ગુજરાત હાઇકોર્ટમાં હાલ તમામ કાર્યવાહી અંગ્રેજી ભાષામાં ચાલે છે. જેના લીધે કેટલાક પક્ષકારો તથા વકીલોએ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તાજેતરમાં જ ગાંધીનગર બાર એસોસિએશન દ્વારા PM મોદીને પત્ર લખીને ગુજરાત હાઇકોર્ટની અંદર કોર્ટની કાર્યવાહીમાં ગુજરાતી ભાષાનો સમાવેશ કરવા માંગ ઉઠાવાઈ છે. ત્યારે હવે હાઇકોર્ટમાં ગુજરાતી ભાષા કેમ્પેઈનમાં ગુજરાતી ભાષા સામે 62% વકીલોએ વિરોધ કર્યો છે. જ્યારે માત્ર 38% વકીલોએ જ ગુજરાતી ભાષાને સમર્થન આપ્યું છે. હાઇકોર્ટની અંદર ગુજરાતી ભાષા કેમ્પેઈનમાં મોટા ભાગના વકીલોએ ગુજરાતી ભાષાનો વિરોધ કરતા કેમ્પેઈન પરત ખેંચાયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ હાઇકોર્ટેમાં ગુજરાતી ભાષાની ચર્ચા ઉઠી હતી. આ ચર્ચા દરમિયાન વકીલોમાં બે ફાંટા પડ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સમાવિષ્ટ કરવાની માંગ સાથે ગુજરાત બાર કાઉન્સીલના પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને ભરત ભગત સહિતના સભ્યોએ આગાઉ રાજ્યપાલ સમક્ષ માંગ ઉઠાવી હતી. જેમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આશરે એક લાખથી વધુ વકીલો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલા છે. જેમાંથી આશરે પાંચ હજાર વકીલો ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. બાકીના વકીલો કાયદાકીય જ્ઞાન અને અનુભવ ધરાવતાં હોવા છતાં પણ હાઇકોર્ટમાં માત્ર અંગ્રેજી ભાષાનો ઉપયોગ થતો હોવાથી તેઓ હાઇકોર્ટમાં વકીલાત કરી શકતા નથી. પરિણામે, ગુજરાતની પ્રજાને સસ્તો અને ઘરઆંગણે ન્યાય આપવામાં અવરોધ થાય છે. ગુજરાતી ભાષામાં કેસ ચલાવવા દેવામાં આવે તો અસીલોને પણ સસ્તો તેમજ ઝડપી ન્યાય ઉપલબ્ધ થઇ શકે.’ તમને જણાવી દઇએ કે, અનુચ્છેદ 384 (2) હેઠળ રાજ્યપાલ પાસે ગુજરાતીમાં સુનાવણી કરવાની મંજૂરી આપવાની સત્તા રહેલી છે. તેમ રજૂઆતમાં ઉલ્લેખ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં કોર્ટની કામગીરી માટે ગુજરાતી ભાષાને સત્તાવાર ભાષા તરીકે સામેલ કરવા અંગે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અસીમ પંડ્યાએ રાજ્યપાલને લખેલા પત્રને લઇને હવે વિવાદ સર્જાયો હતો. જ્યાર બાદ ગુજરાત હાઇકોર્ટના વકીલો વચ્ચે જૂથવાદ સામે આવ્યો હતો અને આ વિવાદ બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત મેદાને આવ્યું હતું. તમને જણાવી દઇએ કે, અનુચ્છેદ 384 (2) હેઠળ રાજ્યપાલ પાસે ગુજરાતીમાં સુનાવણી કરવાની મંજૂરી આપવાની સત્તા રહેલી છે.