Saturday, April 20, 2024
Home72મો કાન ફેસ્ટિવલ આજથી, 9 વર્ષમાં પહેલી વાર એક પણ ભારતીય ફિલ્મ...
Array

72મો કાન ફેસ્ટિવલ આજથી, 9 વર્ષમાં પહેલી વાર એક પણ ભારતીય ફિલ્મ સ્પર્ધામાં નહીં

- Advertisement -

કાનઃ 1946થી શરૂ થયેલા કાન ફિલ્મ ફેસ્ટિવલને આ વર્ષે 72 વર્ષ પૂરાં થયાં છે. આ વખતે કાન ફિલ્મ ફેસ્ટિવલ 14 મેથી શરૂ થઈને 25 મે સુધી ચાલશે. જેમાં વિશ્વભરની 21 ફિલ્મ્સ વચ્ચે સ્પર્ધા જામશે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મ્સ તથા સ્ટાર્સના જમાવડાની વચ્ચે બોલિવૂડ સેલેબ્સની સાથે ફિલ્મ્સની દાવેદારી પણ દર વર્ષે વધતી જતી હોય છે. જોકે, નવ વર્ષમાં પહેલી જ વાર એક પણ ભારતીય ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલની એક પણ કેટેગરી માટે પસંદ થઈ નથી.

કાન 2019માં ભારતનું પ્રતિનિધિત્વ

ઈન્ડિયન પેવેલિયન સિવાય આ વખતે અનેક બોલિવૂડ એક્ટ્રેસ ફેશન બ્રાન્ડ્સના પ્રમોશન માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે. જેમાં ઐશ્વર્યા રાય, દીપિકા પાદુકોણ, સોનમ કપૂર, કંગના રનૌત, હુમા કુરૈશીનો સમાવેશ થાય છે. તો ટીવી એક્ટ્રેસ હિના ખાન રેડ કાર્પેટ પર ડેબ્યૂ કરવાની છે. દીપિકા 16 મે, ઐશ્વર્યા રાય 19 મેએ આવે તેવી શક્યતા છે. સોનમ કપૂર 20-21 મેએ આવશે. તો હુમા પણ 19-20 મેએ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે.

એક પણ ભારતીય ફિલ્મ નથી

કાન ફિલ્મ ફેસ્ટિવલની ‘પામ ડી ઓર’, ‘અન સર્ટેન રિગાર્ડ’, ‘કેમરા ડી ઓર’, ‘શોર્ટ ફિલ્મ’ જેવી કેટેગરીમાં એક પણ ભારતીય ફિલ્મને સ્થાન મળ્યું નથી. 9 વર્ષમાં આ પહેલી વાર બન્યું છે કે રેડ કાર્પેટ પર બોલિવૂડ સેલેબ્સ તો હશે પણ સ્પર્ધામાં ભારતીય ફિલ્મ જ નહીં હોય. જોકે, સત્યજીત રેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ કોલકાતાના ત્રણ પૂર્વ વિદ્યાર્થીઓની શોર્ટ ફિલ્મ, ઈન્ડિયન અમેરિકન શૅફ વિકાસ ખન્નાની ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’ ભારતની હાજરી જાળવી રાખશે. નાગપુરી ફિલ્મ ‘ફુલમનિયા’ તથા લોહરદગા’નું સ્ક્રીનિંગ 15 મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં યોજાશે.

ભારતની આ ફિલ્મ્સ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિવિધ કેટેગરીમાં આવી હતી

  • 2010 ઉડાન (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)
  • 2011 ધ ગ્રેટેસ્ટ લવ સ્ટોરી એવર ટોલ્ડ
  • 2012 મિસ લવલી (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)
  • 2013 મોનસૂન શૂટઆઉટ (આઉટ ઓફ કોમ્પિટિશનમાં)
  • 2013 બોમ્બે ટોકિઝ (સ્પેશિયલ સ્ક્રીનિંગ)
  • 2014 તિતલી (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)
  • 2015 મસાન અને ચૌથી કૂટ (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)
  • 2016 ગૂઢ (સિને ફાઉન્ડેશન)
  • 2017 આફ્ટરનૂન ક્લાઉડ્સ (સિને ફાઉન્ડેશન)
  • 2018 મંટો (અન સર્ટેન રિગાર્ડ કેટેગરી)
53 ફિલ્મ્સ પ્રદર્શિત થશે

14 મેના રોજ ફેસ્ટિવલની શરૂઆત અમેરિકન ઝોમ્બી કોમેડી ફિલ્મ ‘ધ ડેટ ડોન્ટ ડાય’થી થશે. આ ફિલ્મના ડિરેક્ટર જીમ જાર્મુશ છે. અંતિમ દિવસે એટલે કે 25 મેના રોજ ફ્રેંચ કોમેડી ફિલ્મ ‘ધ સ્પેશિયલ’નું પ્રીમિયર યોજાશે. આ ફિલ્મનું ડિરેક્શન ઓલિવિયર નકેશે તથા એરિક ટોલેડાનોએ કર્યું છે. આ વખતે ફેસ્ટિવલમાં 21 ફિલ્મ્સ વચ્ચે સ્પર્ધા યોજાશે. જેમાં 18 ફિલ્મ ‘અનસર્ટેન રિગાર્ડ’ કેટેગરીમાં તથા 14 શોર્ટ ફિલ્મ્સનો સમાવેશ થાય છે.

કાન ફિલ્મ ફેસ્ટિવલના ઓફિશિયલ એવોર્ડ્સ

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષના ઓફિશિયલ એવોર્ડ્સ પણ ખાસ છે. ‘પામ ડી ઓર એવોર્ડ’ ફ્રેંચ એક્ટર એલન ડેલનને આપવામાં આવશે. સ્વતંત્ર એવોર્ડ કેટેગરીનો ‘ડિરેક્ટર્સ ફોર્ટનાઈટ એવોર્ડ’ અમેરિકન ફિલ્મમેકર જ્હોન કાર્પેન્ટરને આપવામાં આવશે. તો ‘પિયરે એન્ઝેનેક્સ એક્સલન્સ ઈન સિનેમેટોગ્રાફી’ના એવોર્ડ માટે ફ્રેન્ચ સિનેમેટોગ્રાફર બ્રૂનો ડેલબોનલની પસંદગી કરવામાં આવી છે.

સતત પાંચ વર્ષથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જોવા મળે છે

સેલિબ્રિટી શૅફથી ફિલ્મમેકર બનેલા ભારતીય મૂળના વિકાસ ખન્ના પણ કાન ફિલ્મ ફેસ્ટિવલના પહેલાં દિવસે રેડ કાર્પેટ પર જોવા મળશે. વિકાસ 2015થી સતત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લે છે. તે ઓસ્કર વિનર જૂલિયન મૂરની સાથે ‘લાઈફ થ્રૂ અ ડિફરન્ટ લેન્સ’ વિષય પર માસ્ટર ક્લાસ લેશે. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં વિકાસની ડિરેક્ટર તરીકે ડેબ્યૂ ફિલ્મ ‘ધ લાસ્ટ કલર’નું સ્ક્રીનિંગ યોજાશે. જે 16મેના રોજ ‘મર્ચે ડૂ ફિલ્મ સેક્શન’માં થશે.

https://www.instagram.com/p/BxXZFvTByx-/?utm_source=ig_embed

આ કારણે કાર્પેટ ‘રેડ’ હોય છે

રેડ કાર્પેટ થિયરીની શરૂઆત ઈ.સ. 1922માં સિડ ગ્રોમેને કરી હતી. મૂવી પ્રીમિયર માટે રેડ કાર્પેટ પાથરવાની પ્રથા આજે પણ જોવા મળે છે. માનવામાં આવે છે કે પહેલાં કલર કોમ્બિનેશન જેવી વસ્તુઓ જાણીતી નહોતી. માત્ર લાલ રંગ સરળતાથી મળતો હતો. આથી જ કાર્પેટને લાલ રંગ આપવામાં આવ્યો હતો.

એક અન્ય ઘટના પ્રમાણે, આજથી ત્રણ હજાર વર્ષ પૂર્વે ખેલાયેલા ટ્રોજન યુદ્ધ બાદ જ્યારે સૈનિકો ઘરે પરત ફર્યા ત્યારે પરિવારે રેડ કાર્પેટ પાથરીને તેમને સન્માનિત કર્યાં હતા. આથી જ કાર્પેટમાં લાલ રંગનું મહત્ત્વ વધારે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular