રાજકોટ. પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી આપવાના બહાને પોસ્ટ ઓફિસના કર્મચારીએ જ 75 લાખનું કૌભાંડ આચર્યું છે. આથી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા દિપક મુંગટભાઇ ભટ્ટની ધરપકડ કરી છે. દિપક ભટ્ટ મેંદરડાના દાત્રાણાની પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવે છે. તેણે જૂનાગઢ અને રાજકોટના 50થી વધુ લોકો સાથે છેતરપિંડી કરી 75 લાખ રૂપિયા પડાવી લીધા છે. સૌરાષ્ટ્રના નોકરી મેળવવા માગતા યુવાનોને ટાર્ગેટ બનાવતો હતો. પોસ્ટ ડિપાર્ટમેન્ટના લેટર પેડ પર ડમી ઓર્ડર અને એક લાખ રૂપિયા રોકડા પોલીસે કબ્જે કર્યા છે.
પોલીસે સામાન્ય નાગરિકની જેમ વેશ પલ્ટો કરી આરોપીની ધરપકડ કરી
આરોપી દિપક નોકરી ઇચ્છુક લોકોને પોસ્ટ વિભાગમાં કાયમી નોકરી અપાવી દેવા કાયમી ઓર્ડર આપવાના બહાને વિશ્વાસમાં લઇ પૈસા પડાવતો હતો. આથી ભોગ બનનારે પોલીસને જાણ કરી દેતા દિપક આજે ભોગ બનનારના ઘરે પૈસા લેવા આવ્યો હતો. પરંતુ પોલીસે સામાન્ય નાગરિકની જેમ વેશ પલ્ટો કરી દિપકને રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસે ઉમેદવારના અસલ તથા ઝેરોક્ષ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ સાઈઝના ફોટા તથા અલગ અલગ વ્યક્તિના નામના પોસ્ટ ડિપાર્ટમેન્ટના લેટર પેડ પરના ડમી ઓર્ડરો અને 1 લાખ રોકડ રકમ કબ્જે કરી હતી.