ખેડૂત આંદોલનનો 9મો દિવસ : ખેડૂતોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું, હવે સમગ્ર દિલ્હીની ઘેરાબંધી કરશે.

0
6

કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો આજે 9મો દિવસ છે. સરકારની સાથે શનિવારે થનારી બેઠક પહેલાં ખેડૂતોએ આજે મોટી જાહેરાત કરી છે. તેઓએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. તેમનું કહેવું છે કે હવે દિલ્હીના અન્ય રસ્તાઓ પણ બ્લોક કરીશું. ખેડૂતોની મીટિંગ પછી તેમના નેતા હરવિંદરસિંહ લખવાલે આ જાણકારી આપી. આ વચ્ચે સુપ્રીમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. અરજકર્તાએ કહ્યું કે ખેડૂતોને દિલ્હીની સરહદમાં તાત્કાલિક હટાવવાના નિર્દેશ આપવામાં આવે કેમકે પ્રદર્શનકારીઓના કારણે કોરોનાનો ખતરો વધી શકે છે. પિટીશનરના વકીલ ઓમપ્રકાશ પરિહારે આ જાણકારી આપી. જો કે આ અરજી પણ ક્યારે સુનાવણી થશે તે નક્કી થયું નથી. ખેડૂત ભાઈઓને આજે દીદી એટલે કે બંગાળના સીએમ મમતા બેનર્જીનો પણ સાથ મળી ગયો છે. મમતા બેનર્જીએ ઘણા ખેડૂત નેતાઓ સાથે ફોન પર વાત કરી છે અને તેમને કહ્યું કે, કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ તમારા આંદોલનમાં તૃણમૂલ પુરી રીતે તમારી સાથે છે.

 

કેનેડાના PMના નિવેદનથી વિદેશ મંત્રાલય નારાજ

ખેડૂત આંદોલન માટેના કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોના નિવેદન અંગે વિદેશ મંત્રાલયે સખત નારાજગી વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે, ભારતીય ખેડૂતો અંગે કેનેડાના નેતાઓના નિવેદન અમારા આંતરિક મામલામાં દખલગીરી છે, જેને ચલાવી લેવાશે નહીં. આવું જ રહેશે તો બન્ને દેશોના સંબંધને પણ ગંભીર નુકસાન થઈ શકે છે. આ સાથે જ ભારતે કેનેડાના હાઈ કમિશનરને પણ બોલાવ્યા છે.ટ્રુડોએ ગુરુનાનક જયંતીના દિવસે ભારતના પ્રદર્શનકારી ખેડૂતોનું સમર્થન કરી કહ્યું કે,સ્થિતિ ચિંતાજનક છે. તે હંમેશા શાંતિપૂર્ણ વિરોધના પક્ષમાં રહેશે.

આંદોલનના સમર્થનમાં પંજાબી લેખકોએ એવોર્ડ પરત કર્યા

ખેડૂતોના સપોર્ટમાં એવોર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત રહ્યો. લેખક ડો. મોહનજીત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી એવોર્ડ પરત કરી દીધા છે.ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ એવોર્ડ પરત કરી દીધો હતો.

કેન્દ્ર સુધારા માટે રાજી, પણ ખેડૂતો નહીં

ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું કે, કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે, આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલા આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.

કેન્દ્રએ કહ્યું- MSP રહેશે, ખેડૂતોએ કહ્યું- મુદ્દો કાયદાનો છે

કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની વાતચીત 7 કલાક સુધી ચાલી. બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝને કંઈ નહીં થાય. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એક્ટની જોગવાઈમાં ખેડૂતોને સુરક્ષા આપવામાં આવી છે.

ખેડૂતોએ કહ્યું, મુદ્દો માત્ર MSP નો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જોઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત 5 ડિસેમ્બરે થશે.

સરકારે 7 કલાકમાં ખેડૂતોની 7 ચિંતા સાંભળી, માત્ર એક પર વાયદો કર્યો, બાકીના પર વિશ્વાસ અપાવ્યો

ખેડૂતોની ચિંતા સરકારનો જવાબ
MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝ તો બંધ નહીં થઈ જાય? MSP યથાવત્ હતી છે અને રહેશે.
APMC એટલે કે એગ્રિકલ્ચર પ્રોડ્યુસર માર્કેટ કમિટી સમાપ્ત તો નહીં થઈ જાય? પ્રાઈવેટ મંડી આવશે, પરંતુ અમે APMCને પણ મજબૂત બનાવીશું.
મંડીની બહાર ટ્રે઼ડ માટે PAN કાર્ડ તો કોઈપણ મેળવી લેશે અને એના પર ટેક્સ પણ નહીં લાગે સરકારનો વાયદો- ટ્રેડરના રજિસ્ટ્રેશનને ફરજિયાત કરીશું.
મંડીની બહાર ટ્રેડ પર કોઈ ટેક્સ નહીં લાગે? APMC મંડી અને પ્રાઈવેટ મંડીમાં ટેક્સ એકસરખો રાખવા પર વિચાર કરીશું.
વિવાદ SDMની કોર્ટમાં ન જાય, એ નાની કોર્ટ છે. ઉપલી અદાલતમાં જવા અંગેના હક્ક અંગે વિચાર કરીશું.
નવા કાયદાથી નાના ખેડૂતોની જમીન મોટા લોકો પચાવી લેશે. ખેડૂતોની સુરક્ષાનો સંપૂર્ણપણે ખ્યાલ છે. તેમ છતાં શંકા છે તો સમાધાન માટે તૈયાર છીએ.
વીજળી સુધારા બિલ અને પરાલી સળગાવવા અંગેની સજાને લઈને પણ અમારો વિરોધ છે. સરકાર વિચાર કરવા અંગે સંપૂર્ણ રીતે તૈયાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here