કોરોના દેશમાં અત્યારસુધીમાં 67.54 લાખ સંક્રમિત : 19 દિવસમાં 1.10 લાખ એક્ટિવ કેસ ઓછા થયા, 24 કલાકમાં 24 રાજ્યમાં નવા કેસ કરતાં સાજા થનારા વધુ.

0
6

દેશમાં કોરોનાના આંકડાઓએ ફરી રાહત આપી છે. 71,869 નવા કેસ નોંધાયા છે, જ્યારે 81945 દર્દી સાજા થયા છે, 990 લોકોનાં મોત થયાં છે. 24 રાજ્યમાં નવા દર્દીઓની તુલનામાં સાજા થનારાની સંખ્યા વધુ રહી હતી. છેલ્લા 19 દિવસમાં 1.10 લાખ એક્ટિવ કેસ ઘટ્યા છે. 17 સપ્ટેમ્બરે દેશમાં સૌથી વધુ 10.17 લાખ એક્ટિવ કેસ હતા, જે હવે ઘટીને 9.7 લાખ થઈ ગયા છે.

દેશમાં અત્યારસુધીમાં 67.54 લાખ કેસ આવી ચૂક્યા છે, જેમાંથી 57.41 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.04 લાખ લોકો આ બીમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે.

48% મોત દેશના 25 જિલ્લામાં થયાં છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં સંક્રમણથી અત્યારસુધીમાં 48% દર્દીઓનાં મોત આઠ રાજ્યના 25 જિલ્લામાં થયાં છે. આમાં પણ 15 જિલ્લા મહારાષ્ટ્રના છે. કર્ણાટક, પશ્વિમ બંગાળ અને ગુજરાતના 2-2, જ્યારે પંજાબ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુના 1-1 જિલ્લા છે, એટલે કે કોરોનાથી થયેલાં મોતની સૌથી વધુ અસર આ જ જિલ્લામાં થઈ છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને ડેથ રેટ 1%થી ઓછો કરવાનો પ્રયાસ કરવા માટે કહ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને તામિલનાડુ સહિત 10 રાજ્ય એવાં છે, 77% એક્ટિવ કેસ છે. આમાં પણ ત્રણ રાજ્ય એવાં છે, જ્યાં 50% એક્ટિવ કેસ છે. એક્ટિવ કેસ છેલ્લાં બે સપ્તાહથી સતત ઘટી રહ્યા છે. આ એક સારો સંકેત છે.

પિક જાહેર કરીશું તો લોકો બેદરકાર થઈ જશે

સ્વાસ્થ્ય મંત્રાલયનું એવું પણ કહેવું છે કે WHOની નજરે જોઈએ તો દેશમાં કોરોનાનું પિક આવી ચૂક્યું છે, હવે બીજી લહેરને રોકવા માટે સાવધાની રાખવી જરૂરી છે. દેશમાં 22 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી સતત 14 દિવસ એક્ટિવ કેસ વધવાની ટકાવારી શૂન્યથી નીચે રહી છે. WHOના માપદંડો પ્રમાણે, દુનિયાના તમામ દેશોમાં આ આધારે પિક જાહેર કરવામાં આવ્યું હતી. જોકે મંત્રાલયનું કહેવું છે કે આંકડાના આધારે પિક જાહેર કરાશે તો લોકો બેદરકાર થઈ શકે છે. તહેવારની સીઝનમાં આપણે વધારે સતર્કતા રાખવાની જરૂર છે.

પાંચ રાજ્યની સ્થિતિ

મધ્યપ્રદેશ

મંગળવારે 1570 કેસ નોંધાયા હતા, 2161 દર્દી સાજા થયા, જ્યારે 25 સંક્રમિતનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 38 હજાર 667 કેસ નોંધાયા છે, 1 લાખ 18 હજાર 39 લોકો સાજા થઈ ચૂક્યા છે, 18 હજાર 141 સંક્રમિતની સારવાર ચાલી રહી છે, જ્યારે 2488 દર્દીઓનાં મોત થયાં છે.

રાજસ્થાન

મંગળવારે 2121 કેસ નોંધાયા હતા, 2027 દર્દી સાજા થયા હતા, જ્યારે 15 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 48 હજાર 316 કેસ નોંધાઈ ચૂક્યા છે. 1 લાખ 25 હજાર 448 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 2194ની સારવાર ચાલી રહી છે, જ્યારે 1574 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 32.45 લાખથી વધુ ટેસ્ટિંગ થયા છે.

બિહાર

મંગળવારે 1256 કેસ નોંધાયા હતા, 1255 લોકો સાજા થયા અને 61 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 90 હજાર 123 કેસ નોંધાયા છે, જેમાંથી 1 લાખ 77 હજાર 929 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 925 સંક્રમિતોનાં મોત થયાં છે. 11 હજાર 268 દર્દીની સારવાર ચાલી રહી છે.

મહારાષ્ટ્ર

મંગળવારે 12 હજાર 158 કેસ નોંધાયા, 17 હજાર 141 દર્દી સાજા થયા અને 370 લોકોનાં મોત થયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 14 લાખ 65 હજાર 911 કેસ નોંધાયા છે, જેમાંથી 1 લાખ 79 હજાર 726 સાજા થઈ ચૂક્યા છે, 2 લાખ 37 હજાર 23 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 38 હજાર 717 દર્દીનાં મોત થયાં છે.

ઉત્તરપ્રદેશ

મંગળવારે 3663 કેસ નોંધાયા, 4432 દર્દી સાજા થઈ ગયા, 61 લોકોનાં મોત થઈ ગયાં. રાજ્યમાં અત્યારસુધીમાં 4 લાખ 20 હજાર 937 કેસ નોંધાઈ ચૂક્યા છે, 3 લાખ 70 હજાર 753 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 44 હજાર 31ની સારવાર ચાલી રહી છે, જ્યારે 61 હજાર 53 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં 17 સપ્ટેમ્બર પછીથી 23 હજાર 235 એક્ટિવ કેસ(લગભગ 38%) ઓછા થયા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here