે 212 લોકોના ટેસ્ટ કરાયા હતાં. જેમાંથી 11 કેસ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. લલુડી વોંકળી (કેનાલ રોડ) ખાતેના કેમ્પમાં કુલ 225 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું, 82 લોકોના ટેસ્ટ કરાયા હતાં જેમાંથી 1 કેસ પોઝિટિવ આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here