પ.બંગાળમાં લોહિયાળ જંગઃ TMC-ભાજપના કાર્યકર્તાઓની હત્યા, 2ને મારી ગોળી, બુથ પર હુમલો

0
30

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે મતદાન યોજાઇ રહ્યું છે. પ.બંગાળની પણ 8 બેઠકો પર આજે મતદાન છે, પરંતુ મતદાન શરૂ થતા જ હચમચાવી દેનાર સમાચાર સામે આવી રહ્યા છે. બંગાળના ઝારગ્રામમાં ભાજપના બૂથ કાર્યકર્તા મૃત મળ્યા છે. તેમનું નામ રામેન સિંહ જણાવાય રહ્યું છે. ભાજપના કાર્યકર્તા સિવાય એક ટીએમસી કાર્યકર્તાનો પણ મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવામાં આવી છે.

બંગાળમાં મતદાન થવાની સાથે સાથે આ જંગ સતત લોહિયાળ બન્યો છે. મિદનાપુરમાં પણ બે ટીએમસી કાર્યકર્તાઓને ગોળી મારી દેવામાં આવી છે. બન્ને કાર્યકર્તાઓને તમલુકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે બેલ્દાના ટીએમસી કાર્યાલય પર પણ હુમલો કરવામાં આવ્યો છે. ટીએમસીનો આરોપ છે કે આ હુમલો ભાજપે કરાવ્યો છે.

ભારતી ઘોષે ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ
બંગાળની બહુચર્ચિત પૂર્વ આઇપીએસ અધિકારી અને ઘાટલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર ભારતી ઘોષે આરોપ લગાવ્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે કેશપુરમાં ટીએમસી કાર્યકર્તાઓની સાથે તેમણે દુર્વ્યવહાર કર્યો.

ઝારગ્રામમાં ભાજપના કાર્યકર્તાની હત્યા
તમને જણાવી દઇએ કે ઝારગ્રામમાં પણ મતદાન યોજાઇ રહ્યું છે. ભાજપનો આરોપ છે કે રામેનસિંહની હત્યા કરવામાં આવી છે. તેમણે ટીએમસીના કાર્યકર્તાઓને જવાબદાર ગણાવ્યા છે. જોકે સ્થાનિક પોલીસે આ વાતનો ઇન્કાર કર્યો છે. શરૂઆતની તપાસના આધારે પોલીસનું કહેવું છે કે રામેન સિંહ પહેલાથી બિમાર હતો અને તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

ઝારગ્રામ જિલ્લાના ચુનસોલે ગામમાં ગામલોકોને મોડી રાત્રે ભાજપના કાર્યકર્તાનો મૃતદેહ મળી આવ્યો હતો. ભાજપનો આરોપ છે કે તેમના કાર્યકર્તાની હત્યા માર મારીને કરી દેવામાં આવી છે.

ટીએમસી કાર્યકર્તાની પણ હત્યા
ઝારગ્રામમાં ભાજપના કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે, ત્યારે મરધારાના કાંઠીમાં ટીએમસી કાર્યકર્તાને મારવામાં આવ્યો છે. ટીએમસીના સુધાકર મૈતી રવિવાર રાત્રીથી જ ગાયબ હતા, પરંતુ તેમનો મૃતદેહ મળ્યો છે. જણાવાય રહ્યું છે કે મોડી રાત્રે તેઓ કોઇ સંબંધીને મળવા જઇ રહ્યા હતા પરંતુ તેઓ પરત ન આવ્યા. જોકે આ હત્યા ક્યારે, કેવી રીતે અને કોણે કરી છે તેની પૂછપરછ હજુ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here