ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં 70 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તેમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 129.45 મીટર થઇ છે. કેનાલમાં પાણી છોડવા સીએચપીએચ ચાલુ રખાયા છે. નર્મદા ડેમનું રીવરબેડ પાવરહાઉસ બંધ કરાયું છે.
CHPH પાવરહાઉસના ત્રણ ટર્બાઇન ચાલુ થતા વીજ ઉત્પાદન થઇ રહ્યું છે. જેમાં 19,812 ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવ્યું છે. નર્મદા બંધના ઉપરવાસમાંથી 15,630 ક્યુસેક પાણીની આવક થઇ છે. નર્મદા નદીમાં પાણી છોડવાનું બંધ કરાતા એકતા ક્રૂઝ બોટ બંધ કરવામાં આવી છે. નર્મદા ડેમમાં 3096.20 એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણી છે. હાલ કેનાલ હેડ (CHPH) પાવરહાઉસના ત્રણ ટર્બાઇન ચાલુ કરીને વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા, મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે. આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.