રાજકોટમાં 99 કેસ-22નાં મોત, ST વિભાગમાં 10 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગોંડલમાં કુલ કેસની સંખ્યા 1 હજારને પાર

0
12

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં 99 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 22 લોકોના મોત નિપજ્યાં છે.ST ડેપોમાં 300થી વધુ કર્મચારીઓનું ટેસ્ટીંગ કરતાં 10 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. જ્યારે શહેરમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4249 પર પહોંચી ગઈ છે. જેમાંથી 2599ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. જ્યારે 1378 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટમાં ગુરૂવારે 61 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.

રાજકોટ જિલ્લામાં ગોંડલ તાલુકામાં સૌથી વધુ કેસ નોંધાયા

રાજકોટ જિલ્લામાં સૌથી વધુ કોરોના કેસ ધરાવતો તાલુકો ગોંડલ બન્યો છે. ગોંડલમાં કુલ કેસની સંખ્યા 1030 પર પહોંચી છે. જેમાં 606 ડિસ્ચાર્જ, 151 હોમ આઈસોલેટ અને 362 દર્દી સારવાર હેઠળ છે.

બોટાદ જિલ્લામાં આજે નવા 11 પોઝિટિવ કેસ નોંધાયા

બોટાદ જિલ્લામાં આજે નવા 11 કેસ નોંધાયા છે. જેમાં બોટાદ મહાદેવ રેસીડેન્સીમાંથી 1, પાંચપડામાંથી 2, ગીરીરાજ સોસાયટીમાંથી 1, રાંગળી શેરીમાંથી 1, તુરખા રોડ પરથી 1, પાળીયાદ રોડ પરથી 1, બોટાદ સાલૈયામાંથી 1, ઢસાથી 1 અને બરવાળામાંથી 2 પોઝિટિવ કેસ આવતા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે 11 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે.

ગુરૂવારે રાજકોટમાં 96 કેસ નોંધાયા હતા

રાજકોટમાં ગુરૂવારે 96 કેસ પોઝિટિવ નોંધાયા હતાં. જ્યારે 26નાં મોત નીપજ્યાં હતાં. શહેરમાં આવેલી લગભગ તમામ સરકારી કચેરીઓમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. મનપા, પોલીસ, રૂડા, જીએસટી, યાર્ડ, બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. કોરોનાના વધતા કેસોને કારણે સોની બજાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે કાલથી 19 સપ્ટેમ્બર સુધી સોની બજાર બંધ રહેશે.

આજથી કોમ્યુનિટિ હોલનું રિઝર્વેશન શરૂ

રાજકોટમાં આજથી કોમ્યુનિટી હોલનું રિઝર્વેશન શરૂ કરી દેવામાં આવ્યું. સરકારની ગાઈડલાઈન મુજબ જ અને તેટલી જ સંખ્યામાં લોકોને પ્રસંગ યોજવા દેવામાં આવશે. હાલ રિઝર્વેશન સમયે સંબંધિત પ્રાંત અધિકારીની મંજૂરી રજૂ કરવાની જરૂર રહેશે નહીં. પરંતુ પ્રસંગની તારીખના 10 દિવસ પહેલા પ્રસંગ યોજવા અંગેની સંબંધિત પ્રાંત અધિકારીની લેખિત મંજૂરી મેળવી એસ્ટેટ વિભાગમાં રજૂ કરવાની રહેશે. આ સાથે જ સરકારની તમામ પ્રકારની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. ગાઈડલાઈનનો ભંગ કરનારને દંડ પણ કરવામાં આવશે.

24×7 સેવા આપતા 104 સેવા રથના કોરોના વોરિયર્સ

રાજકોટ શહેરમાં કોરોના સામેની કામગીરી અંગે રાજકોટ મહાનગરપાલિકા દિવસ-રાત જોયા વિના અથાગ મહેનત કરી રહ્યું છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શહેરીજનોને કોઇ હાલાકીનો સામનો ન કરવો પડે એવા આશયથી મહાનગરપાલિકા દ્વારા પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે. મનપા દ્વારા દરરોજ શહેરમાં ધન્વંતરી રથ દ્વારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળા અને આયુર્વેદિક દવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. હાલમાં જ ધન્વંતરી રથમાં નસ્ય સેવા પણ ચાલુ કરવામાં આવી છે. નસ્ય સેવાથી નાક મારફત પ્રવેશતા રોગોને અટકાવે છે. હાલમાં કોરોના વાયરસ સૌ પ્રથમ નાક મારફત જ શરીરમાં પ્રવેશે છે જેની સામે રક્ષણ મળે છે. આ ઉપરાંત કોરોના સામેના જંગમાં મહાનગરપાલિકા દ્વારા હોમ આઇસોલેશન સારવાર, સંજીવની રથ સેવા, 104 સેવા રથ, કોવિડ-19 ટેસ્ટિંગ વ્હિકલ સેવા, 21 આરોગ્ય કેન્દ્ર ખાતે વિનામૂલ્યે સારવાર સેવા, ડોર ટુ ડોર સર્વેલન્સ કામગીરી વગેરે પ્રકારની અવિતર સેવા આપવામાં આવી રહી છે.

માસ્ક ન પહેરનાર 39 લોકો પાસેથી દંડ વસુલાયો

સરકાર દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવી છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુરંત જ દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા 39 આસામીઓ પાસેથી રૂપિયા 39 હજાર અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા 4 ચા-પાનના ધંધાર્થી પાસેથી રૂપિયા 8 હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો છે તેમ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here