ગાંધીનગર : એક જ દિવસમાં 25 કેસ, 16 દિવસમાં જ 261 કેસ, 68 વર્ષીય વૃદ્ધાનું કોરોનાથી મૃત્યુ

0
6

ગાંધીનગર. કોરોના વાઇરસે જૂન મહિના જિલ્લાને રીતસરનો ભરડામાં લીધો છે. મંગળવારે વધુ 25 કેસ નોંધાવા સાથે માત્ર 16 દિવસમાં જ 261 કેસ નોંધાઈ ચૂક્યા છે. મંગળવારે ગાંધીનગરના 9, કલોલના 8, મનપા વિસ્તારના 5 અને દહેગામના 3 કેસનો સમાવેશ થાય છે. માત્ર માણસા તાલુકો બાકાત રહ્યો છે. બીજી તરફ  કલોલના આધડનું મૃત્યુ હતું અને મોડી રાત્રે સે.14ના 68 વર્ષીય વૃદ્ધાનું પણ મોત નીપજ્યું હતું. કોરોનાના વધતા જતા કેસને પગલે આરોગ્ય કર્મચારીઓ માટે કેસ હિસ્ટ્રી લેવાનું કપરું બની રહ્યું છે.

કોરોનાના નવા કેસની સરખામણીએ મંગળવારે માત્ર 6 દર્દી સાજા થયા છે. સાજા થતા દર્દીઓની સરખામણીએ સંક્રમિત થતા લોકોનો રેશિયો ચાર ગણો વધુ છે. ડાયાબિટીસ અને હાઈ બીપીની બીમારી હોવાથી કલોલના 65 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ મૃત્યુ સાથે જિલ્લામાં કોરોનાથી મૃત્યુનો કુલ આંકડો 30એ પહોંચ્યો છે.

FSLમાં નોકરી કરતા દંપતીને ચેપ લાગ્યો

ગાંધીનગર મનપા વિસ્તારમાંથી 5 અને ગ્રામ્યમાંથી 9 કેસ નોંધાયા છે. સેક્ટર-3-એ ન્યુમાં રહેતા અને વીસનગરની આઇટીઆઇના ઇન્સ્ટ્રક્ટર 37 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે સેક્ટર-7-એમાં ફોરેન્સિક સાયન્સ લેબમાં નોકરી કરતા 25 વર્ષીય પતિ અને 23 વર્ષીય પત્ની કોરોનામાં સપડાયાં છે. સેક્ટર-3-ડીમાં રહેતી કોરોના પૉઝિટિવ 37 વર્ષીય મહિલા સપ્તાહ અગાઉ પિયર અમદાવાદના બોપલમાં ગઈ હતી. સેક્ટર-13-એમાં રહેતો 31 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. અમદાવાદની ખાનગી હૉસ્પિટલમાં નોકરી કરતો જમીયતપુરાનો 32 વર્ષીય યુવાનનો પૉઝિટિવ આવ્યો છે જ્યારે પેથાપુરમાં રહેતા અને નર્મદા નિગમમાં નોકરી કરતા 52 વર્ષીય આધેડ અને મજૂરીકામ કરતો કોલવડાનો 23 વર્ષીય યુવાન સંક્રમિત થયા છે. ફર્ટીલાઇઝરની ફૅક્ટરીમાં નોકરી કરતા ચિલોડાના 50 વર્ષીય આધેડને ચેપ લાગ્યો છે. ઉપરાંત કોટેશ્વરનો 49 વર્ષીય યુવાન, સરગાસણનો 44 વર્ષીય યુવાન અને 38 વર્ષીય મહિલા તથા ઉવારસદની 63 વર્ષીય મહિલા કોરોનામાં સપડાયાં છે.

કલોલમાં 6 પુરુષ અને 3 મહિલાને ચેપ લાગ્યો

કલોલમાં મંગળવારે નોંધાયેલા 9 કેસમાંથી એક માત્ર જાસપુરના 51 વર્ષીય આધેડને ચેપ લાગ્યો છે. બાકીના તમામ 8 કેસ પાલિકા વિસ્તારમાંથી નોંધાયા છે. જેમાં 35 વર્ષીય યુવાન, 55 વર્ષીય આધેડ, 60 વર્ષીય વૃદ્ધ, 65 વર્ષીય વૃદ્ધા, 50 વર્ષીય આધેડ, 57 વર્ષીય મહિલા અને 65 વર્ષીય મહિલા સંક્રમિત થઇ છે.

જૂન માસના 16માંથી 10 દિવસમાં કોરોનાના કેસ ડબલ ડિજિટમાં

તારીખ કેસ
2-6 14
3-6 39
4-6 23
5-6 27
6-6 23
7-6 22
11-6 11
13-6 15
15-6 18
16-6 25

 

દહેગામમાં 3 જણ સંક્રમિત

દહેગામના નાંદોલ ગામમાં રહેતા અને ડેકોરેશનનો બિઝનેસ કરતા 42 વર્ષીય યુવાન ઉપરાંત 52 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે. બાબરા ગામનો ગાંધીનગરમાં કન્સલ્ટન્ટની નોકરી કરતો 27 વર્ષીય યુવાન સંક્રમિત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here