પટિયાલાના એક પરિવારનો દાવો છે કે તેમની 10 વર્ષની બાળકીનું બર્થડે કેક ખાવાથી મોત થયું છે. આ કેક ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. તેના મૃત્યુના થોડા કલાકો પહેલાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તે પોતાનો જન્મદિવસ ઉજવતી વખતે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. કેક ખાધા બાદ પરિવારના અન્ય સભ્યોની તબિયત પણ લથડી હતી.
ઘરમાં ઉત્સવનું વાતાવરણ હતું. દીકરીના જન્મદિવસ પર બધા ખુશ હતા. જન્મદિવસ પર કેક મંગાવામાં આવી દીકરીએ તે ખુશીથી કાપી અને બધાએ કેક ખાધી… પરંતુ જન્મદિવસની કેક કાપનાર યુવતીની તબિયત લથડી અને તે જ દિવસે તેણે જીવ ગુમાવ્યો.
પંજાબના પટિયાલામાં 10 વર્ષની બાળકીનું તેના જન્મદિવસે મોત થયું છે. પરિવારનો દાવો છે કે બાળકીએ તેના જન્મદિવસ પર કાપેલી કેક ખાધા બાદ તે બીમાર પડી હતી. પછી શરીર ઠંડુ પડી ગયું. તેને હૉસ્પિટલમાં લઈ જાય તે પહેલાં જ બાળકીનું મોત થયું હતું. છોકરીના પરિવારે જણાવ્યું કે કેક તેના જન્મદિવસ પર ઓનલાઈન ઓર્ડર કરવામાં આવી હતી. મૃત્યુના થોડા કલાકો પહેલા કેક કાપતા બાળકીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. કેક કાપતી વખતે છોકરી ઘણી ખુશ દેખાતી હતી.પોલીસે કહ્યું કે આ બાબત પર ધ્યાન આપવામાં આવશે. કેક ક્યાંથી આવી તેની તપાસ કરવામાં આવશે. તેમજ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. 10 વર્ષની માસૂમ બાળકીનું નામ માનવી હતું. પોલીસે પરિવારના નિવેદનના આધારે એફઆઈઆર નોંધી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં છોકરીના દાદા કહે છે, ‘અમે 6 વાગ્યે ઓનલાઈન કેક મંગાવી હતી, જે 6.15 વાગ્યે આવી હતી. 7:15 વાગે માનવીએ કેક કાપી. તે ખાધા પછી ઘરના બધાની તબિયત લથડી. ચક્કર આવવા લાગ્યા. માનવી અને તેની નાની બહેનને પણ ઉલ્ટી થવા લાગી. નાની બહેને ખાધેલી કેક ઉલટી દ્વારા બહાર આવી ગઈ તેથી તેની તબીયત વધુ ન બગડી પણ માનવીએ કેક ખાધા પછી તેનો જીવ ગુમાવ્યો.
તેમણે કહ્યું, “માનવીને પણ ઉલ્ટી થઈ પણ કેક બહાર આવી શકી નહીં. તેના મોઢામાંથી બે વાર ફીણ નીકળ્યું. અમને લાગ્યું કે તે માત્ર ઉલટી છે. આ પછી તે ઠીક થઈ જશે. પછી તે સૂઈ ગઈ. આ પછી તે ઉઠી અને પાણી માંગ્યું. તેણીએ કહ્યું કે તેનું ગળું સુકાઈ રહ્યું છે. ખૂબ તરસ લાગે છે. પછી તે ફરી સૂઈ ગઈ. સવારે લગભગ 4 વાગ્યે અમે જોયું કે તે ઠંડી પડી રહી હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા. બીજી તરફ ડોકટરોએ ઓક્સિજનની વ્યવસ્થા કરી હતી. પણ પછી ડોક્ટરોએ જણાવ્યું કે તેનું મૃત્યુ થઈ ગયું છે.
બાળકીના દાદાનો આક્ષેપ છે કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેમણે આરોગ્ય વિભાગ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.