રાજકોટ : 24 કલાકમાં 9ના મોત-46 કેસ પોઝિટિવ, રાજ્યસભા MP અભય ભારદ્વાજની તબિયત સ્થિર

0
4

રાજકોટમાં કોરોનાથી થતાં મોતની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. 24 કલાકમાં 9 દર્દીના મોત થયા છે. જ્યારે 46 કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 5812 પર પહોંચી છે. રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં 983 દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટમાં 168 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે 107 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. શહેરમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. જેથી લોકોએ હવે માસ્કને જ વેકસીન સમજવાની તાતી જરૂરિયાત છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની વિશેષ સારવાર માટે ગઈકાલે સાંજે 6 વાગ્યે સુરતથી ડૉ. સમીર ગામી સહિત તબીબોની ટીમ આવી હતી અને રાત્રે સાડા દસ વાગ્યે રાજકોટથી પ્લેનમાં સુરત જવા રવાના થઇ હતી. તેમણે રાજકોટ સિવિલમાં એક્મો સારવાર પર રહેલા અભય ભારદ્વાજનું તબીબી નિરીક્ષણ કર્યુ હતું. ટીમે અભય ભારદ્વાજ તબિયતમાં ઘણો સુધારો આવ્યો હોવાના સંકેત આપ્યો હતો.

સાંસદ ભારદ્વાજની તબિયત સ્થિર, હજુ 3 સપ્તાહ એક્મોના સહારે

રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભરદ્વાજની સારવાર માટે ફરી સુરતથી તબીબોની ખાસ ટીમ આવી હતી. જેમણે હાલ તબિયત સ્થિર હોવાથી હજુ 3 સપ્તાહ ધીરજ રાખવાનું ભારદ્વાજ પરિવારને કહ્યું છે. ભારદ્વાજને એક સપ્તાહ કરતા વધુ સમયથી એક્મો પર રાખવામાં આવ્યા છે. જેને કારણે લોહીમાં પણ અમુક સમસ્યાઓ ઊભી થઇ છે. આ કારણે સુરતના નિષ્ણાત ડો. સમીર ગામી ઉપરાંત લોહીના નિષ્ણાત તબીબ પણ આવ્યા હતાં, જેમણે કેટલીક દવાઓ લખી છે. તબીબની ટીમે એક્મો પરના સેટિંગ થોડા ઘટાડ્યા છે પણ ગમે ત્યારે ફરીથી વધારવા પડે તેવું પણ કહ્યું છે. સાંસદના ફેફસાં રિકવર ન થયા હોવાનો સ્પષ્ટ મત તેમણે આપ્યો છે જેથી આગામી 3 સપ્તાહ સુધી એક્મો પર જ રાખવામાં આવશે.

રાજકોટ જિલ્લામાં કોવિડથી થતા મૃત્યુઆંકમાં ઘટાડો
તારીખ મોતની સંખ્યા
25 સપ્ટેમ્બર 9
26 સપ્ટેમ્બર 15
25 સપ્ટેમ્બર 12
24 સપ્ટેમ્બર 16
23 સપ્ટેમ્બર 17
22 સપ્ટેમ્બર 19
21 સપ્ટેમ્બર 21
20 સપ્ટેમ્બર 21
19 સપ્ટેમ્બર 23
18 સપ્ટેમ્બર 25
17 સપ્ટેમ્બર 31
16 સપ્ટેમ્બર 26
15 સપ્ટેમ્બર 39
14 સપ્ટેમ્બર 31

 

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની પ્રખ્યાત ગરુડ ગરબી નહીં યોજાઈ

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટની સૌથી પ્રાચીન ગરુડની ગરબી આ વર્ષે નહીં યોજાઈ. જો સરકાર શેરી ગરબાઓને છૂટ આપશે, તો પણ આ વર્ષે ગરુડની ગરબી યોજાશે નહીં. 120 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એવુ બનશે કે આ ગરબી નહીં યોજાઈ. નવરાત્રિ દરમિયાન આ ગરબી જોવા માટે દરરોજ આશરે 10 હજાર જેટલા લોકો આવતા હોય છે. કોરોના સંક્રમણ વધુ ન ફેલાઈ તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.