સુરત : 10 વર્ષનો બાળક પાંચમાં અને છઠ્ઠા માળ વચ્ચે લિફ્ટમાં ફસાતા રેસ્ક્યુ કરાયો

0
3

ઉતરાણ વિસ્તારમાં આવેલી એમ્પોરીસ ગેલેક્સિ નામની બિલ્ડીંગમાં બાળક ફસાઈ ગયું હતું. જેને બચાવવા માટે ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ પાંચમા અને છઠ્ઠા માળ વચ્ચે ફસાયેલા બાળકને રેસ્ક્યું કર્યું છે. 12 માળની હાઈરાઈઝ બિલ્ડીગમાં બાળક તેના મિત્રો પાસે રમવા જતો હતો તે દરમિયાન લિફ્ટ અચાનક બંધ થઈ જતા ફસાઈ ગયું હતું. જેથી ફાયરે લિફ્ટના દરવાજા તોડીને બાળકને બચાવ્યું છે. બચાવાયેલું બાળક હાલ ડરના માર્યા હેબતાઈ ગયું છે. સમગ્ર સોસાયટીની બિલ્ડીંગની લિફ્ટ એક દમ ખરાબ ક્વોલિટીની હોવાના આક્ષેપ કરતાં સ્થાનિકોએ જણાવ્યું કે, બિલ્ડર દ્વારા કરાયેલી છેતરપિંડી સામે પાલિકા કમિશનર અને રેરામાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

મિત્રો પાસે બાળક રમવા જતું હતું
એમ્પોરીસ બિલ્ડીંગના બી વિભાગમાં રહેતો વંશ પરેશ સવાણી(ઉ.વ.આ.10) પોતાના મિત્રો સાથે રમવા માટે બિલ્ડીંગ નંબર ડીની લિફ્ટમાં જઈ રહ્યો હતો. 12 માળની આ બિલ્ડીંગ વંશ પાંચ અને છઠ્ઠા માળની વચ્ચે ફસાઈ ગયો હતો. જેથી તેને રેસ્ક્યુ કરવા માટે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટના સ્થળે પહોંચીને લિફ્ટના દરવાજા તોડી બાળકને બહાર કાઢ્યો હતો. જેથી સૌ કોઈ રાહતનો દમ લીધો હતો.

લિફ્ટમાં કોઈ ફેસેલિટી નથી
સ્થાનિક રહીશ જીતેન્દ્રભાઈ બલરએ જણાવ્યું હતું કે, એમ્પોરીસ બિલ્ડીંગના બિલ્ડરો દ્વારા 88 ફ્લેટના રહિશો સાથે છેતરપિંડી કરવામાં આવી છે. લિફ્ટની ક્વોલિટી ખૂબ નિમ્ન કક્ષાની છે. લિફ્ટમાં સાયરન પણ નથી. અગાઉ પણ એક વખત લિફ્ટ પાંચમા માળેથી ઝડપભેર ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાઈ હતી. જેમાં એક દાદાને કમરના મણકાની તકલીફ થઈ ગઈ હતી. બિલ્ડીંગમાં પાર્કિંગ અને ફાયરબ્રિગેડની ગાડીઓ આવી શકે તેવી પણ વ્યવસ્થા નથી. જેથી અગાઉ જ બિલ્ડરો સામે ફરિયાદ રેરા અને પાલિકા કમિશનરને આપવામાં આવી છે.