કૃષિકાયદાનો વિરોધ : ખેડૂતોને મનાવવા માટે 8 કેન્દ્રીય મંત્રી આજે પંજાબની મુલાકાત લેશે, મંત્રીઓમાં હરદીપ પુરી, સ્મૃતિ ઈરાની પણ સામેલ

0
6

નવા કૃષિકાયદા વિરુદ્ધ ભડકેલો આક્રોશ શાંત કરવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતોને મનાવવાનું શરૂ કર્યું છે. આ માટે સરકારે આઠ કેન્દ્રીય મંત્રીઓ હરદીપ પુરી, સ્મૃતિ ઈરાની, અનુરાગ ઠાકુર, સંજીવ બાલ્યાન, સોમ પ્રકાશ, ગજેન્દ્રસિંહ શેખાવત, જિતેન્દ્રસિંહ અને કૈલાશ ચૌધરીને જવાબદારી સોંપી છે. ભાજપના મહાસચિવ તરુણ ચુધે આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે, અમારી ફરજ છે કે જેમને ગુમરાહ કરાઈ રહ્યા છે તેમને અમે કાયદાનો સાર શું છે એ જણાવીએ.

ભાજપનાં સૂત્રોના જણાવ્યાનુસાર, આ મંત્રીઓ 13થી 20 ઓક્ટોબર સુધી પંજાબના જુદા જુદા વિસ્તારોમાં જશે અને ખેડૂતો, ખેડૂત નેતાઓ, કૃષિ વિજ્ઞાનીઓને મળશે. આ નેતાઓ તેમને જણાવશે કે, કૃષિકાયદા કેવી રીતે ખેડૂતોના હિતમાં છે. તમામ મંત્રીઓ પહેલાં અમૃતસરથી મોહાલી જશે. પુરી 13 ઓક્ટોબરે અમૃતસરમાં ખેડૂતો સાથે વાત કરશે. ટેક્સ્ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની 15 ઓક્ટોબરે ભટિન્ડા અને ફરીદકોટ જશે, જ્યારે ઠાકુર 16 ઓક્ટોબરે મોગા અને લુધિયાણામાં કૃષિ વિજ્ઞાનીઓને સંબોધિત કરશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ કોંગ્રેસના ટ્રેક્ટર આંદોલન પર વ્યંગ કરતા કહ્યું કે, સેવન સ્ટાર ટ્રેક્ટરની સવારી કરનારા ખેડૂતોનું દર્દ ક્યારેય સમજી નહીં શકે.

કર્ણાટક કોંગ્રેસ બે કરોડ હસ્તાક્ષર કરાવશે, રાજસ્થાન-છત્તીસગઢ સરકારની વિશેષ સત્ર

નવા કૃષિકાયદા વિરુદ્ધ કોંગ્રેસ પોતાના આંદોલનનું વિસ્તરણ પંજાબ-હરિયાણાથી બહાર પણ કરશે. તે કર્ણાટકમાં આ કાયદા વિરુદ્ધ એક અભિયાન શરૂ કરીને બે કરોડ લોકોના હસ્તાક્ષર કરાવશે. કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડી.કે. શિવકુમારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર ખેડૂત આંદોલન કચડવા માંગે છે. ખેડૂતોના સમર્થનમાં પક્ષ અધ્યક્ષ સોનિયા ગાંધી અને સાંસદ રાહુલ ગાંધી આવતા મહિને બેંગલુરુની મુલાકાત લેશે. સૂત્રોના જણાવ્યાનુસાર, કોંગ્રેસશાસિત રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢની સરકારો વિશેષ સત્ર બોલાવીને કેન્દ્રના કૃષિકાયદા વિરુદ્ધ બિલ લાવવાની તૈયારી કરી રહી છે.

નવા કૃષિકાયદા અંગે સુપ્રીમકોર્ટની કેન્દ્રને નોટિસ, જવાબ માંગ્યો

ત્રણ નવા કૃષિકાયદાની બંધારણીય કાયદેસરતાને પડકારતી અનેક અરજી પર સુપ્રીમકોર્ટે સોમવારે કેન્દ્રને નોટિસ પાઠવી હતી. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠે કેન્દ્રને ચાર અઠવાડિયાંની અંદર જવાબ આપવાનું કહ્યું છે. આ મામલામાં રાજદના રાજ્યસભાના સભ્ય મનોજ ઝા, કેરળના કોંગ્રેસના સાંસદ ટી.એન. પ્રતાપન, તમિલનાડુના ડીએમકેના રાજ્યસભાના સભ્ય તિરુચી શિવા અને રાકેશ વૈષ્ણવે અરજી દાખલ કરી હતી.

દિલ્હીમાં આપનાં ધરણાં, કેજરીવાલે પણ ભાગ લીધો

દિલ્હીમાં જંતરમંતર પર નવા કૃષિકાયદા વિરુદ્ધ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધરણાં કર્યાં હતાં જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here