સોલા સિવિલમાં ૧૩ વર્ષીય બાળકની આંખની સર્જરી થઇ સફળ

0
0

13 વર્ષીય બાળકને પોતાના હાથના અંગૂઠો જમણી આંખમાં વાગતાં કીકી ફાટી જતાં તેણે દૃષ્ટિ ગુમાવી દીધી હતી. સોલા સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના ડોક્ટરોની ટીમે દાનમાં મળેલી કીકી બાળકની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરી તેને દૃષ્ટિ આપીને અંધત્વથી બચાવ્યો છે. સોલા સિવિલના આંખ વિભાગના વડા ડો. દીપિકાબેન સિંઘલ જણાવે છે કે ગત વર્ષે સોલા સિવિલના આંખના વિભાગમાં 13 વર્ષનો બાળક આંખે દેખાતું ન હોવાની ફરિયાદ સાથે તપાસ માટે આવ્યો હતો.

ચક્ષુદાનમાં મળેલી આંખ કામ આવી
બાળકની મેડિકલ હિસ્ટ્રીમાં જણાયું કે બાળકને પોતાનો જ અંગૂઠો જમણી આંખમાં વાગી જતાં કીકી ફાટી ગઈ હતી, તેથી ધીમે ધીમે તેની આંખની દૃષ્ટિ સાવ ઓછી થઈ ગઈ હતી. એક સમયે તો આંખની આગળ હાથ હલતો હોય એટલો જ ખ્યાલ આવતો હતો, એનાથી વધારે તેને કશું દેખાતું ન હતું, પરંતુ બાળક તપાસ માટે આવ્યો એ સમયે હોસ્પિટલમાં એક વ્યકિતના ચક્ષુદાનથી પ્રાપ્ત થયેલી આંખ ઉપલબ્ધ હોવાથી તેની કીકી બદલી શકાય એમ હતું, જેથી અમે તાત્કાલિક બાળકના પરિવારની સંમતિ મેળવી ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

મોતિયો પાકવા લાગ્યો હતો
બાળકની ઉંમરને ધ્યાનમાં રાખીને લોકલ એનેસ્થેસિયાને બદલે પૂરેપૂરો બેભાન કરીને ઓપરેશન કરવુું પડે એમ હતું, જેથી આ ઓપરેશન માટે ડો. કિશન પ્રજાપતિનો સંપર્ક કરીને તેમના સહયોગથી ઓક્ટોબર 2020માં આંખનું સફળ ઓપરેશન કરાયું હતું. અંગૂઠો વાગવાથી થયેલી ઇજાને લીધે મોતિયો પણ પાકવા લાગ્યો હતો, જેથી ઓપરેશનના 9 મહિના બાદ 1 જુલાઇ 2021ના રોજ મોતિયાનું ઓપરેશન કરીને આંખમાં મણિ મુકાયો. કીકી બદલવાનું ઓપરેશન થયું હોય એવા દર્દીમાં મોતિયાનું ઓપરેશન ખૂબ જ જટિલ સાબિત થતું હોવાથી સાવચેતી જરૂરી હોય છે.

સર્જરી કરવામાં થોડો પણ વિલંબ થયો હોત તો આંખમાં ઈન્ફેક્શન વધવાની શક્યતા હતી
કીકી ટ્રાન્સપ્લાન્ટ સર્જરી જટિલ હોય છે. આ ઓપરેશનમાં દાનમાં આવેલી કીકી બાળકની આંખમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે આંખની ખરાબ થયેલી કીકી કાઢી ત્યાર બાદ નવી કીકી બેસાડવા માટે 16 ટાંકા લીધા હતા. પુખ્ત વ્યક્તિ કરતાં બાળકોની આંખનું સ્ટ્રક્ચર અત્યંત નાજુક હોવાથી આ પ્રક્રિયા કરવી અઘરી હોય છે. સર્જરી જેટલી મોડી કરાય એટલું આંખમાં ઇન્ફેક્શનની શક્યતા વધી જાય છે અને આંખ નાની થઇ જાય અને વિઝન પાછું આવવાની સ્થિતિ નહિવત બની જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here