અમદાવાદઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે એનસીપીમાં જોડાયા છે. એનસીપીના વડા શરદ પવારની હાજરીમાં પાર્ટીમાં જોડાયા બાદ 78 વર્ષીય શંકરસિંહને જનરલ સેક્રેટરીની જવાબદારી સોંપાઈ હતી. 50 વર્ષની રાજકીય કરિયરમાં શંકરસિંહ વાઘેલા પાંચમી પાર્ટીમાં જોડાઈ રાજકીય અસ્તિત્વ બચાવવા પ્રયાસો કરી રહ્યા છે . આ પહેલાં તેઓ ભાજપ, રાજપા, કોંગ્રેસ અને જનવિકલ્પ પાર્ટીના નામે ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ રોલ નિભાવી ચૂક્યા છે.
ભાજપ-કોંગ્રેસમાં બળવો કરી અલગ-અલગ પાર્ટીઓ બનાવી
1969માં ભારતીય જનસંઘ(ભાજપ)માં જોડાયા
શંકરસિંહ વાઘેલાનો જન્મ 21 જુલાઇ 1940ના રોજ ગાંધીનગરના વાસણા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો. ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ આર્ટ્સમાં અનુ સ્નાતક થયેલા બાપુએ વર્ષ 1964માં આરએસએસ અને ત્યાર બાદ 1969માં ભારતીય જનસંઘ(ભાજપ)માં જોડાયા હતા.
મુખ્યમંત્રીથી લઈ વિધાનસભામાં નેતા વિપક્ષ સુધીની સફર
શંકરસિંહ 1977, 1989, 1991, 1999, 2004 એમ પાંચવાર લોકસભાના સાંસદ અને 1984માં રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે. તેમજ 1996માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. તેમજ 13મી વિધાનસભામાં નેતા વિપક્ષની જવાબદારી પણ સંભાળી હતી.
ગત વિધાનસભા ચૂંટણીમાં શંકરસિંહની પાર્ટીનો એક ઉમેદવાર જીત્યો નહીં
1996માં ભાજપમાં બળવો કર્યો બાદ શંકરસિંહે રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી. ત્યાર બાદ બાપુએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં બળવો કર્યો હતો. ત્યાર બાદ તેમણે ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં જનવિકલ્પ પાર્ટી બનાવી 100 ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. પરંતુ એકપણ ઉમેદવાર જીતી શક્યો નહોતો. જોકે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે શંકરસિંહ એનસીપીમાં જોડાઈ ગયા છે.