યુપી : બારાબંકીમાં પાક કાપવા ગયેલી 15 વર્ષની છોકરી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો, નાક અને મોઢું દબાવી રાખ્યા હતા, શ્વાસ રુંધાતાં મોત થયું

0
6

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ખેતરમાં પાક કાપવા ગયેલી એક 15 વર્ષની છોકરી પર 5 લોકોએ ગેંગરેપ કર્યો. દારૂ પીધા પછી આરોપીઓએ છોકરી પર ખેતરમાં જ ગેંગરેપ કર્યો. પીડિતા ચીસ ન પાડી શકે એ માટે આરોપીઓએ તેનું મોઢું અને નાક દબાવી રાખ્યા. એને કારણે છોકરીનો શ્વાસ રુંધાઈ ગયો અને તેનું મોત થઈ ગયું. તેનો ઘટસ્ફોટ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો છે. છોકરીના પ્રાઈવેટ પાર્ટ પર ઈજાનાં નિશાન પણ મળ્યાં છે.

ગેંગરેપની પુષ્ટિ થયા પછી પોલીસે કલમો વધારી દીધી છે. પાંચ શંકાસ્પદોની ધરપકડ કર્યા પછી પોલીસ પૂછપરછ કરી રહી છે, જોકે અત્યારસુધીમાં કોઈ ખાસ સફળતા મળી નથી. આ ઘટના પછી ગામમાં તણાવ છે. ગુરુવારે સાંજે પીડિતાના પરિવારના સભ્યોએ અંતિમસંસ્કાર કર્યા હતા.

બુધવારે સાંજે પાક કાપવા ખેતરમાં ગઈ હતી છોકરી

સતરિખ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલા એક ગામમાં રહેનારી પીડિતા બુધવારે સાંજે પાકને કાપવા માટે ખેતરમાં ગઈ હતી. ખૂબ લાંબા સમય સુધી તે પરત ન ફરી તો પરિવારના સભ્યોએ શોધખોળ શરૂ કરી. રાતે છોકરીનું શબ અર્ધનગ્ન અવસ્થામાં મળ્યું હતું. તેના હાથ બાધેલા હતા. છોકરી પર પહેલા દુષ્કર્મ અને પછી તેની હત્યા કરવામાં આવી હોવાનું તેના શબને જોતાં લાગતું હતું. આ આરોપીઓ એક કે બે નહિ, પરંતુ તેનાથી વધુ હતા. ઘટનાના સ્થળેથી દારૂની ત્રણ બોટલો પણ મળી છે

FIRમાં દુષ્કર્મની કલમો વધારવામાં આવી

એસપી આર. એસ. ગૌતમે જણાવ્યું હતું કે બુધવારે મોડી સાંજે સતરિખ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગામમાં ખેતરમાંથી એક શબ મળ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમા રેપની પુષ્ટિ થયા પછી એફઆઈઆરમાં હત્યા ઉપરાંત દુષ્કર્મની કલમો વધારવામાં આવી. તપાસ માટે અપર એસપીની આગેવાનીમાં ટીમની રચના કરવામાં આવી છે. તમામ પુરાવાઓ એકત્રિત કરવામાં આવશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.