મહુવા : ખારી ગામે ભારે વરસાદથી કાચું મકાન ધરાશાયી થતા 17 વર્ષની કિશોરીનું મોત, બેને ઇજા

0
5

ભાવનગર. મહુવા શહેરમાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહુવા પંથકમાં સતત વરસતા વરસાદથી ખારી ગામમાં એક કાચું મકાન ધરાશાયી થયું છે. કાચું મકાન ધરાશાયી થતા 17 વર્ષની કિશોરીનું મોત નીપજ્યું છે. રાત્રીના સમયે વરસાદના કારણે મકાન ધરાશાયી થતા 17 વર્ષની કિશોરીનું મોત થયું છે. જ્યારે પરિવારના અન્ય બે સભ્યોને સામાન્ય ઇજા પહોંચતા 108 દ્વારા મહુવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહુવાના ખુંટવડા ગામના માલણ ડેમમાં પાણીની આવક
મહુવાના ખુંટવડા ગામ નજીક આવેલા માલણ ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે સારી એવી આવક થઈ છે. માલણ ડેમ ઓવરફ્લો થવામા પાંચ ફૂટ બાકી છે. માલણ ડેમમાં પાણીની આવકના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય બનતા ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના પગલે ભાવનગર જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સવારથી વરસાદી માહોલ જામ્યો છે.

કપાસ અને મગફળી સહિતના પાકને ફાયદો
ભાવનગરમાં સવારથી વરસાદના ધોધમાર ઝાપટા વરસી રહ્યા છે. જિલ્લામાં સિહોર, સોનગઢ, પાલિતાણા, તળાજા, મહુવા સહિતના પંથકોમાં વરસાદી માહોલ જામ્યો છે. સિહોરમાં વરસાદ વરસી રહ્યો છે તો ગ્રામ્ય પંથકમાં નવાગામ, સણોસરા, જીથરી, અમરગઢ સહિતના ગામોમાં વરસાદ વરસતા કપાસ, મગફળી સહિતના પાકને ફાયદો થઈરહ્યો છે. બીજી તરફ પિયતના પાણીનો પ્રશ્ન પણ હલ થશે.