સુરત : MLA સંગીતા પાટીલની ઓફિસ પાસે દારૂની રેલમછેલ : અડ્ડા પર જનતા રેડ

0
5

લિંબાયતનાં ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ નજીક સુભાષનગરમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર સ્થાનિક લોકોએ રેઇડ પાડી હતી. ઘણો દારૂ લોકોએ સળગાવ્યો હતો. સુભાષનગરમાં અમુક મકાનમાં આનંદા મરાઠે ઉર્ફ લંગડો તેમજ ગણેશ પાટીલ ઉર્ફ ગણ્યા કાંદા ઘણા સમયથી દેશી દારૂ વેચે છે. શુક્રવારે સવારે લિંબાયત પીઆઈ એચ.બી. ઝાલાને સુભાષનગરના રહીશોએ દારૂના અડ્ડાઓ બંધ કરવા રજુઆત કરી હતી. સાંજે લિંબાયત પોલીસ સુભાષનગરમાં રેઇડ કરવા માટે આવી હતી. ત્યારે પોલીસની સાથે સ્થાનિક આગેવાનો અને સોસાયટીના રહિશોએ સુભાષનગરમાં આનંદા અને ગણેશે જ્યાં દારૂ સંતાડી રાખ્યો હતો ત્યાં રેઇડ કરી હતી.

ત્યાંથી સેંકડો લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસ દારૂ લઈ ગઈ અને પછી બંને આરોપીઓ આનંદા તેમજ ગણેશને પણ ઝડપી પાડ્યો હતો. ઘટના સ્થળેથી પોલીસ ગયા બાદ લોકોએ ફરીથી આસપાસના વિસ્તારોમાં તપાસ કરતા દેશી દારૂનો ડ્રમ મળી આવ્યો હતો. તે ડ્રમ બાબતે જનતાએ પોલીસને અંધારામાં રાખીને ડ્રમને દુર લઈ જઈને એમએલએ સંગીતા પાટીલની ઓફિસે સંજયનગરના રસ્તા પર સુભાષનગરના નાકે લઈ જઈ સળગાવી દીધો હતો.

ચૂંટણી આવતા જ ડો. રવિન્દ્ર પાટીલને દારૂના અડ્ડા દેખાયા.

પોલીસને દારૂ મળતો ન હોવાથી જનતાએ રેઈડ કરી હતી. પરંતુ લિંબાયત પીઆઈ ઝાલા કહે છે કે, પોલીસે જ રેઈડ કરી હતી. બીજી તરફ આ આખી ઘટના પાલિકાના રાજકારણ સાથે પણ પરોક્ષ રીતે જોડાયેલી છે. કેમ કે સ્થાનિકોને સવારે પોલીસ સ્ટેશને લઈ જઈ આગેવાની કરનાર અને જનતા રેઈડમાં સાથે રહેનાર કોર્પોરેટર બીજું કોઈ નહીં પણ કોંગ્રેસના ડો. રવિન્દ્ર પાટીલ હતા.

મહિલાઓ રેઇડમાં જોડાઈ, પોલીસની ભૂમિકા શંકાસ્પદ.

લિંબાયતમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેઇડ કરવામાં મહિલાઓ પણ પોલીસ સાથે જોડાઈ હતી. લિંબાયતમાં બેફામ બુટલેગરો પોલીસને દેખાતા ન હોવાની વાતો પણ થતાં પોલીસની ભૂમિકા શંકાસ્પદ જણાતી હતી.

પકડાયેલા બંને બુટલેગરો રાજકારણમાં પણ સક્રિય 

બુટલેગરો આનંદા અને ગણેશ રાજકારણમાં પણ સક્રિય છે. કોર્પોરેશનની ચૂંટણી હોય કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણી, આ બંને તેમાં ખુબ જ એક્ટિવ ભૂમિકા ભજવતા હોય છે. રાજકારણીઓ પણ આ બંનેનો સંપર્ક કરતા હોય છે.