સુરત : ડાઈંગ મિલમાં 10 વર્ષની બાળકીનો હાથ મશીનમાં કચડાયો, પોલીસે 8 દિવસ સુધી ધક્કા ખવડાવ્યા બાદ ફરિયાદ નોંધી એ પણ મિલ સામે

0
12

સુરતઃ કડોદરાના જોળવા ગામમાં આવેલી ધનુર્ધર પ્રોસેસર મિલમાં હેલ્પર તરીકે નોકરી કરતી 10 વર્ષની બાળકીનો હાથ મશીનમાં આવી જતાં હાથમાં ગંભીર ઈજા થઈ હતી. પોલીસે ચાર ધક્કા ખવડાવ્યા બાદ લેબર વિભાગની ફરિયાદ પર આખરે પોલીસે ફરિયાદ દાખલ કરવાની તસ્દી લીધી હતી. જોકે, હજી સુધી પોલીસે કોઈની ધરપકડ કરી નથી.

ઘટના શું હતી?

જોળવામાં રહેતી માનસી (નામ બદલ્યું છે. ઉ.વ. 10 વર્ષ ચાર મહિના) છેલ્લા એક મહિનાથી જોળવાની ધનુર્ધર પ્રોસેસર પ્રા. લિ. મિલમાં હેલ્પર તરીકે નોકરી કરે છે. આ મિલના ડિરેક્ટર વીરેન્દ્ર ગોવિંદલાલ અગ્રવાલ છે. મિલમાં ટ્યુબલર મશીન કે જે ભીનાં કપડાંને સ્ટીમની મદદથી સૂકવવાની પ્રક્રિયા કરે છે. આ મશીનમાં કાપડ પણ ફોલ્ડ થાય છે. ગઈ 29 નવેમ્બરે મશીનમાં કાપડ ફસાઈ ગયું હતું. તેને ચેક કરવા જતાં માનસીનો જમણો હાથ બે રોલરની વચ્ચે આવી જતાં માનસીને હાથમાં ગંભીર ઈજા થઈ હતી. માનસીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ત્યાંથી પણ પોલીસને જાણ નહીં કરીને હોસ્પિટલ પણ પોતાની ફરજ ચૂકી હતી. માનસીની માતા ફરિયાદ માટે પલસાણા પોલીસ સ્ટેશન ગયા તો પોલીસે ચાર વખત ધક્કા ખવડાવ્યા હતા. આખરે ડીસીપીઓ, ચાઇલ્ડ હેલ્પ લાઇન અને સરકારી લેબર ઓફિસર નીરવકુમાર ભલજી પરમારે પલસાણા પોલીસ સ્ટેશનમાં મિલના ડિરેક્ટર વીરેન્દ્ર ગોવિંદલાલ અગ્રવાલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા ગયા ત્યારે પલસાણા પોલીસે ફરિયાદ નોંધવાની તસ્દી લીધી હતી. જોકે, ફરિયાદમાં આરોપીની કોલમમાં ડિરેક્ટરનું નામ લખવાની જગ્યાએ મિલનું નામ લખ્યું છે.

બાળકીનું શિક્ષણ, બાળપણ મિલમાં ધરબાયું

હાથના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલી માનસીની માતા ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાઈ રહી હોવા છતાં પલસાણા પોલીસની માવનતા મરી પરવારી હોય અને માલેતુજારોના ખોળે બેસી ગઈ હોય એમ ફરિયાદ લીધી ન હતા. બાદમાં મોડેમોડે ફરિયાદ લીધી હતી.

11 કલાક નોકરી કરાવી રોજના 320 અપાતા હતા

મિલમાં માનસી પર રીતસર અત્યાચાર ગુજારાતો હતો. તેની પાસે 11 કલાક કામ કરાવાતું હતું. સવારે 9 વાગ્યે મિલમાં કામે જતી માનસી રાત્રે 8 વાગ્યે મિલની બહાર નીકળતી હતી. તેનું શિક્ષણ અને તેનું બાળપણ પણ મિલમાં જ કચડાઈ ગયું હતું.

મારી દીકરીનો હાથ મશીનમાં આવતાં જિંદગી જોખમમાં મુકાઈ

મારી દીકરી 11 કલાક કામ કરતી હતી. મારી આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે માનસીને નોકરી પર મૂકી હતી. તેનો હાથ મશીનમાં આવી જતાં તેની જિંદગી જોખમમાં મુકાઈ ગઈ હતી. પોલીસે ધક્કા ખવડાવ્યા પછી લેબર વિભાગે મધ્યસ્થી કર્યા બાદ પોલીસે ફરિયાદ દાખલ કરવાની તસ્દી લીધી હતી.- માનસીની માતા

હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી, પોલીસ કહે છે તપાસ ચાલુ છે

પલસાણાના પીએસઆઈ ભરત પરધાને જણાવ્યું કે, હજી તપાસ ચાલે છે. ડિરેક્ટરના નીચે કોઈ વ્યક્તિ હોય અને તે વ્યક્તિએ છોકરીને નોકરી પર રાખી હોય શકે. એટલે તપાસ ચાલે છે. હજી કોઈની ધરપકડ કરી નથી. તેમ જ પોલીસે તત્કાલ ફરિયાદ દાખલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here