રાજકોટ : 24 કલાકમાં 8ના મોત, કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6400ને પાર, 990 સારવાર હેઠળ

0
6

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં 24 કલાકમાં 8ના મોત થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં 6407 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 990 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ મનપાના જાહેર કરેલા આંક મુજબ અત્યાર સુધીમાં પોઝિટિવ જેટલા પણ દર્દીનાં મોત થયા છે, તેમાં ખરેખર કોવિડ કારણભૂત હોય તેવા 103 જ મોત થયા છે. જિલ્લામાં તો આ આંક તેના કરતા પણ ઓછો છે. દરરોજ જે પણ મોત થઈ રહ્યાં છે તે આંક 10થી 20ની વચ્ચે હોય છે, પણ દરરોજ કોવિડથી મોત હોય તેવી સંખ્યા 1 જ રહે છે.

રાજકોટના એન્ટ્રી પોઇન્ટ પર અને શહેરમાં કોરોનાને લઈ સઘન ચેકિંગ
રાજકોટમાં કોરોના બેકાબૂ બન્યો હોવાથી આજથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રાજકોટના એન્ટ્રી પોઈન્ટ પર બહારથી આવતા લોકોનું ચેકિંગ કરી જરૂર લાગે તેવા લોકોને હોમ આઈસોલેશન અને હોસ્પિટલ ખસેડાશે, તેમજ ઘરે ઘરે 1031 ટીમ ફરી ઓક્સિજન અને ટેમ્પરેચર ચેક કરશે.

60 વર્ષથી વધુ વયના દર્દીઓમાં પણ રિકવરી રેટ વધ્યો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી એક જ દિવસમાં 60 વર્ષથી વધુની ઉંમરના તેમજ કો-મોર્બિડીટી ધરાવતા 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ ઉપરાંત 84 વર્ષ સુધીના દર્દીઓ પણ રિકવર થઈ ગયા છે. કોરોના સૌથી વધુ વૃધ્ધો પર અસર કરે છે અને મૃત્યુ દર પણ તેમાં જ વધારે હોય છે ત્યારે રાજકોટ સિવિલમાં મૃત્યુ દર ઘટ્યો છે તેની પાછળ વૃદ્ધોને રિકવરી કરવામાં મળેલી સફળતા છે. સિવિલમાં ખાસ મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઈ છે અને તબીબો તેમજ નર્સિંગ સ્ટાફ ઉપરાંત 150 અટેન્ડન્ટ ટીમ તૈનાત રહે છે અને નજર રાખે છે અને પ્રોટોકોલ મુજબની સારવારને કારણે રિકવરી રેટ વધ્યો છે.

5 જિલ્લામાં 144 કેસ, 18 દર્દીના મોત
મોરબી જિલ્લામાં શુક્રવારે વધુ 20 કેસ પોઝિટિવ આવ્યા હતા અને ત્રણ દર્દીના મોત થયા હતા પરંતુ તંત્રએ તેની જાહેરાત કરી નથી. બીજી તરફ જામનગર શહેરમાં 64 અને ગ્રામ્યમાં 21 લોકો સંક્રમિત બન્યા છે અને વધુ 15 દર્દીના મોત થયા છે. જુનાગઢમાં 27 કેસ, પોરબંદરમાં 2 અને ગીર સોમનાથમાં 10 કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here