ટોક્યો ગેમ્સની તૈયારીઓમાં વ્યસ્ત 66% વોલેન્ટિયરે ચિંતા વ્યક્ત કરી, ઓર્ગેનાઇઝર્સને પૂછ્યું- કોરોનાથી બચવા માટેની શું વ્યવસ્થા હશે

0
4

કોરોના વાયરસના કારણે એક વર્ષ માટે સ્થગિત કરાયેલ ટોક્યો ઓલિમ્પિક પર હજી પણ સંકટના વાદળ ઘેરાઈ રહ્યા છે. કેટલાક નિષ્ણાંતોએ તેને આગળના વર્ષે આયોજન કરવા સામે પણ સવાલ ઉઠાવ્યા છે. ત્યારબાદ ટોક્યો રમતના ઓર્ગેનાઇઝર્સે તૈયારીઓમાં વ્યસ્ત વોલેન્ટિયર વચ્ચે એક સર્વે કરાવ્યો, જેમાં 66.8% લોકોએ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ઓર્ગેનાઇઝર્સને પૂછ્યું કે ઓલિમ્પિક દરમિયાન કોરોનાથી બચવા માટેની શું વ્યવસ્થા કરવામાં આવશે?

ટોક્યો ઓલિમ્પિક 23 જુલાઈથી 8ઓગસ્ટ 2021માં યોજાશે. આ પહેલા આ ગેમ્સ ચાલુ વર્ષે 24 જુલાઈથી થવાની હતી, પરંતુ કોરોનાના કારણે તેને સ્થગિત કરવામાં આવી છે. ઓલિમ્પિક વર્લ્ડ વોરના કારણે ત્રણ વખત વર્ષ 1961,1940, અને 1944માં રદ્દ કરવામાં આવ્યો હતો.

આવી જ પરિસ્થિતિ રહેશે તો આવતા વર્ષે પણ ઓલિમ્પિક યોજાવો મુશ્કેલ

ટોક્યો ઓલિમ્પિકના ઓર્ગેનાઇઝર્સે 80 હજાર વોલેન્ટિયર વચ્ચે સર્વે કરાવ્યો છે. જેમાં 26 હજાર લોકોએ જવાબ આપ્યો હતો. તેમાંથી 34%એ કહ્યું કે કોરોનાના કારણે ટ્રેનિંગને ટાળવામાં આવી હતી, જે કારણે તેમને વધુ જાણવાનો મોકો મળ્યો જ નથી. કેટલાકે કહ્યું કે, કામ દરમિયાન હંમેશા સંક્ર્મણની ચિંતા રહેતી હતી. તો કેટલાકે આશંકા વ્યક્ત કરી કે જો આવી જ પરિસ્થિતિ રહેશે તો આવતા વર્ષે પણ ઓલિમ્પિક યોજાવો મુશ્કેલ રહેશે.

મીડિયા સર્વેમાં વધુ લોકો ઓલિમ્પિકના પક્ષમાં નહીં

હાલમાં જ જાપાનના મીડિયાએ એક સર્વે કરાવ્યો હતો. તેમાં તે વાત સામે આવી હતી કે ટોક્યોમાં રહેતા વધુ લોકો 2021માં ઓલિમ્પિક યોજાવાના પક્ષમાં નથી. તેમણે કહ્યું કે ગેમ્સને રદ્દ કરી દેવી જોઈએ. 51.7% લોકોએ ગેમ્સને ટાળવાની વાત કરી હતી, જ્યારે 46.3% લોકો ઈચ્છે છે કે ઓલિમ્પિક નક્કી કરવામાં આવેલ સમય પર જ યોજાવો જોઈએ.

ઓલિમ્પિક માટે કોરોનાની વેક્સીન જરૂરી

ગત સપ્તાહે જ ટોક્યો ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ યોશિરો મોરીએ આવતા વર્ષે યોજાનાર ઓલિમ્પિક માટે કોરોના વેક્સીનની જરૂરીયાતને આવશ્યક ગણાવી હતી. એક સમાચાર-પત્રને આપેલા ઇન્ટરવ્યુમાં મોરીએ કહ્યું હતું કે, ” આજે જેવી રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, તેને જોઈને એક વર્ષ પછીની સ્થિતિની કલ્પના પણ કરી શકાય તેમ નથી. જો આજના જેવી જ પરિસ્થિતિ રહેશે તો આવતા વર્ષે પણ ઓલિમ્પિક યોજાવો મુશ્કેલ છે. ઓલિમ્પિકમાં ઓછા દર્શકોને એન્ટ્રી આપવી પણ ખુબ જ મુશ્કેલ છે.

ઓલિમ્પિકને ટાળવો મુશ્કેલ

ગેમ્સના વ્યસ્ત શિડ્યૂલના કારણે ઓલિમ્પિક આવતા વર્ષે પણ ટાળવો મુશ્કેલ લાગે છે. વર્ષ 2022માં ફુટબોલનો વર્લ્ડ કપ કતારમાં યોજાનાર છે. જ્યારે બેઇજિંગમાં વર્ષ 2022માં વિન્ટર ઓલિમ્પિક પણ યોજાનાર છે. એવામાં જો કોરોનનો ખતરો વધે છે તો, ટોક્યો ઓલિમ્પિક રદ્દ થવાની પુરી શક્યતા છે.

ઓલિમ્પિક ટળવાથી જાપાનને રૂ. 56 હજાર કરોડનું નુકશાન

જાપાનના ‘ડેલી નિક્કન સ્પોર્ટ્સ’ અનુસાર ટોક્યો ઓલિમ્પિક બોર્ડના સભ્ય હારુયુકી તાકાહાશીએ કહ્યું હતું કે ઓલિમ્પિક રદ્દ થવાથી જાપાન અને વિશ્વની અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડશે. ઓલિમ્પિક રદ્દ થવાથી ખુબ જ મોટું નુકશાન થશે. તાકાશાહીએ નુકશાનની કિંમત નથી જણાવી. પરંતુ, ઓલિમ્પિક એક વર્ષ ટળવાના કારણે જાપાનને રૂ. 56 હજાર કરોડનું નુકશાન થયું છે. આ સાથે જ તેના પર રૂ. 20 કરોડનો એક્સ્ટ્રા ખર્ચ પણ વધી ગયો છે.