અમદાવાદ : કર્ણાવતી ક્લબના સીઈઓ અને પ્રમુખ સહિત 8 કોરોના પોઝિટિવ, શુક્રવાર સુધી ક્લબની ઓફિસ બંધ, એક્ટિવિટી ચાલુ.

0
3

કર્ણાવતી ક્લબના સીઈઓ અને પ્રમુખ સહિત 8 કોરોના પોઝિટિવ આવતાં શુક્રવાર સુધી ક્લબની ઓફિસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ 8 સભ્યો પોઝિટિવ હોવા છતાં ક્લબના અન્ય સભ્યોને રવિવાર સુધી તેની જાણ કરવામાં આવી ન હતી.

ક્લબના કર્મચારીઓમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવના કેસ કાબુમાં ન આવતા અંતે ક્લબની ઓફિસને સાત દિવસ સુધી બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ક્લબના 15 હજાર જેટલા સભ્યોને આ અંગે અઠવાડિયા સુધી જાણ કરવામાં આવી ન હોતી. ક્લબમાં ધીરે ધીરે તમામ એક્ટિવિટી શરૂ કરી દેવામાં આવી છે. છેલ્લે કાર્ડ રૂમ પણ ઓપન કરી દેવામાં આવ્યું છે. ક્લબમાં નાની-મોટી ઉંમરના લોકો આવતા હોય છે પરંતુ મેમ્બરોથી કોવિડના કેસ સંતાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ક્લબના પ્રેસિડન્ટ એન.જી. પટેલ અને વાઇસ પ્રેસિડન્ટ જ્યેશ મોદી કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ ક્લબના સીઈઓ, મેનેજર, કેશિયર અને સ્ટાફ કોરોના પોઝિટિવ બન્યા છે. સેક્રેટરી કેતન પટેલે જણાવ્યું કે, સ્ટાફમાં 3થી 4 કેસ આવ્યા છે. જેથી નિયમ પ્રમાણે અમે ઓફિસને 7 દિવસ સુધી બંધ કરાઈ છે. શનિવારે સ્ટાફનો કોરોના ટેસ્ટ કરાવીને પછી જોબ પર પરત આવવા કહેવાયું છે. મેમ્બર માટે તમામ એક્ટિવિટી ચાલુ રાખવામાં આવી છે માત્ર કલબની એડમિનિસ્ટ્રેશન ઓફિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાના નવા 160 કેસ, ત્રણનાં મોત, 172ને હોસ્પિટલમાંથી રજા

શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 160 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 3 દર્દીના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત 172 દર્દીઓને હોસ્પિટલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, શહેરમાં કુલ 2969 એક્ટિવ છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં પણ 18 કેસ નોંધાયા હતા. તેમજ 22 દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા.

વસ્ત્રાપુરમાં કાચા લાઈસન્સના ટેસ્ટ માટે આવેલા ચાર પોઝિટિવ

વસ્ત્રાપુરની ડબલ્યુઆઇએએમાં કાચા લાઇસન્સની કામગીરી ચાલે છે. સોમવારે કોર્પોરેશનની ટીમે સ્થળ કોરોના ટેસ્ટિંગની કામગીરી કરી હતી. જેમાં 60થી વધુ અરજદારોના ટેસ્ટ કરવામાં આવતાં ચાર પોઝિટિવ આવતા તેઓને ટેસ્ટ આપ્યા વગર પરત મોકલાયા હતા. કચેરીના અધિકારીએ કહ્યું કે, માસ્ક પહેરવા માટે વારંવાર સૂચના આપીએ છે. પરંતુ અરજદારો માનતા નથી.

શિક્ષકોને કોરોનાની ડ્યૂટીથી રોષ

મ્યુનિ. સ્કૂલના અમુક શિક્ષકોને વારંવાર કોરોનાની કામગીરીમાં ઓર્ડર કરાતા હોવાથી શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોનો આક્ષેપ છે કે અમુક શિક્ષકોને કોરોના મહામારીમાં 60 કરતા વધુ દિવસોની કામગીરી અપાઇ છે. જ્યારે કે તેની સામે અમુક શિક્ષકોને માત્ર ગણતરીના દિવસોની કામગીરી અપાય છે. અધિકારીઓ સાથે સારા સંબંધ હોય તેવા શિક્ષકોને કોરોનાની કામગીરીથી દૂર રાખવામાં આવે છે.

શિક્ષકોને વોટ્સએપથી ઓર્ડર

કોરોનાની કામગીરી કરવાનો ઓર્ડર શાસનાધિકારી દ્વારા કરાય છે. પરંતુ દરેક ઝોનમાં સુપરવાઇઝરની દાદાગીરી એટલી છે કે સુપરવાઇઝર માત્ર વોટ્સએપ દ્વારા જ શિક્ષકોને ઓર્ડર કરે છે. લેખિત ઓર્ડર વગર શિક્ષક જો કોરોનાગ્રસ્ત થાય તો તેની સારવારની જવાબદારી કોની રહે તે શિક્ષકોને મૂંઝવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here