મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં બે દિવસમાં 68 પોઝિટિવ કેસ

0
6

મહેસાણા, પાલનપુર, તા. 17 ઓગસ્ટ 2020,

ઉત્તર ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર યથાવત રહેવા પામ્યો છે. જોકે મૃત્યુની સંખ્યા ઉપર બ્રેક લાગી છે. છેલ્લા ૪૮ કલાકના સમયગાળામાં મહેસાણામાં ૨૩, બનાસકાંઠામાં ૨૯ અને પાટણ જિલ્લામાં ૧૬ મળી કુલ ૬૮ નવા કોરોના પોઝિટિવ કેસો ઉમેરાયા છે. જેમાં પાટણમાં ૯, રાધનપુરમાં ૩, શંખેશ્વર ૨, ડીસા ૬, પાલનપુર ૪ અને બેચરાજીમાં ૫, ઊંઝામાં ૨, મહેસાણા ૨ કેસોનો સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લામાં પાછલા બે દિવસ દરમિયાન ૨૩ કોરોના કેસો સામે આવ્યા છે. જેમાં મહેસાણામાં ૪, કડી ૩, બેચરાજી ૫ તેમજ ઊંઝા, ખેરાલુ, જોટાણા, વિજાપુર, વિસનગર, સતલાસણા પંથકમાં નવા કેસો ઉમેરાયા છે. જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧૨૦૦ને પાર કરી ગઈ છે. હાલ ૩૩૦ દર્દીઓ જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે બે દિવસમાં ૨૬ દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક હદે વૃધ્ધિ થઈ રહી છે. જે વચ્ચે છેલ્લા બે દિવસમાં વધુ ૨૯ કેસ સામે આવતા જિલ્લાનો કુલ આંક ૧૦૦૮ પર પહોંચ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં ૧૫ ઓગષ્ટના રોજ કોરોના પોઝિટિવના ૧૬ કેસ નોંધાયા હતા. જેમાં ૧૧૮૧ સેમ્પલ લેવાયા હતા. જે બાદ ૧૬ ઓગષ્ટના વધુ ૧૩ કેસ સામે આવ્યા હતા. જેમાં ડીસામાં ૬, પાલનપુરમાં ૪ અને દાંતીવાડા, દાંતામાં ૧-૧- કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ૫ મહિલા અને ૮ પુરુષ કોરોનાથી સંક્રમિત બનતા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલ કોરોના પોઝિટિવ કેસોનો કુલ આંક ૧૦૦૮ પર પહોંચતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ઉ.ગુ.માં અન્ય જિલ્લાની સરખામણીએ પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. પાટણ જિલ્લામાં ૪૮ કલાકમાં ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા. જેમાં ૯ પુરુષ અને ૭ મહિલા કોરોના સંક્રમિત, પાટણમાં ૯, રાધનપુરમાં ૩, શંખેશ્વરમાં ૨ અને ચાણસ્મા તેમજ હારીજમાં ૧-૧ કેસ નોંધાયા. પાટણ જિલ્લામાં કુલ પોઝિટિવ આંક ૧૦૧૯ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here