નવસારી : રાજ્યપાલની ઉપસ્થિતિમાં કૃષિયુનિવર્સિટીનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો

0
36

નવસારી : શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. વિદ્યાર્થી શીખવાનું અને ખેડૂત ખેતી કરવાનું છોડી દે તો એમની આવડત નષ્ટ પામે છે. જેથી વિદ્યાર્થીએ હંમેશા જીવનને ઉન્નત બનાવે તેવું નવું શીખતાં રહેવું જોઈએ. દિક્ષાંત એ શિક્ષાંત નથી. પદવી મેળવી એટલે શિક્ષણનું પૂર્ણવિરામ એમ ન સમજતાં પ્રાપ્ત કરેલા શિક્ષણથી સમાજને ઉપયોગી બનવાના કાર્યનો પ્રારંભ છે’, એમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૫મા પદવીદાન સમારોહ પ્રસંગે દિક્ષાંત પ્રવચન કરતાં જણાવ્યું હતું.

દિક્ષાંત એ શિક્ષાંત નથી, વિદ્યાર્થીએ હંમેશા શીખતાં રહેવું જોઈએ.: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે ઉત્પાદન વધારવાનું અને ખેતી ખર્ચ ઘટાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે : રાજ્યપાલશ્રી           

                  

નવયુવાનો કૃષિક્ષેત્રના જ્ઞાનને કાર્યાન્વિત કરી રાજ્યના કૃષિ વિકાસની નવી ઉંચાઈ

સર કરવામાં સહાયરૂપ બને : કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમાર

રાજ્યપાલ અને કૃષિમંત્રીના હસ્તે કૃષિ યુનિવર્સિટીના કુલ ૬૪૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ

કૃષિક્ષેત્રમાં કન્યાઓની ઉત્સાહજનક ભાગીદારી: ૧૨ વિદ્યાર્થીનીઓએ ૨૩ મેડલ મેળવ્યા

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૫મો પદવીદાન સમારોહ યોજાયો

રાજ્યપાલશ્રી, કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે વિશિષ્ટ યોગ્યતા પ્રાપ્ત કરનારા સ્નાતક કક્ષાના ૪૩૫ અને અનુસ્નાતક કક્ષાના ૧૮૮ અને ડોક્ટરેટના ૨૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૬૪૯ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. અને શિક્ષણ ક્ષેત્રે વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરનાર ૧૪ અનુસ્નાતક અને ૨૩ સ્નાતક મળી કુલ ૩૭ વિદ્યાર્થીઓને ગોલ્ડ અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલો એનાયત કરવામાં આવ્યા હતા. ૧૨ વિદ્યાર્થીનીઓએ ૨૩ મેડલ અને ૧૨ વિદ્યાર્થીઓએ ૧૪ મેડલ મેળવ્યા હતા.

રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીનકાળમાં ગુરૂકુળોમાં ગુરૂશિષ્યની પરંપરા હતી. ‘સત્યં વદ, ધર્મમ ચર:’એ એ ગુરૂમંત્ર હતો. સત્યવચન અને ધર્મનું આચરણ વિદ્યાર્થી અને તેની વિદ્યાને પૂર્ણ બનાવે છે. માનવતા એ સંસ્કારયુક્ત જીવનનું પગથીયું છે એમ જણાવી તેમણે ડોક્ટર, એન્જિનિયર, સી.એ., વકીલ, વૈજ્ઞાનિક બનવું પણ એ પહેલા ‘માનવ’ જરૂર બનવું એવી બૌદ્ધિક ટકોર કરી હતી.

પ્રાકૃતિક ખેતીના સ્વ-અનુભવો વર્ણવતાં રાજ્યપાલશ્રીએ કહ્યું કે, આજે ઝેરી રસાયણયુક્ત ખેતીથી જમીન, પાણી, પર્યાવરણ દૂષિત બન્યા છે, ત્યારે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે ઉત્પાદન વધારવાનું અને ખેતી ખર્ચ ઘટાડવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે દ્રઢપણે કહ્યું કે, આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી અપનાવ્યા વિના ખેડૂતોને ચાલશે નહિ. વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી પોતાના કૌશલ્યનો ઉપયોગ દેશના છેવાડાના ખેડૂત સુધી પહોંચાડી કૃષિસમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનું આહ્વાન કર્યું હતું. તેમણે વર્ષ ર૦રર સુધીમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવામાં કૃષિ યુનિવર્સિટી અને કૃષિ તજજ્ઞો મહત્વની ભૂમિકા અદા કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કૃષિ રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે,રાજ્યની ખેતીના વિકાસ માટે અનિવાર્ય એવા કૃષિ શિક્ષણ નો વ્યાપ વધે તે માટે નવસારી કૃષિ યુનિવર્સિટી હેઠળ રાજ્ય સરકાર પ્રેરિત દસ કોલેજો હાલ કાર્યરત છે. રાજ્ય સરકાર, ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, કૃષિયુનિવર્સિટીઓના સહિયારા પ્રયાસોથી બાગાયત ક્ષેત્રે રાજ્યમાં છેલ્લાં દોઢ દાયકા દરમિયાન વાવેતર વિસ્તાર અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થયો છે. ફળો અને શાકભાજી ના ઉત્પાદનમાં રાજ્યનું દેશભરમાં બીજું સ્થાન છે એમ જણાવી તેમણે નવયુવાનોને કૃષિક્ષેત્રમાં પોતાના જ્ઞાનને કાર્યાન્વિત કરી રાજ્ય અને દેશના વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જવા અનુરોધ કર્યો હતો.

સ્વાગત પ્રવચન કરતાં કુલપતિશ્રી સી. જે. ડાંગરીયાએ જણાવ્યું હતું કે, કૃષિ શિક્ષણના ક્ષેત્રમાં નવસારી કૃષિ યુનિવર્સિટી એ નવા આયામો સર કર્યા છે. યુનિવર્સિટીના કાર્યક્ષેત્ર હેઠળના ૧૫ સ્થળોએ ૨૫ સંશોધન કેન્દ્રો દ્વારા દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કૃષિ જરૂરિયાતો તેમજ કૃષિ ઉત્પાદકતા વધારવાના સઘનકાર્યો-સંશોધનો થઇ રહ્યા છે. દીક્ષાર્થી વિદ્યાર્થીઓને ભાવિ કારકિર્દીની શુભાકામનાઓ પાઠવતાં તેમણે કહ્યું કે, કોઈ પણ દેશનું ભવિષ્ય યુવાનોના હાથમાં રહેલું હોય છે. અહી પ્રાપ્ત કરેલા કૃષિ શિક્ષણ દ્વારા યુવાનો દેશના ખેડૂતોની કૃષિ પદ્ધતિઓમાં આમૂલ પરિવર્તન લાવશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

રાની લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ઝાંસી (યુ.પી.)ના કુલપતિશ્રી પ્રો. ડો. અરવિંદ કુમારે જણાવ્યું કે, દેશની ૫ ટકા વસ્તી ધરાવતા ગુજરાતનું નેશનલ જી.ડી.પી.માં ૭.૬ ટકા યોગદાન છે. ગુજરાતના વિકાસમાં આધુનિક કૃષિ પદ્ધતિઓ અને સંશોધનોનું પણ યોગદાન હોવાનું તેમણે કહ્યું હતું.

 

આ પ્રસંગે જિલ્લા કલેકટર આર્દ્રા અગ્રવાલ, એસ.પી. ડો. ગિરીશ પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી બિપીન ગર્ગ, યુનિ.ના રજિસ્ટ્રારશ્રી વી.એ. સોલંકી, વિવિધ ફેકલ્ટીના ડીન, પ્રાધ્યાપકો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here