કોઈપણ દેશમાં સંતોને ખૂબ જ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે. જો કે, કેટલીકવાર આ સંતો કંઈક એવું કરે છે જેનાથી લોકો ચોંકી જતાં હોય છે. આફ્રિકાથી પણ આવી જ એક ઘટના સામે આવી છે. ઘાનામાં રહેતા 63 વર્ષના એક સંતે માત્ર 12 વર્ષની છોકરી સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે.જો કે સોશિયલ મીડિયા યુઝર્સ સંતના આ પગલાથી નાખુશ છે. એટલું જ નહીં, એક મોટો વર્ગ સોશિયલ મીડિયા દ્વારા સંતની ટીકા પણ કરી રહ્યો છે. અહેવાલ મુજબ ઘાનામાં નુગુઆ સમુદાય રહે છે. તેમના રિવાજો અને પરંપરાઓ અન્ય લોકો કરતા થોડા અલગ છે.
અહેવાલો અનુસાર, બે દિવસ પહેલા નુગુઆ સમુદાયના સંત નુમો બોરકેટે લવેહ ત્સુરુ XXXIII એ 12 વર્ષની સગીર છોકરી સાથે લગ્ન કર્યા હતા. જાણીને નવાઈ લાગશે કે સગીર યુવતી સંતના સમુદાયની જ સગીર બાળકી છે.
સંતે ખૂબ જ ધામધૂમથી અને પરંપરાગત રીત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા. આ દરમિયાન સમુદાયના લગભગ દરેક લોકો આ લગ્નપ્રસંગમાં હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે ઘાનામાં લગ્ન કરવા માટે કાયદેસર રીતે છોકરીની ઉંમર 18 વર્ષની હોવી જરૂરી છે. પરંતુ છોકરી માત્ર 12 વર્ષની છે. આ જ કારણે લગ્નનો વિડીયો વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો.
વાયરલ થયેલા વિડીયોમાં સમુદાયના લોકો સગીર છોકરીને ઘણી બધી વસ્તુઓ શીખવતા જોઈ શકાય છે. અહીં લોકો સગીર છોકરીને પરફ્યુમનો ઉપયોગ કેવી રીતે કરવો, લગ્ન પછી તેના પતિ સાથે કેવું વર્તન કરવું વગેરે કહેતા જોઈ શકાય છે.
લગ્ન બાદ કોમ્યુનિટી તરફથી એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. ત્યાંના નેતા એનઆઈઆઈ બોર્ટે કોફી ફ્રેંકવા II નું કહેવું છે કે ધાર્મિક નેતાની ટીકા માત્ર અજ્ઞાનતાને કારણે કરવામાં આવી રહી છે. આ લગ્ન પરંપરા અને રિવાજ મુજબ જ થયા છે. સમુદાયનું કહેવું છે કે છોકરી માત્ર 6 વર્ષની હતી ત્યારથી ધાર્મિક નેતા સાથે લગ્ન કરવા માટે તપસ્યા કરી રહી હતી. આ સમયગાળા દરમિયાન, તેના જીવનમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધો ન હતા. છોકરીને એક રિવાજ મુજબ ધાર્મિક નેતાની પત્ની બનાવવામાં આવી હતી.