Categories
સુરત

સુરત : કોરોનાની મંદી વચ્ચે રત્નકલાકારને મળેલું 9 લાખના હીરાનું પેકેટ મૂળ માલિક સુધી પહોંચાડ્યું

શહેરમાં કોરોના વાઈરસના લોકડાઉન પછી હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. રત્નકલાકારોની હાલ ખૂબ દયનિય સ્થિતમાં મુકાઈ ગઈ છે. તેમ છતાં ઈમાનદારી અને માનવતાના કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. રત્નકલાકારને મિની બજાર માનગઢ ચોક ખાતે આવેલા પ્રિન્સેસ પ્લાઝાના પાર્કિંગમાંથી મળેલા 30 કેરેટ હીરા તેના મૂળ માલિકને શોધીને પહોંચાડ્યાં છે. નવ લાખના હીરાનું પેકેટ રત્નકલાકારે પરત કરીને માવતાના દર્શન કરાવ્યાં છે. ખરાબ સ્થિતિમાં પણ કોઈના હક્કનું ખાવા કરતાં ભૂખ્યા રહેવાનું પસંદ કરવાની હિંમત સાથે રત્નકલાકારે કરેલા કાર્યની લોકો પ્રશંસા રહ્યાં છે. હીરાનો ઉદ્યોગ વિશ્વાસ પર ચાલતો હોવાથી ખોવાઈ ગયેલા હીરા પરત મેળવીને દલાલીનું કામ કરનારની આંખો પણ ખુશીના આંસૂથી છલકાઈ છે, કારણ કે હીરા ન મળે તો તેઓ મકાન વેચીને રૂપિયા ભરવા તૈયાર થયા હોય છે.

હીરા ગૂમ થનાર વ્યક્તિએ હીરા આપનારના ચરણ સ્પર્શ કરી લીધા હતાં.
(હીરા ગૂમ થનાર વ્યક્તિએ હીરા આપનારના ચરણ સ્પર્શ કરી લીધા હતાં.)

 

મહિને 10 હજાર કમાનારે 9 લાખના હીરા પરત કર્યા

કામરેજ નજીક આવેલી ઓપેરા સોસાયટીમાં રહેતા અને મિનીબજાર ખાતે ફોર પી મશીનમાં કામ કરતાં રાજુભાઈ બાવચંદભાઈ રાઠોડ મહિને 10થી 15 હજાર રૂપિયાની કમાણી કરે છે. ચારેક દિવસ અગાઉ તેમને હીરાનું પેકેટ મળ્યું હતું. અંદાજે નવ લાખની કિંમતના હીરાનું પેકેટ મળ્યું પરંતુ પોતાની માલિકીનું ન હોવાથી તેમણે ગજવે નાખવાની જગ્યાએ પરત કરવાનું વિચાર્યું હતું. મંદીના માહોલમાં પરિવારમાં બહેન ભાઈ સંતાનમાં બે દીકરીઓ સહિત સાત સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવું કઠિન હોવા છતાં રાજુભાઈ હીરા પરત કરવા માટે આગળ આવ્યાં હતાં. મૂળ માલિક સુધી હીરાનું પેકેટ પહોંચાડીને જાણે કોઈની વસ્તુ પરત કરીને તેનો બોજ હળવો કર્યાની ભાવના અનુભવતાં રાજુભાઈએ કહ્યું કે, આપણું હતું જ નહી તો રાખીને શું કામ એટલે પરત કરી દીધું.

હીરાની ચમકમાં અંજાયા વગર રત્નકલાકારે ઈમાનદારીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
(હીરાની ચમકમાં અંજાયા વગર રત્નકલાકારે ઈમાનદારીનું ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.)

 

હીરા ખોવાઈ જતા મકાન વેચવા મુકી દીધું હતું

હીરા ગૂમાવનાર અને હીરાની દલાલીનું કામ કરતાં હરેશભાઈ વિરડીયાએ કહ્યું હતું કે, 22મી તારીખે બજારમાં હતો. એ દરમિયાન એક પેમેન્ટ આવ્યું તેમાં ખીસ્સામાંથી તૈયાર પ્રિન્સેસના ત્રણ પેકેટ પ્લાસ્ટિકની ડબ્બી સાથે ખોવાઈ ગયા હતાં. અંદાજે આઠથી નવ લાખની કિંમતના હીરા ખોવાઈ જતાં બજારમાં બોર્ડ માર્યા અને સોશિયલ મીડિયામાં પણ જાહેરાત મૂકી હતી. બે ત્રણ દિવસ સુધી CCTV ચેક કર્યા પરંતુ કંઈ મળ્યું નહોતું. આશા છોડી દીધી હતી. મકાન વેચીને પણ રૂપિયા ભરવાની તૈયારી કરી દીધી હતી. પરિવારના સભ્યોમાં પત્ની અને દીકરી પણ ચિંતીત હતા ત્યાં રાજુભાઈનો ફોન આવ્યો અને મારૂં મકાન બચી ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *