મંદિર અનલોક : 89 દિવસ બાદ આજથી બહુચર માતાજીનાં મંદિરો ખુલશે, પણ ભક્તો આરતીમાં ભાગ નહીં લઇ શકે

0
6

બહુચરાજી. તીર્થધામ બહુચરાજી અને શંખલપુરમાં આવેલાં બહુચર માતાજીનાં મંદિરો 89 દિવસ બાદ સોમવારથી સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઇઝેશનની વ્યવસ્થા સાથે દર્શન માટે ખુલ્લાં મૂકાશે. પરંતુ શ્રદ્ધાળુઓ માત્ર દર્શનનો લાભ લઇ શકશે, ચૌલક્રિયા સહિતની ધાર્મિક વિધિ નહીં કરી શકે. આરતીમાં પણ ભાગ નહીં લઇ શકે. ઓનલાઇન દર્શનની સુવિધા શરૂ કરાઇ છે.

કોરોના મહામારીને લઇ અપાયેલા લોકડાઉનના કારણે 22 માર્ચથી બંધ બહુચરાજી સ્થિત બહુચર માતાજીનું મંદિર સોમવારથી ખુલ્લુ મુકાશે. મંદિરમાં સવારે 8થી 12 અને બપોરે 2 થી 6 દરમિયાન દર્શન થઇ શકશે. પોલીસલાઈનની બાજુમાં ચૈત્રી પ્રવેશદ્વારથી હેન્ડવોસ અને થર્મલ સ્ક્રિનિંગ બાદ પ્રવેશ અપાશે અને બહાર નીકળવા દક્ષિણ દરવાજાનો ઉપયોગ કરવાનો રહેશે. પુરુષ અને મહિલાઓની અલગ અલગ લાઈન માટે બેરિકેટિંગ કરાઈ છે, મંદિરમાં શ્રીફળ, ચુંદડી જેવી કોઈપણ ચીજવસ્તુ અંદર લઇ જઇ શકાશે નહીં. ટેમ્પલ ટ્રસ્ટ સંચાલિત ભોજનાલય પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

શંખલપુરમાં સેનેટાઇઝ ટનલ બનાવાઇ
બહુચરાજીથી બે કિમીના અંતરે આવેલા શંખલપુર સ્થિત 5200 વર્ષ પ્રાચીન બહુચર માતાજીના આદ્યસ્થાનકનાં દ્વાર પણ સોમવારથી દર્શન માટે ખુલ્લાં મૂકાશે. અહીં સેનેટાઈઝર ટનલ બનાવાઇ છે. જેમાંથી પ્રવેશ પહેલાં પસાર થવાનું રહેશે. ટનલ યુવા અગ્રણી કિરીટભાઈ પટેલ દેવગઢે માના ચરણોમાં અર્પણ કરી છે. મંદિરના દ્વાર સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લાં રહેશે. આરતીમાં કોઈ ભાગ નહીં લઈ શકે. અન્નક્ષેત્ર પણ બંધ રહેશે તેમ ટોડા બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, મંત્રી અમૃતભાઈ પટેલ અને ટ્રસ્ટી મોહનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.