7 વર્ષની નંદની બ્રેઈન ડેડ થતાં હાર્ટ, લંગ્સ, કિડની, ચક્ષુ અને લિવરનું દાન કર્યું

0
21

વડોદરાની સવિતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરવામાં આવેલી હાલોલની કિશોરીનું હાર્ટ, ફેફસા, બે કિડની, બે ચક્ષુ અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. હાર્ટ દિલ્હી અને ફેફસા મુંબઇ હવાઇ માર્ગે પહોંચાડવા માટે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર કરીને હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિ.મી.નું અંતર 8 મિનિટમાં અંતર કાપીને અંગો હરણી વિમાની મથકે પહોંચાડ્યા હતા અને કિડની, ચક્ષુ અને લિવર પણ ગ્રીન કોરીડોર કરીને અમદાવાદ આઇ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા. એક સાથે 7 અંગોનું દાન કરવાનો વડોદરાનો આ પ્રથમ કિસ્સો છે.

મારી દીકરીના અંગદાનથી ગૌરવ અનુભવુ છું: માતા

કિશોરીની માતા ક્રિમાબહેન શાહે જણાવ્યું હતું કે, મારી ઇચ્છા હતી કે, મારા મૃત્યુ બાદ મારા શરીરના તમામ અવયવો દાન કરીશ. પરંતુ, એ ક્યારેય વિચાર્યું ન હતું કે, મારા જીવતાજીવ મારી દીકરી નંદનીના અંગોનું દાન મારે કરવાનો વખત આવશે. મારા મૃત્યુ બાદ મારા શરીરના અંગો દાન કરવાનું વિચાર્યું હતું. પરંતુ, મારા અંગો પહેલાં મારી દીકરીના અંગોનું દાન કરવાનો વખત આવ્યો, પરંતુ, મને ગૌરવ છે સાથે દીકરીની વિદાયનું દુઃખ પણ છે. મારા બે સંતાનોમાં નંદની મોટી દીકરી હતી. અને ધ્યેય મારો નાનો પુત્ર છે. મારી દીકરી મને અને તેના પિતાને અમારા પ્રાણથી પણ વધારે પ્યારી હતી. અને તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ કરતા હતા. તે જણાવતી હતી કે, હું ધોરણ-12માં પણ સારા ટકાએ પાસ થઇશ, પરંતુ, હું મેકઅપ આર્ટીસ્ટ બનીશ. તેમ જણાવી પતિના ખભા ઉપર માથું મુકી હૈયાફાટ રૂદન કરતી માતા અને પિતાએ દીકરીના અંગોને હોસ્પિટલમાંથી વિદાય આપી હતી.

તબીબોને બુધવારે સાંજે 5 વાગે કિશોરીને બ્રેઇનડેડ જાહેર કરી

હાલોલ-ગોધરા રોડ પર આવેલી સનસિટી સોસાયટીમાં નિરજભાઇ શાહ અને ક્રિમાબહેન શાહની 17 વર્ષની મોટી દીકરી નંદનીની તા.18 ડિસેમ્બરની રાત્રે તબિયત ખરાબ થઇ ગઇ હતી. માતા-પિતા તુરંત જ દીકરીને હાલોલની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે વડોદરા વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તા પાસે આવેલી સવિતા હોસ્પિટલમાં લઇ આવી હતી. જ્યાં તબીબો તેને બચાવી લેવા માટે અથાગ પ્રયત્નો કર્યાં હતા, પરંતુ, આખરે તબીબોને બુધવારે સાંજે 5 વાગે નંદનીને બ્રેઇનડેડ જાહેર કરવાની ફરજ પડી હતી.

કિશોરીના માતા-પિતા પણ દીકરીના અંગોનું દાન કરવા માટે તૈયાર હતા

સવિતા હોસ્પિટલના વહીવટી વિભાગના ડો. તરંગ શર્માએ જણાવ્યું હતું કે, નંદનીને બ્રેઇનડેડ જાહેર કર્યા બાદ હોસ્પિટલની કાઉન્સેલિંગ કરતી ટીમ દ્વારા નંદનીના માતા-પિતાને નંદનીના અંગોનું દાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. નંદનીના માતા-પિતા પણ દીકરીના અંગોનું દાન કરવા માટે તૈયાર હતા. જેથી હોસ્પિટલની ટીમ દ્વારા અંગો સમયસર યોગ્ય સ્થળે પહોંચી જાય તે માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

દિલ્હી એઇમ્સની ટીમ હાર્ટ માટે, મુંબઇની ફોર્ટીંસ હોસ્પિટલની ટીમ ફેફસા માટે વડોદરા આવી પહોંચી

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે સવારે દિલ્હી એઇમ્સની ટીમ હાર્ટ માટે, મુંબઇની ફોર્ટીંસ હોસ્પિટલની ટીમ ફેફસા માટે વડોદરા આવી પહોંચી હતી. અને નંદીનીના શરીરમાં સર્જરી કરીને હાર્ટ અને લગ્સ સહી સલામત બહાર કાઢ્યા હતા. તેજ રીતે કિડની, ચક્ષુ અને લિવર માટેની અલગ-અલગ ટીમો દ્વારા આ અંગો કાઢવામાં આવ્યા હતા. અને તે અંગો સમયસર યોગ્ય સ્થળે પહોંચાડવામાં આવ્યા છે.

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્રની મદદ લેવાઈ હતી

ડો. તરંગ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, હાર્ટ હરણી વિમાની મથકથી ઇન્ડિગો ફ્લાઇટમાં દિલ્હી એઇમ્સમાં મોકલવા માટે અને ફેફસા મુંબઇ ફોર્ટીસ હોસ્પિટલમાં પહોંચાડવા માટે ચાર્ટર પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે કિડની, લિવર અને ચક્ષુ બાય રોડ દ્વારા અમદાવાદ આઇ.કે.ડી. હોસ્પિટલમાં પહોંચાડવાના હતા. અંગો પહોંચાડવા માટે માર્ગમાં કોઇ અવરોધ ઉભો ન થાય તે માટે શહેર ટ્રાફિક પોલીસ તંત્રની મદદ લેવામાં આવી હતી.

હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિલો મીટર અંતર 8 મિનીટમાં કાપીને હાર્ટ અને લંગ્સ પહોંચાડ્યા

વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કોરીડોર કરી હોસ્પિટલથી હરણી એરપોર્ટ સુધીનું 6.8 કિલો મીટર અંતર 8 મિનીટમાં કાપીને હાર્ટ અને લંગ્સ પહોંચાડવામાં આવ્યા હતા. તેજ રીતે કિડની, ચક્ષુ અને લિવર હોસ્પિટલથી અમદાવાદ પહોંચાડવામાં આવ્યા હતા. વડોદરાની હોસ્પિટલથી અમદાવાદ આઇ.કે.ડી. સુધીનું 130 કિ.મી.નું અંતર ગણતરીની મિનિટોમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં શહેર પોલીસ તંત્રના એ.એસ.આઇ. રમેશભાઇ, એ.એસ.આઇ. વિજયભાઇ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ, ડ્રાઇવર રફીકભાઇ અને પ્રજ્ઞેશભાઇ જોડાયા હતા.

પરિવારે મૃત્યુ બાદ અંગદાન કરવાની અપીલ કરી

પિતા નિરજભાઇ શાહે જણાવ્યું હતું કે, અમારી દીકરી નંદની એકાએક અમારી વચ્ચેથી વિદાય લેશે તેની અમોને સ્વપ્ને પણ ખબર ન હતી. ભલે અમારી દીકરી આજે અમારી પાસે સ્વદેહે નથી. પરંતુ, તેના અંગોનું જે વ્યક્તિઓમાં પ્રત્યાર્પણ થશે એટલે અમને આનંદ થશે કે, અમારી દીકરી આ ધરતી ઉપર છે. અમારી દીકરીનું હાર્ટ, લંગ્સ, કીડની, આંખો તેમજ લિવર બીજાને કામ લાગવાથી અમે ગૌરવ અનુભવીએ છે. અમારી સમાજને અપીલ છે કે, સમાજમાં ભલે જીવતા જીવ કોઇને કામ આવીએ કે ન આવીએ, પરંતુ, મૃત્યુ બાદ આપણા અંગોનું દાન કરીને કોઇને કામ આવીએ તેવું કરવું જોઇએ.

માતા-પિતાના હૈયાફાટ રૂદને હોસ્પિટલમાં પણ સન્નાટો પાથરી દીધો

નંદનીની એક પછી અંગોની હોસ્પિટલમાંથી લઇ જવામાં આવ્યા ત્યારે માતા-પિતા પોતાના આંસુ રોકી શક્યા ન હતા. માતા-પિતાના હૈયાફાટ રૂદને હોસ્પિટલમાં પણ સન્નાટો પાથરી દીધો હતો. સવિતા હોસ્પિટલની નર્સો દીકરીના વિલાપ કરી રહેલા માતા-પિતાને સાંત્વન આપવા માટે દોડી ગયા હતા. અને માતા-પિતાને હિંમત રાખવા માટે જણાવી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here